સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ની સિક્વલ ‘પુષ્પા 2: ધ રૂલ’એ રિલીઝ થયા બાદ બોલિવૂડથી લઈને દક્ષિણ સુધીના અભિનેતાઓ અને નિર્માતાઓને પરસેવો છોડાવી દીધો છે. પ્રથમ દિવસે છપ્પરફાડ કલેક્શન સાથે, ફિલ્મે એવા 10 રેકોર્ડ બનાવ્યા, જે આજ સુધી મોટા દિગ્ગજ કલાકારો કરી શક્યા નથી. વર્ષ 2024ની સૌથી ધમાકેદાર ફિલ્મના એક સીનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો 6 સેકન્ડના સીનને ભૂલી શકતા નથી અને તેને ફિલ્મની યુએસપી કહેવામાં આવી રહી છે. તે સીન બીજું કોઈ નહીં પણ ‘ગંગમ્મા જતારા’ સીન છે, જેમાં અલ્લુ અર્જુન એકદમ અલગ રૂપમાં જોવા મળે છે. અલ્લુ અર્જુને બ્લુ કલરનો ફુલ મેક-અપ, પગમાં પાયલ, સાડી, ઘણાં બધાં ઘરેણાં અને માળા, કાનમાં બુટ્ટી અને નાકમાં બુલાક પહેરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આને ફિલ્મનો સીટીમાર સીન કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ 6 સેકન્ડના સીન માટે મેકર્સે 60 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. ફિલ્મ જોયા બાદ દરેક જગ્યાએ ચર્ચા છે કે ખરેખર ‘ગંગમ્મા જતારા’ ઉત્સવ કરી બતાવ્યો છે. ગંગમ્મા જતારા શું છે?
પુષ્પા 2નું ‘જતારા’ દૃશ્ય ‘તિરુપતિ ગંગમ્મા જતારા’ નામના ધાર્મિક તહેવાર સાથે સંબંધિત છે, જે તિરુપતિના વતનીઓ દ્વારા ઉજવવામાં આવે છે. તે એક વાર્ષિક તહેવાર છે, જે દર વર્ષે મે મહિનાના પ્રથમ પખવાડિયામાં ઉજવવામાં આવે છે. ગંગમ્માને શ્રી વેંકટેશ્વરની નાની બહેન તરીકે પૂજવામાં આવે છે. આ તહેવાર પાછળ મહિલાઓના સન્માન સાથે જોડાયેલી એક જૂની વાર્તા છે. જતારા દરમિયાન, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ભગવાન વેંકટેશ્વર તરફથી દેવી ગંગમ્માને એક શુભ ભેટ ‘પેરીસુ’ મોકલે છે, જેમાં સાડી, હળદર, કુમકુમ, બંગડીઓ જેવા શણગાર રાખવામાં આવે છે. પુરુષો પૂજા કરવા માટે સ્ત્રીઓના વેશમાં મંદિરમાં જાય છે
તિરુપતિના વતનીઓ દર વર્ષે દેવી ગંગામ્માનો આભાર માનવા માટે તહેવારની ઉજવણી કરે છે, જેના ભાગરૂપે ભક્તો મંદિરે ચાલીને જાય છે. પુરુષો દ્વારા સાડી પહેરવાની વિધિને ‘પેરેન્ટાલુ વેશમ’ કહેવામાં આવે છે, જે પરંપરાગત રીતે કૈકલા કુળ દ્વારા કરવામાં આવે છે. ચાર દિવસીય ઉત્સવ ‘ગંગમ્મા જતારા’ના છેલ્લા દિવસે, પુરુષો પૂજા કરવા માટે મહિલાઓના વેશમાં મંદિરે જાય છે.