અંડર-19 એશિયા કપની બીજી સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જ્યારે શારજાહમાં શ્રીલંકાની ટીમ ટૉસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રે 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. આ પહેલાં ચેતન શર્માની ત્રણ વિકેટની મદદથી ભારતે શ્રીલંકાને 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકા તરફથી લેકવિન અબેસિંઘેએ સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. ટીમના છ બેટર્સ બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. શ્રીલંકાએ ટૉસ જીત્યો, 173 રન બનાવ્યા
શ્રીલંકાની ટીમે ગ્રૂપ-2માં ટોપ પર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ટીમે ભારતનો સામનો કર્યો હતો અને શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે માત્ર 10 રનની અંદર તેના 2 બેટર્સ ગુમાવી દીધા હતા. મિડલ ઓર્ડરમાં, શરુજન ષણમુગનાથન (42) અને લકવિન અબેસિંઘે (69)એ ચાર્જ સંભાળ્યો અને ટીમના સ્કોરને 173 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ચેતન શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી ચેતન શર્મા સફળ ભારતીય બોલર રહ્યો હતો. તેણે 8 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રથમ, તેણે ચોથી ઓવરમાં ભારત માટે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. તેણે દુલાનીથ સિગેરાને આઉટ કર્યો અને પછી વિમથ દિનસારાને આઉટ કર્યો. જ્યારે વીરને ચામુદિતાને આઉટ કર્યો હતો. વૈભવની સતત બીજી અડધી સદી
10 દિવસ પહેલા 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2025ની મેગા ઓક્શનમાં કરોડપતિ બનીને બધાને દિવાના બનાવી દીધા છે. અંડર-19 એશિયા કપની સેમિફાઈનલ મેચમાં ભારતનો સામનો શ્રીલંકા સામે હતો અને વૈભવે પોતાની બેટિંગથી ટીમને જિતાડી દીધી છે. શારજાહના મેદાન પર વૈભવની સામે બોલરોની દયનીય હાલત થઈ હતી. છેલ્લી મેચમાં તેણે UAE સામે જોરદાર બેટિંગ કરી હતી અને હવે સેમીફાઈનલમાં તેણે પોતાની બેટિંગથી શ્રીલંકાની ટીમ સામે ફટકાબાજી કરી હતી.. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટની શરૂઆતમાં ફ્લોપ દેખાતો હતો. પરંતુ છેલ્લી મેચમાં તેણે જોરદાર પુનરાગમન કર્યું અને અણનમ 76 રન ફટકારી ટીમને સેમfફાઈનલમાં લઈ ગયો.. હવે વૈભવે શ્રીલંકા સામે પણ બેટિંગ કરીને ધૂમ મચાવી હતી. આ ખેલાડીએ 36 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી, જેમાં સૂર્યવંશીએ 5 સિક્સર અને 6 ફોરના આધારે 54 રન બનાવ્યા હતા. બીજી તરફ તેને મ્હાત્રેનો સાથ મળ્યો જેણે 34 રનની ઇનિંગ રમી. ભારત ફાઈનલમાં પહોંચ્યું
શ્રીલંકાને 7 વિકેટે હરાવીને અંડર-19 ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ આઠમી ડિસેમ્બરે રમાશે. બીજી તરફ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી. બાંગ્લાદેશની ટીમે સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં જોરદાર એન્ટ્રી કરી લીધી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 8 ડિસેમ્બરે ટાઈટલ જંગમાં સામસામે ટકરાશે.