back to top
Homeગુજરાતખ્યાતિકાંડ: ડો.પટોળિયાની ધરપકડના 24 કલાકમાં ખુલાસો:3 વર્ષમાં 8534 દર્દીની સારવાર અને 112ના...

ખ્યાતિકાંડ: ડો.પટોળિયાની ધરપકડના 24 કલાકમાં ખુલાસો:3 વર્ષમાં 8534 દર્દીની સારવાર અને 112ના મોત થયા; PMJAY યોજનાના દસ્તાવેજો અને ડોક્ટરની તપાસ કરાશે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39 ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આજે ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સંજય પટોળિયાના 12 તારીખ સાંજના 4 વાગ્યા સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડમાં પ્રાથમિક પુછપરછમાં ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીઓની સારવારમાં 112 દર્દીઓના મોત સહિત અનેક ખુલાસા સામે આવ્યા છે. નાણાંકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઇ
ક્રાઇમ બ્રાંચ ACP, ભરત પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીઓ સારવાર લીધી હતી, જેમાં 3842 દર્દીની સરકારી યોજના હેઠળ સારવાર કરવામાં આવી હતી. કુલ લીધેલી સારવાર પૈકી અત્યાર સુધીમાં 112 દર્દીઓના મોત થયાં છે. 4 ડિસેમ્બરે હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોળિયાની ધરપકડ થઈ હતી સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગના ડોક્ટરોની પૂછપરછ કરી દસ્તાવેજો તપાસ્યા હતા. એટલું નહીં, પરંતુ સંજય પટોળિયાની ધરપકડ કર્યા બાદ હોસ્પિટલ નાણાકીય ખોટમાં હોવાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં નાણાંકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઇ હતી. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ આલિયાન્ઝ હતી
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર્થિક નાણાંની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી હતી. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ આલિયાન્ઝ હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંજય પટોળીયાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે, ચાર ડિરેક્ટર પૈકી સંજય પટોળિયા મેડિકલ નિષ્ણાત થવાના કારણે તેની સઘન તપાસ જરૂરી છે. રેલ વિભાગ અને ONGC સહિત સરકારી અને અર્ધસરકારી સંસ્થાના કર્મચારીઓ પણ સારવાર માટે MOU થયા હતા. આઠ આરોપી પૈકી બે હજુ ફરાર
12 નવેમ્બરના રોજ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે લોકોનાં મોત બાદ PMJAY યોજનાથી ચાલતું કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારસુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા PMJAYમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોક્ટર દ્વારા રોજ 100 ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમર્જન્સી નોંધાઈ છે તો એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે રવિવારે કેમ્પ યોજાતા હતા, ત્યાર બાદ સોમવારે હોસ્પિટલમાં ઇમર્જન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. PMJAY યોજનાની ટીમ પણ શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી PMJAYની તપાસ કરતાં સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રૂવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે. કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું એ દિશામાં તપાસ
પાંચ મિનિટના સમયગાળા દરમિયાન કામ કરતા સમયે કોઈ ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો હોય છે કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈપણ ડોક્ટરની આ કાંડમાં સંડોવણી હોય તો ડોક્ટરે કઈ રીતે કામ કર્યું હોય અને હોસ્પિટલને કઈ રીતે મદદ કરતો હોય એ બાબતની તપાસ ચાલી રહી છે. કયા કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું હતું એ તપાસ ચાલી રહી છે. PMJAY યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી
ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે રવિવારના દિવસે આવતા હતા, ત્યાર બાદ સોમવારના દિવસે સર્જરી કરવામાં આવતી હતી, જેથી PMJAY યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી હતી. સોમવારના દિવસે ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ સૌથી વધારે ક્લિયર થતી હતી કે કેમ? અને સોમવારના દિવસે કયા કયા ડોક્ટરના કોમ્પ્યુટરમાં ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ ક્લિયર થવા માટે આવતી હતી એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments