એફ એન્ડ ઓ ટ્રેડિંગ જોખમી અને નુકસાનકારક હોવા છતાં દર વર્ષે અનેક રોકાણકારો તેમાં રોકાણ કરીને તેની મહામૂલી મુડી ગુમાવે છે. સેબીના એક અભ્યાસ અનુસાર નાણાવર્ષ 2022-24 દરમિયાન અંદાજે 93% એફ એન્ડ ઓ રોકાણકારોએ રૂ.2 લાખની સરેરાશ ખોટ નોંધાવી હતી, જ્યારે માત્ર 7% રોકાણકારો જ પ્રોફિટ બુક કરવામાં સફળ રહ્યા હતા અને માત્ર 1% રોકાણકારો જ રૂ.1 લાખથી વધુનો નફો રળવામાં સફળ રહ્યા હતા તેવું જેએમ ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી-ડિસ્ટ્રીબ્યૂશનના એમડી અને કો-હેડ ડિમ્પલકુમાર શાહે જણાવ્યું હતું. એફ એન્ડ ઑ સેગમેન્ટમાં રોકાણકારોને મોટા પાયે થતી ખોટ બાદ રિટેલ રોકાણકારોની સલામતી તેમજ માર્કેટમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સેબીએ FO સેગમેન્ટમાં નવા નિયમનોની જાહેરાત કરી હતી. આ નવા FO નિયમો ગત 20 નવેમ્બર, 2024થી અમલી બન્યા છે અને તેમાં સોદાના કદને અગાઉના રૂ.5-10 લાખથી વધારીને રૂ.15 લાખ, વીકલી એક્સપાયરીના સમયમાં ઘટાડો (અગાઉ 18 કોન્ટ્રાક્ટ્સને બદલે દર મહિને છ વીકલી કોન્ટ્રાક્સ), વધારાના માર્જિનની જરૂરિયાત (વધારાના માર્જિનની જરૂરિયાત (વધારાની ખોટનું માર્જિન). આગામી 1 ફેબ્રુઆરી, 2025થી ઓપ્શન પ્રીમિયમનું અપફ્રન્ટ કલેક્શન, આગામી 1 એપ્રિલ, 2025થી પોઝિશન લિમિટનું ઇન્ટ્રા ડે મોનિટરિંગ અને આગામી 1 ફેબ્રુઆરી, 2025થી એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ ટ્રીટમેન્ટ દૂર કરવા જેવા સામેલ છે. નવા એફ એન્ડ ઓ નિયમોની અસરનું વિશ્લેષણ:વાયદાનું લઘુત્તમ કદ અને પ્રીમિયમનું અપફ્રન્ટ કલેક્શન રિટેલ રોકાણકારો માટે સટ્ટાકીય સોદાને પ્રતિબંધિત કરશે કારણ કે તે વધુ મૂડી સઘન બને છે તેમજ અતિશય ઇન્ટ્રા ડે લેવરેજને પણ ઘટાડે છે. એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ વ્યૂહરચના દૂર કરીને એક્સપાયરી ડેટ પર વોલેટિલિટી ઘટાડવાનો પણ ધ્યેય રાખ્યો હતો. નવા નિયમોથી નાના રોકાણકારોની ઓપ્શનમાંથી એક્ઝિટ થશે
રિટેલ રોકાણકારો માટે સેબીના નવા નિયમો કદાચ આંચકા સમાન હોય શકે છે અને તે નાના રોકાણકારોને ઓપ્શન માર્કેટમાંથી બહાર કરી શકે છે કારણ કે તેનો ઉદ્દેશ્ય એફ એન્ડ ઑ ટ્રેડ દરમિયાન થતી ખોટને ઘટાડવા માટે ઇન્ડેક્સ ડેરિવેટિવ્સમાં સટ્ટાકીય ટ્રેડિગમાં રિટેલ ભાગીદારીને ઘટાડવાનો છે. નવું ફ્રેમવર્ક નાના રિટેલ રોકાણકારો કે ટ્રેડર્સને કેશ માર્કેટ તરફ વળવા તેમજ ભારતમાં રોકાણની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી શકે છે જે ટકાઉ રીત માર્કેટમાં લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા ફ્રેમવર્કથી વોલ્યૂમને અસર પરંતુ માર્કેટમાં સ્થિરતા આવશે
સ્થિર અને સુવ્યવસ્થિત એફ એન્ડ ઓ માર્કેટ વધુ સંસ્થાકીય રોકાણકારોને આકર્ષિત કરશે તેમજ ડેરિવેટિવ્સ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી પણ વધશે. રિટેલ રોકાણકારો નવા નિયમોને અપનાવશે તેમાંથી કેટલાક રિટેલ રોકાણકારોની એફ એન્ડ ઓ ગતિવિધિ ઘટશે જેની અસર વોલ્યૂમ પર જોવાશે.