વધતા શહેરીકરણ વચ્ચે ચોમાસા દરમિયાન મોટા શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ વધી રહી છે. જેના કારણે ઘણીવાર પૂર આવે છે. થોડા સમય પહેલાં વડોદરામાં આવેલું પૂર તેનું તાજું ઉદાહરણ છે. જો શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થાય તો પૂરનો ખતરો ટળી શકે. અમદાવાદસ્થિત સેપ્ટ યુનિવર્સિટી અને IIT બોમ્બેએ કરેલા એક રિસર્ચમાં એવું તારણ આવ્યું છે કે ગ્રીન રૂફના કારણે શહેર પર પૂરનો ખતરો ઓછો થઇ શકે છે. આ રિસર્ચની જરૂરિયાત કેમ પડી? ગ્રીન રૂફ ટોપ શું છે? તે કેવી રીતે કામ કરે છે? તેની પાછળ કેટલો ખર્ચ થાય? શું ગુજરાતના શહેરોમાં આવું શક્ય છે? આવા સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે સેપ્ટ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના પ્રાધ્યાપક અને રિસર્ચ કરનાર તુષાર બોઝ સાથે વાતચીત કરી હતી. પ્રોફેસર તુષાર બોઝનું આ રિસર્ચ તેમના પીએચડીનું આઉટપુટ છે. જે IIT બોમ્બેના પ્રોફેસર પ્રદીપ કલ્બર અને અર્પિતા મંડલના માર્ગદર્શન હેઠળ થયેલું છે. કોંક્રિટના સ્ટ્રક્ચરના કારણે પાણી ભરાય છે
તુષાર બોઝે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હાલના સમયમાં આપણે જોઇએ છીએ કે, સમગ્ર વિશ્વના પર્યાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. જેને આપણે 1900ના વર્ષથી આજની તારીખ સુધી જોતા આવ્યા છીએ. પર્યાવરણમાં થઇ રહેલા બદલાવને કારણે શહેરોમાં ખૂબ જ વધારે વરસાદ આવી રહ્યો છે. વધુ વરસાદને કારણે ભારતના શહેરો હોય કે યુરોપના શહેરો હોય કે અન્ય જગ્યાના શહેરો ઓછા વરસાદમાં પણ ડૂબી જાય છે તેના કેટલાક મુખ્ય કારણો છે. જે પૈકીનું મેજર કારણ એ છે કે દરેક જગ્યાએ કોંક્રિટનું સ્ટ્રકચર બની ગયું છે અને બની પણ રહ્યા છે. જેના કારણે જે પાણી જમીનમાં ઉતરવું જોઈએ તે નથી ઉતરી રહ્યું. બીજું મુખ્ય કારણ વાતાવરણમાં બદલાવ પણ છે. વાતાવરણમાં બદલાવના કારણે પૂર અને રેઈનફોલની ઈન્ટેનસિટી જે માત્રામાં પડી રહી છે તેમાં ઓછા સમયમાં વધુ વરસાદ થઈ રહ્યો છે. સાઉથ એશિયામાં વરસાદનું પ્રમાણ વધશે
તેમણે કહ્યું કે, વાતાવરણમાં બદલાવ અંગે જે નવા રિપોર્ટ્સ આવ્યા છે તેમાં દર્શાવાયું છે કે, આ પેટર્ન દરેક જગ્યાએ વધશે. તેનો મતલબ એમ છે કે, જે રેઈનફોલની ઈન્ટેનસિટી છે તે સાઉથ એશિયામાં વધવાની છે. એટલે અમે જોઈ રહ્યા છીએ કે શહેરોની જમીન બ્લોક થઇ રહી છે. બીજું એ કે વરસાદ પડવાની માત્રા વધી રહી છે. જેના કારણે સ્ટોર્મ વોટર નેટવર્કમાં વધુ પાણીને હેન્ડલ કરવું પડી રહ્યું છે. પૂર મોટી મુસીબત બન્યું
આ રિસર્ચ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે જણાવતા તેમણે કહ્યું કે, આજે પૂર એ ભારત હોય કે અન્ય કોઈ દેશ હોય બધા જ માટે ખૂબ જ મોટી મુસીબત બની ગયું છે. આના પરથી અમને વિચાર આવ્યો કે પૂરને કેવી રીતે અટકાવી શકાય અથવા તો તેની માત્રા કેવી રીતે ઘટાડી શકાય? તેને અપનાવવા માટેની કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ, એટલે અમે નવા રિસર્ચ થકી એ જોઈ રહ્યા છીએ કે નેચર બેઝ્ડ સોલ્યુશનથી એટલે કે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને કેવી રીતે આપણી સ્ટ્રેટેજી બનાવી શકાય. જે ખર્ચની દ્રષ્ટિએ પરવડી શકે તેવી હોય અને કેચમેન્ટ એરિયામાં તેને સ્પ્રેડ પણ કરી શકાય જેથી લોકોમાં પણ જાગૃતિ આવે. ગ્રીન રૂફમાં 3 લેયર
ગ્રીન રૂફ કેવી રીતે કરવામાં આવે છે એ અંગે જણાવતા તુષાર બોઝે કહ્યું કે, તેમાં ત્રણ લેયર હોય છે. સૌથી પહેલું બમ લેયર હોય છે જેમાં વેજિટેશન આવતું હોય છે. જેમાં એક દિવાલ જેવું બનાવવામાં આવે છે અને તેમાં પાણી સ્ટોર થાય છે. એ પછી આવે છે સબસ્ટ્રેટ લેયર જે 150 થી 200 એમએમનું હોય છે. જેમાં તમે વૃક્ષ ઉગાડી શકો તેવું મટીરિયલ હોય છે. જો તેમાં તમે 250 એમએમથી વધારે રાખો તો તેને ઈન્સેન્ટિવ ગ્રીન રૂફ કહેવાય છે તેનાથી ઓછું હોય તો તેને એક્સટેન્સિવ ગ્રીન રૂફ કહેવાય છે. જ્યારે ત્રીજું લેયર ડ્રેનેજનું હોય છે જે વૃક્ષોમાંથી વધારાના પાણીનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. છેલ્લે વોટરપ્રૂફ લેયર કરવામાં આવે છે. 60 ટકા વિસ્તારમાં પૂર જેવી સમસ્યા નિવારી શકાય
ગ્રીન રૂફના ફાયદા જણાવતા તેઓ કહે છે કે, ગ્રીન રૂફના બે મેજર ફાયદાઓ છે. એક ફાયદો છે શહેર માટે. જ્યારે વધુ વરસાદ આવે અને શહેરીકરણને કારણે પાણીનો નિકાલ જલ્દીથી નથી થતો ત્યારે આ ગ્રીન રૂફ થકી પાણી રોકાઇ રોકાઇને જશે જેથી એક સાથે પાણી ભરાશે નહીં. જેથી સ્ટોર્મ વોટર હેન્ડલ ઓછું કરવું પડશે અને પૂરની સ્થિતિની માત્રા પણ ઓછી થઈ જશે. બીજો ફાયદો એ પણ છે કે જેમનું ઘર છે તે ગ્રીન રૂફ બનાવે છે તો તેમના ઘરનો હિટ લોડ ઘટે છે. જેથી એસીની રિકવાયરમેન્ટ ઓછી થશે. જેના કારણે મકાનની છત પણ ઓછી ગરમ રહેશે. અમારા આ રિસર્ચમાં અમે જોયું કે 60 ટકા વિસ્તારમાં પૂરની સ્થિતિ જેવી સમસ્યાને ગ્રીન રૂફથી નિવારી શકાશે. જ્યારે પાણી આવવાની માત્રાને 25 ટકા સુધી ઘટાડી શકાશે. પંપિંગ સ્ટેશનમાં તમામ ડેટા રેકોર્ડ થાય છે
અમદાવાદની વાત કરતા તેઓ ઉમેરે છે કે, હું અમદાવાદને ખૂબ જ નજીકથી જાણું છું એટલે એ વાતની મને ખબર છે કે કયા વિસ્તારમાં કઇ જગ્યાએ પાણી ભરાઈ જાય છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ અમને ખૂબ જ સહયોગ મળ્યો હતો. આ અંગે અમે પ્રાથમિક લેવલે આખા શહેરમાં રિસર્ચ શરૂ કર્યું હતું, પણ આ સમયે ધ્યાનમાં આવ્યું કે અમદાવાદમાં જો કોઈ મોડલ કરવું હોય તો તેના માટે ડેટાની ખૂબ જ જરૂર પડે છે. કેલિબ્રેશન અને વેલિડેશન માટે કેટલો રેઇનફોલ થયો અને કેટલું પાણી સ્ટોર્મ વોટર નેટવર્કથી નીકળ્યું છે. આ સમયે અમે જોયું કે અમદાવાદમાં ઘણાં પંપિંગ સ્ટેશન છે જેનો તમામ ડેટા રેકોર્ડ થાય છે. અમદાવાદને સબકેચમેન્ટમાં ડિવાઇડ કરાયું
તેમણે કહ્યું કે, અમે અમદાવાદ શહેરને સબકેચમેન્ટમાં ડિવાઇડ કર્યું. આ સમયે અમે જોયું કે કયા વિસ્તારમાં સૌથી વધારે ફ્લડિંગની પરિસ્થિતિ સર્જાય છે. જેમાંથી ઓઢવ વિસ્તાર સામે આવ્યો. ઓઢવમાં દર 2 વર્ષે પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. ઓઢવની પસંદગી એટલા માટે પણ કરી છે કેમ કે, ત્યાં ડેવલપમેન્ટની કામગીરી પણ સારા પ્રમાણમાં થઇ છે. ઓઢવ દેશના અન્ય શહેરોને રિપ્રેઝન્ટ કરતો વિસ્તાર પણ છે. આ કારણથી જ આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. રિસર્ચમાં 2થી 2.5 વર્ષ લાગ્યા
તેઓ આગળ જણાવે છે કે, અમે સૌથી પહેલાં ડિજીટલ એલિવેશન મોડલ લીધું જેમાં એ જાણવા મળ્યું કે, ગ્રાઉન્ડ એલિવેશન કેટલું છે. તેના આધારે એ જાણવા મળ્યું કે પાણી કઈ તરફ વહી રહ્યું છે. આના આધારે અમે એ વિસ્તારને સબકેચમેન્ટમાં ડિવાઇડ કર્યો. આ દરમિયાન અમે જોયું તો અમારા અભ્યાસનો વિસ્તાર 100 હેક્ટરથી થોડો વધારે હતો. અત્યાર સુધીમાં લગભગ બે થી અઢી વર્ષ જેટલો સમય આ રિસર્ચમાં થયો છે. જુદા-જુદા ડેટાનો ઉપયોગ
રિસર્ચ માટે ડેટા ક્યાંથી મેળવ્યા તેના વિશે તેમણે કહ્યું કે, આ રિસર્ચ માટે હવામાન વિભાગ પાસેથી પણ અમે છેલ્લા 30 વર્ષના વરસાદના ડેટા મેળવ્યા હતા. આ ડેટા પરથી અમને એ સમજવામાં સરળતા રહી કે વરસાદની પેટર્ન કેવી છે અને તેમાં કેવી રીતે બદલાવ આવી રહ્યો છે. અમે આમાં ટેકનિકલ ટર્મનો ઉપયોગ કરીએ છીએ જેના થકી અમે આઈડીએફ કર્વસ બનાવ્યાં. જેમાંથી અમને ખબર પડી કે બે કલાકના ડ્યુરેશન પર, ત્રણ કલાક, ચાર કલાકના ડ્યુરેશન પર જોયું તો એક પ્રોબેબ્લિટી પ્રમાણે 25 વર્ષમાં એક વાર રેઈનફોલ કેટલો આવે છે અથવા તો 10 વર્ષમાં એક વાર કેટલો રેઈનફોલ આવે છે. આ અમને હવામાન વિભાગના ડેટા પરથી નક્કી કરવામાં ખૂબ જ મદદ મળી છે. બીજું મેં જણાવ્યું તે પ્રમાણે ડિજીટલ એલિવેશન મોડલ જેના ડેટા NRSC (નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર) માંથી મળ્યાં જે ડેટાનો ઉપયોગ અમે કર્યો હતો. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ ડેટા મેળવ્યો છે. આ પછી અમે ફિલ્ડ પર દરેક ઘરની બિલ્ડ યુઝ્ડ છે ત્યાં ગ્રીનરૂફ બની શકે કે નહીં આ માટે અમે દરેક પ્રકારની બિલ્ડિંગનો સર્વે કર્યો હતો. એ દરમિયાન ઓઢવમાં ઓટોમેટિક વેધર સ્ટેશનનો પણ ડેટા મેળવ્યો હતો. જેના આધારે અમે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ મોડલ ડેવલપ કર્યું જે કમ્યુટર રેટેડ મોડલ છે. આ મોડલ દ્વારા એ જાણવા મળે છે કે ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે જેના થકી કેટલા પાણીનો નિકાલ થશે. તેનો કોમ્પ્યુર ડેટા મેળવ્યા પછી અમે એક્ચ્યુઅલ ડેટા સાથે તેની સરખામણી કરી. આ દરમિયાન અમારું મોડલ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું હતું જેના કારણે મોડલ એસ્ટાબ્લિશ કર્યું. મોડલ નક્કી થયા પછી અમે સિનારિયો બનાવ્યો. જેમાં 25 ટકા ઘરો કે જ્યાં ગ્રીન રૂફ શક્ય છે ત્યાં ગ્રીન રૂફ બનાવવામાં આવે તો શું થાય, 50 ટકા ઘરો કે જ્યાં ગ્રીન રૂફ બનાવવામાં આવે તો શું રિઝલ્ટ મળે અને 75 ટકા ઘરો કે જ્યાં ગ્રીન રૂફ શક્ય છે ત્યાં લગાવવામાં આવે તો કેવું પરિણામ મળે એ નક્કી કર્યું. જેમાં અમે બે કલાક, ત્રણ કલાક અને ચાર કલાકના સમયાંતરે વરસાદ પડે તો શું થાય તે જોયું છે સાથે જ રેઈનફોલ ઈન્ટેનસિટી માટે અમે પાંચ વર્ષમાં એક ઈન્ટેનસિટીનો વરસાદ પડે તો શું થાય, 10 વર્ષમાં અને 25 વર્ષમાં વરસાદ આવે તો શું થાય તેનાથી શું પરિણામ આવે તે જોવાની કોશિષ કરી છે. ગ્રીન રૂફ ટોપ ભારતમાં કેટલું શક્ય?
ગ્રીન રૂફ ટોપ વિશે માહિતી આપતા તેઓ કહે છે કે, અમારું રિસર્ચ ગ્રીનરૂફ પર છે. અમે જોયું છે કે, ગ્રીન રૂફ યુરોપમાં ખૂબ જ પ્રચલિત છે. ચીનના સ્પોનસિટી ઇનીશિયેટિવ પણ તેનું મેજર યોગદાન રહ્યું છે. બહારના દેશોમાં લોકો ગ્રીન રૂફ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને પૂરની માત્રાને ઘટાડવાની કોશિષ કરી રહ્યા છે. અમે આ રિસર્ચથી એ જાણવા માંગતા હતા કે બહારના દેશોમાં જે ગ્રીન રૂફ સફળ થયું છે તો આપણાં દેશમાં તે કેટલું લાગુ પડે છે. ભારતમાં આ સ્ટ્રેટેજી લાગુ કરવી ખૂબ જ જરૂરી હોવાના દાવા સાથે તેમણે કહ્યું કે, આપણે ત્યાંના જે રૂફ છે એ એટલી ક્ષમતાવાળા ડિઝાઈન નથી થતાં. બીજું એ કે આપણાં શહેરમાં ઘણા સ્લમ વિસ્તારો છે જેમાં મોટાભાગે ટેન્ટના રૂફ અથવા તો સિમેન્ટની શીટ હોય છે પણ તેના ઉપર ગ્રીન રૂફ આવી શકતું નથી. અમારો મેજર ઉદ્દેશ્ય એ જોવાનો હતો કે, ગ્રીન રૂફ એક એસ્ટાબ્લિશ સ્ટ્રેટેજી છે તેને પ્રેક્ટિકલી આપણાં દેશમાં ઈમ્પલિમેન્ટ કરી શકીએ છીએ કે કેમ? અને જે રૂફમાં શક્ય છે ત્યાં કરીએ તો તેનાથી કેવા પ્રકારનો ફાયદો થઈ શકે? શું ખરેખર તે પૂરની માત્રાને ઓછી કરી શકે છે? એટલે આ એજન્ડા સાથે અમે રિસર્ચ શરૂ કર્યું હતું. મોટાભાગના દેશમાં ગ્રીન રૂફ અંગે કામ થયું
તેમણે કહ્યું કે, અમે જ્યારે કોઈ પણ રિસર્ચ કરતાં હોઈએ અથવા તો લિટરેચરનો રિવ્યુ કરતા હોઇએ ત્યારે મુખ્યત્વે એ જોતા હોઇએ છીએ કે, એ લોકોએ આ દિશામાં શું કામ કર્યું છે. આ દરમિયાન અમે જાણ્યું કે મોટા ભાગના દેશોમાં એ રિસર્ચ ચાલી રહ્યું છે કે, ગ્રીનરૂફ અથવા તો અન્ય નેચર બેઝ્ડ સોલ્યુશન કેટલું ઈફેક્ટિવ છે. અમને જાણવા મળ્યું કે, મોટાભાગના દેશોમાં આ અંગે કામ થયું છે પણ ભારતમાં આ દિશામાં એટલું કંઇ ખાસ કામ થયું નથી એટલે જો કોઈ સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છીએ ત્યારે જો કોઈ સ્ટડી કે એક્સિપેરિમેન્ટ જ ન કરીએ તો કેવી રીતે ખબર પડે કે, આ વસ્તુ આપણે ત્યાં કેટલી ઈફેક્ટિવ રહેશે. આ રિસર્ચ કરવા પાછળ આ પણ એક કારણ હતું. બીજું કે, તમે વિદેશમાં ફરવા જાવ ત્યાં તમને ઘણી સ્ટ્રેટેજી જોવા મળતી હોય છે એવી જ આ ગ્રીન રૂફ સ્ટ્રેટેજી તમને નેધરલેન્ડમાં જોવા મળે છે. ત્યાંની લાયબ્રેરી પર તમને ગ્રીન રૂફ જોવા મળશે. ગ્રીન રૂફની સ્ટ્રેટેજીમાં નેધરલેન્ડ ખૂબ જ આગળ છે. આ પાછળનું કારણ એ પણ છે કે નેધરલેન્ડ એ બીલો સી લેવલ પર આવેલું છે. જેના કારણે ત્યાં પૂરની મોટી સમસ્યા છે. તેમનું રિસર્ચ આપણા કરતાં ખૂબ જ પહેલાં શરૂ થયું હતુ. એટલા માટે આપણે ત્યાં પણ આવી સ્ટ્રેટેજી લાવીએ જેમાં અમારું યોગદાન હોય. તેમણે જણાવ્યું કે, આ રિસર્ચમાં મારી સાથે IIT મુંબઈના પ્રોફેસર અર્પિતા મંડલ અને ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રોફેસર ડૉ. પ્રદીપ કલ્બર હતા. પ્રોફેસર અર્પિતા મંડલ ક્લાયમેટ સાયન્ટિસ્ટ છે એટલે તેમણે જોયું કે, ફ્યુચર રેઈનફોલ પેટન્ટ અને એક્સ્ટ્રિમ રેઈનફોલ ઇવેન્ટ કેવી રીતે થાય છે? તેનો ટ્રેન્ડ કેવી રીતે ચેન્જ થાય છે? એટલે તેમનું આ રિસર્ચમાં યોગદાન એ રહ્યું કે, રેઈનફોલ કેવી રીતે બદલાઈ રહ્યો છે અને તેને જાણીને કેવી રીતે સિનારિયો બનાવાય જેથી રેઈનફોલના ચેન્જિંગને ગ્રીન રૂફની અસરકારકતા સાથે ચેક કરી શકાય. જ્યારે પ્રોફેસર ડૉ. પ્રદીપ કલ્બરે આ રિસર્ચમાં સિનારિયો એસ્ટાબ્લિશમેન્ટમાં મદદ કરી હતી. જેમાં કયા સિનારિયોના આધારે ગ્રીન રૂફને ચેક કરવું જોઈએ? શું બે કલાકના રેઈનફોલ ડ્યુરેશન પર કરવું જોઈએ કે પછી ત્રણ કે પાંચ કલાકના ડ્યુરેશન પર કરવું જોઈએ તે અંગે તેમણે મદદ કરી હતી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ધ્યાન આપવું જરૂરી
રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ધ્યાન ન અપાતા મુશ્કેલી થતી હોય છે તેવું જણાવતા તેમણે કહ્યું કે, ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનમાં રેઇન વોટર માટે કંઇક ને કંઇક પોલિસી નક્કી કરવામાં આવતી હોય છે. એવી જ રીતે અમદાવાદમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ મેન્ડેટરી છે. પણ જ્યારે બિલ્ડિંગ રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિયેશનને આપવામાં આવે છે ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફેસીલિટી ક્યાં છે, કેવી રીતે લગાવાઇ છે અને તે મેન્ટેઇન થાય છે. કેમ કે બિલ્ડિંગની પરમિશન માટે તે ખૂબ જ જરૂરી હોય છે. આ અંગે આપણે ધ્યાન જ નથી રાખતા જેના કારણે પણ કેટલીકવાર મુશ્કેલી પડતી હોય છે એટલે દરેકે તે અંગે પણ ચકાસણી કરવી જરૂરી છે.