મેહુલ પટેલ , કેતન ભટ્ટ
ગુજરાતનો સૌથી દુર્ગમ તાલુકો કપરાડા. વલસાડ જિલ્લામાં આવેલા આ તાલુકાનાં ગામોમાં પ્રવેશતા જ આછેરો ખ્યાલ આવી જાય કે તાલુકામાં રહેતી દીકરીઓ માટે તાલુકાના નામની જેમ જ કપરા ચઢાણની સ્થિતિ છે. ગામોમાં ગયા પછી જે હકીકત જાણવા મળી તે સાંભળ્યા બાદ હૃદય ધબકારા ચૂકી ગયું, મગજ સુન્ન થઈ ગયું, આઘાત લાગ્યો. શું કરવું તે સમજાતું નહોતું. નાની દીકરીઓ માતા બની ગઈ .જેની કૂખે આ સંતાન અવતર્યું છે તે દીકરી હજુ તો માંડ 14 વર્ષની હતી. 12, 14, 15, 16, 17 વર્ષ જેવી હસવા, રમવા, ભણવાની ઉંમરે દીકરીઓની કૂમળી કૂખે બાળક અવતર્યા છે તેવું જાણ્યા પછી આઘાત ના લાગે તો બીજું શું થાય ? અને આવા એકલ દોકલ કિસ્સા નથી. તાલુકામાં માત્ર 9 મહિનામાં જ 907 દીકરીઓ બાળમાતા બની છે. જેની ઉંમર 12 થી 18 વર્ષ વચ્ચે છે. વલસાડ જિલ્લામાં 15 થી 19 જેવી કૂમળી વયની 2175 જેટલી દીકરીઓ માતા બની હોવાનો ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે. અહીં કાયદાનો પનો ટૂંકો પડી રહ્યો છે કે આંખે પાટા બંધાઈ ગયા છે તે પણ સવાલ છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં નાની ઉંમરમાં જ દિકરીઓ માતા બની રહી હોવાના આશ્ચર્યજનક કિસ્સામાં તો બે કેસોમાં તો માત્ર 12 વર્ષની દિકરીઓ માતા બની હોવાની ચોંકવનારી માહિતી બહાર આવી છે. દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે કપરાડા સહિતના આદિવાસી વિસ્તારમાં સગીર યુવક-યવતીઓ નાની ઉમરે સાથે રેહવા લાગે છે અને પુત્રો થયા બાદ લગ્ન કરતા હોય છે.જેના કારણે નાની ઉમંરમા દિકરીઓની ડિલીવરી વધુ થઇ રહી છે. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકામાં રહેતા લોકો મજુરી કામ કરવા નાસિક,મહારાષ્ટ્રના સુધી જાય છે.સગીર યુવક યુવતીઓ સાથે જતાં હોવાથી વર્ષોથી અહી રિલેશનશીપમાં રહેવાની પરંપરા છે.વર્ષો સુધી રિલેશનશીપ રહ્યા બાદ લગ્ન કરતાં હોય છે.જેના કારણે અહી નાની ઉમંરની દિકરીઓને ડિલવરી થાય છે.દિવ્ય ભાસ્કરએ આરોગ્ય વિભાગ પાસેથી કાઢેલી માહિતી મુજબ 1 એપ્રિલ 2024થી નવેમ્બર 2024 સુધીમાં એટલે કે માત્ર 9 માસમાં જ 12થી 18 વર્ષની ઓછી ઉંમરની કુલ 907 સગીર યુવતીઓ માતા બની છે.જેમાં પણ બે કિસ્સામાં તો માત્ર 12 વર્ષની દિકરીઓની ડિલીવરી થઇ હતી.ગુજરાતમાં સૌથી વધારે નાનીવયની દિકરીઓની ડિલવરીમાં કપરાડા મોખરે છે.આવા કિસ્સામાં દિકરીઓના મૃત્યુની સંભાવના ઘણી જ વધી જાય છે. આમ છતાં કપરાડામાં અલગ સ્થિતિ જોવા મળી રહી છે.કાયદા પ્રમાણે અયોગ્ય છે પરંતુ કપરાડા તાલુકામાં તો વર્ષોથી સાથે રહ્યા બાદ પુત્રો મોટી ઉમંરમાં થઇ જતા હોય છે ત્યારબાદ સમુહ લગ્નમાં લગ્ન કરતાં હોય છે.ગુજરાત સરકાર દ્વારા જન-જાગૃતિ માટે અનેક અભિયાનો અને જાગૃતતા માટે કાર્યક્રમો યોજી રહ્યા છે,પરંતુ વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં જન-જાગૃતિના અભિયાનો નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે.
વધુ બ્લડપ્રેશર હોય તો ડિલિવરી વખતે દીકરીનું મૃત્યુ થઈ શકે
કપરાડાના મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંત તબીબે જણાવ્યું હતું કે ઓછી ઉંમરની દીકરીઓને ડીલેવરી સમયે વધુ બ્લડપ્રેશર હોય તો મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. અધુરા મહિને ડિલિવરી થતી હોય છે.આ કેસોમાં ડિલિવરી પછી ઓછી ઉંમરની દીકરીઓ ડિપ્રેશનનો શિકાર બને છે.નાની ઉંમરમાં દીકરીઓને ડિલિવરી અંગે અપરિપક્વતા હોય છે જેથી બાળકને કેવી રીતે સંભાળી શકે તેવા વિકટ પ્રશ્નો ઊભા થાય છે.આવા કેસોમાં નોર્મલ ડિલિવરી કરતા સીઝર કરવાની વધુ નોબત આવે છે. તબીબો માટે પણ નાની દીકરીઓને ડીલેવરી કરાવવાનું ચેલેન્જ રૂપ હોય છે કારણ કે દર્દીઓ આ ઉંમરે ડિલિવરી માટે તૈયાર હોતા નથી. 9 માસમાં 15થી 19 વર્ષની દિકરીઓની ડિલિવરી કપરાડામાં 16 અને 17 વર્ષની કિશોરીએ ડિલિવરી
બાદ જીવ ગુમાવ્યો, ઘણા કેસમાં ઓછા મહિને પ્રસૂતિ
કપરાડાની 17 વર્ષીય સગીરાનું સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી સમયે મોત થયંુ હતું. આ સાથે અન્ય એક સગીરાનું ડિલિવરી પછી અકસ્માતમાં મોત થયુ હતું.જયારે 12 વર્ષની બે દીકરીઓને ડિલિવરી થઇ હતી, જેમાં બન્નેે દિકરીઓ અને નવજાત શિશુ સ્વસ્થ હતા. આ બંને કેસોમાં કોઇનું મોત થયુ ન હતું. જો કે કેટલાક કેસોમાં ઘરે નોર્મલ ડિલિવરી પણ કરવામાં આવે છે. નાની વયની દીકરીને ડિલિવરીમાં સિઝરની સંભાવના વધુ છે. ઓછા મહિને ડિલિવરી પણ થાય છે. પિતાના લગ્નમાં પુત્રો પણ જોવા મળે છે કપરાડાના સામાજિક આગેવાન હરિશભાઇએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં તો કન્યાઓ પુત્રોને સાથે રાખીને લગ્ન કરે છે.કારણ કે અહી વર્ષોથી અલગ પ્રથા ચાલી આવી છે. રિલેશનશીપમાં વર્ષો સુધી રહ્યા બાદ લગ્ન કરવાની પરંપરા અહીં છે. સોફ્ટવેરમાં 15 વર્ષથી 19 વર્ષ સુધીની માહિતી, ઓછી વયની નોંધ નથી હોતી
આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં 15થી 19 વર્ષની સગર્ભાની માહિતી અપલોડ કરવામાં આવે છે.પરંતુ અંતરિયાળ વિસ્તારમાં 15 વર્ષ થી નીચેની વયની સગીરાની ડિલિવરી થઈ હોય તેમની આંકડાકીય માહિતી પણ બહાર આવવાની શક્યતા ઘટી જાય છે.પરંતુ હવે સરકારે નવા સોફટવેરમાં તેની માહિતીનો પણ ઉલ્લેખ કર્યો છે. નાની વયે માતા બનવાથી શારીરિક ખામીઓ, ભણતર છોડી દેવું પડે છે
દિવ્ય ભાસ્કર દ્વારા સગીર વયની ઉંમરે માતા બનેલ દીકરીઓ જોડે વાતચીતમાં જાણવા મળ્યું કે નાની ઉમરે ડિલિવરી કે સિઝેરિયનથી લોહીની ઊણપ કે શારીરિક તકલીફોની સમસ્યા તો બહાર આવી જ તો ભણવાનું અધૂરું છોડવું પડ્યું હોવાનું પણ નાની વયની માતા બનેલ દીકરીઓની કહાનીમાં દર્દ છલકાયેલું જોવા મળ્યું હતું. … હવે આવી ઘટનામાં પોલીસને જાણ થતી નથી 1 સરકારી કે ખાનગી હોસ્પિટલો આવા કેસોમાં શું કરે છે ?
નાની વયની દિકરીની ડિલિવરી વખતે અગાઉના સમયમાં પોલીસને જાણ કરાતી હતી,પરંતુ હવે આ ડિલિવરીનું પ્રમાણ વધુ હોવાથી તથા સોફ્ટવેરના કારણે પોલીસને જાણ કરવામાં આવી રહી નથી. 2 અત્યાર સુધીમાં આવા કેસોમાં કોઇ કાર્યવાહી થઇ કે કેમ ?
કપરાડા વિસ્તારમાં પહેલેથી આ પ્રથા છે. અહીં આ બાબત સામાન્ય ગણવામાં આવે છે,અને પરિવાર પણ આ બાબતે કોઈ જ ફરિયાદ કે વિરોધ કરતા નથી. 3 આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો હાલ સુધી કેમ હાથ ન ધરાયા?
વલસાડ શહેરથી કપરાડા તાલુકાના ગામો વચ્ચે 100 કિ.મી. જેટલુ અંતર છે, અહીં સુવિધાનો અભાવ છે. જેથી સરકાર અને એનજીઓ અભિયાન હાથ ધરે છે, અનેક જાગૃતિના કાર્યક્રમો યોજે છે, સફળતા મળતી નથી. આ પ્રથા તાત્કાલિક ધોરણે કાયમી બદલાઇ તેવી સંભાવના દેખાતી નથી.