વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને EDના નામે 60.50 લાખ રૂપિયા પડાવ્યા છે. ભેજાબાજોએ મહિલાને કહ્યું હતું કે, 1000 કરોડ રૂપિયાના ફ્રોડના કેસમાં તમારું નામ આવ્યું છે. જેથી બ્લેકમેલ કરીને મહિલા પાસેથી નાણા પડાવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 65 વર્ષીય મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિનું વર્ષ 2020માં મૃત્યુ થયું હતું અને મારો પુત્ર મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 22 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગે મને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે મને જણાવ્યું હતું કે મારું નામ રોહન શર્મા છે અને હું અંધેરી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર છું અને રવિશંકર નામના વ્યક્તિએ મની લોન્ડરિંગ માટેનો 900થી 1000 કરોડનું ફ્રોડ કર્યું છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલાવ્યું છે એ ખાતા નંબર તમે લખી લો. ત્યારબાદ મને જણાવ્યું હતું કે, તે એકાઉન્ટ ફ્રોડનું છે જેમાં ફ્રોડના કુલ રુપિયા 7 કરોડ ઉપડ્યા છે અને અમે રવિશંકરને 7 ઓગસ્ટના રોજ પકડ્યો છે, જેને પકડતા તમારા વિશેની માહિતી મળી છે. જેનો કેસ નંબર 021389 છે. તમે આ રવિશંકરને ઓળખો છો? તમે કોઇ બેંકમાં ખાતુ ખોલાવ્યું છે ?, તમે તમારા આધારકાર્ડની માહિતી તેઓને આપી છે? જેથી મે તેઓએ કહ્યું હતું કે, મેં કોઈ માહિતી આપી નથી અને મારુ કોઈ એકાઉન્ટ મુંબઇમાં નથી, ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, તમારી કોલ હું ટ્રાન્સફર કરુ છું. આ કેસ ED ડિપાર્ટમેન્ટમાંથી વિક્રમસિંહ રાજપુત હેન્ડલ કરે છે. ત્યારબાદ તા 22/10/2024ના રોજ કે, 2.55 વાગ્યે મને વ્હોટસેપ ઉપર Hiનો મેસેજ આવ્યો હતો, ત્યારબાદ 2.56 વાગ્યે મને વીડિયો કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાનો ફેસ મને દેખાતો નહોતો અને તેણે પોતાનું નામ વિક્રમસિંહ રાજપુત જણાવ્યું હતું. જેમાં મને પૂછ્યું હતું કે, તમે મની લોન્ડરિંગ વિશે જાણો છો? તમારી પાસે કોઈ એવિડન્સ છે કે, તમે આ એકાઉન્ટ વિશે કે, કેસ વિશે જાણતા નથી. તમે પુરાવાઓ આપો પુરાવા વગર અમે તમને નિર્દોશ સાબિત ન કરી શકીએ અને તમારે દર એક કલાકે “Everything is ok ” લખવાનુ રહેશે અને સવારે ઉઠીને પણ મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ 23 ઓક્ટોબરના રોજ વિક્રમસિંહે જણાવ્યું હતું કે, તમારે એવિડન્સ માટે પ્રોસીક્યુટર આસિસ્ટંટ ડીરેક્ટર નિરજકુમાર સાથે વાત કરવી પડશે. જેથી મને એક મોબાઇલ નંબર મોકલ્યો હતો, જેથી મે નિરજ કુમારને મેસેજ કર્યો હતી અને તેઓને વિડીઓ કોલ પણ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની વીડિયો કોલની સ્ક્રીન ઓફ રાખી હતી. જેમા મને એવિડન્સ આપવા માટે જણાવ્યું હતું. સાથે સાથે એરેસ્ટ વોરંટ પણ બતાવ્યું હતું. જેથી મને જણાવ્યું હતું કે, જો તમારે એરેસ્ટ ન થવુ હોય તો એક ફંડસ ચેકિંગ કરવુ પડશે. જેથી મે તેઓને હા પાડી હતી. ત્યારબાદ મને મારા બેંક ખાતાઓ તેમજ FD વિષે પૂછ્યું હતું. જેથી મેં મારા બેન્ક એકાઉન્ટ અને FDની વિગતો તેમને જણાવી હતી તેથી તેઓએ મને મારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માટે બેંકમાં જવા માટે કહ્યું હતું. જેથી મેં તમને કહ્યું હતું કે મારે વિવિધ 10 બેંકમાં ડિપોઝિટ છે. જેથી તેમને મને આ કેસમાંથી બહાર આવવા માટે મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અને આ તમામ માહિતિઓ મને કૉફિડેશિયલ રાખવા પણ જણાવ્યું હતું. મેં ટુકડે ટુકડે તેમના ખાતામાં 60.50 લાખ રૂપિયા જમા કર્યા હતા, ત્યારબાદ મને ફરી જણાવ્યું હતું કે, મને દર કલાકે મેસેજ કરજો અને તમારે ડરવાની જરુર નથી તમને પેનલ્ટી સાથે નાણા પરત મળશે. જેનુ ફંડ સર્ટીફિકેટ પણ આપ્યું હતું. તમારે આગળ પેનલ્ટીના નાણા ભરવાનાં હોવાથી જેવા બહાના આપી વધારે નાણા ભરવા માટે જણાવ્યું હતું અને તેમાંથી મને કોઈ નાણા પરત ન મળતા મને લાગ્યું હતું કે મારી સાથે ફ્રોડ થયુ છે, જેથી મેં સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કર્યો હતો અને મારી ફરિયાદ નોંધાવી હતી અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે.