એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ટીમે પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવ્યા હતા. જેના કારણે તેમને 157 રનની લીડ મળી હતી. ટ્રેવિસ હેડે 140 રન બનાવ્યા હતા. સ્ટમ્પ સુધી ભારતે બીજી ઇનિંગમાં 128 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. ટીમ હજુ 29 રન પાછળ છે. શનિવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી હતી. મોહમ્મદ સિરાજે હેડને બોલ્ડ કરતા જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા નો બોલ પર LBW થયો હતો. મિચેલ માર્શ આઉટ થયા વિના પેવેલિયન પરત ફર્યો હતો. હેડે સદી ફટકારીને બેબી સેલિબ્રેશન કર્યું. થર્ડ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણય પર ભારતે રિવ્યુ ગુમાવ્યો હતો. બીજા દિવસની ટોચ-9 મોમેન્ટ્સ 1. રોહિત નો બોલ પર LBW થયો હતો સ્ટાર્કે 17મી ઓવરમાં 2 નો બોલ નાખ્યા. તેણે આ ઓવરમાં ગિલને પણ બોલ્ડ કર્યો હતો. સ્ટાર્કે ઓવરનો ત્રીજો બોલ ફુલ લેન્થ ફેંક્યો હતો. બોલ રોહિતના બેટને અડીને પેડ પર વાગ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. રોહિતે તરત જ રિવ્યુ લીધો. જો કે આ પહેલા પણ અમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો હતો. 2. માર્શ આઉટ થયા વિના પેવેલિયન પરત ફર્યો ભારતને 5મી વિકેટ 64મી ઓવરમાં મળી હતી. રવિચંદ્રન અશ્વિનનો બોલ બેટની નજીકથી વિકેટકીપર રિષભ પંતના ગ્લોવ્સમાં ગયો. પંતે જોરદાર અપીલ કરી, પરંતુ અશ્વિને બહુ રસ દાખવ્યો નહીં. ફિલ્ડ અમ્પાયરે પણ આઉટ ન આપ્યો, પરંતુ મિચેલ માર્શ પોતે પેવેલિયન પરત ફર્યો. તેને લાગ્યું કે બોલ બેટની બહારની ધારને લઈ ગયો છે. બાદમાં રિપ્લે વીડિયોમાં જોવા મળ્યું કે બોલ બેટ સાથે અથડાયો ન હતો. 3. સદી પછી હેડનું બેબી સેલિબ્રેશન ટ્રેવિસ હેડે પ્રથમ ઈનિંગમાં 140 રન બનાવ્યા હતા. તેણે કારકિર્દીની 8મી સદી ફટકારી હતી. તેણે આ સદી તાજેતરમાં જન્મેલા બાળક હેરિસનને સમર્પિત કરી. સદી ફટકાર્યા બાદ હેડે બેબી સેલિબ્રેશન કર્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 17 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. 4. સિરાજે ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો મોહમ્મદ સિરાજે 68મી ઓવરના ચોથા બોલ પર ટ્રેવિડ હેડનો કેચ છોડ્યો હતો. અશ્વિનના ગુડ લેન્થ બોલ પર હેડ આગળ આવીને રમ્યો, પરંતુ મિડ-ઓન પર ઊભેલો સિરાજ તેને પકડી શક્યો નહીં. 5. પંતનો રિવર્સ સ્વીપ પર ચોગ્ગો રિષભ પંતે પ્રથમ અને બીજી બંને ઇનિંગ્સમાં ચોગ્ગાથી શરૂઆત કરી હતી. તેણે 17મી ઓવરના ત્રીજા બોલ પર રિવર્સ સ્વીપ પર ચોગ્ગો ફટકાર્યો. અહીં બોલેન્ડે શોર્ટ લેન્થ બોલ ફેંક્યો, જેને પંતે સ્લિપ પર ફોર માટે મોકલ્યો. જોકે શોટ મારીને રિષભ પડી ગયો હતો. 6. ભારતે કોન્ટ્રોવર્શિયલ રિવ્યુ ગુમાવ્યો મિશેલ માર્શ 58મી ઓવરમાં આઉટ થતા બચ્યો હતો. માર્શે રવિચંદ્રન અશ્વિનની ઓવરનો ત્રીજો બોલ રમ્યો, જે તેના પેડ પર વાગ્યો, પરંતુ ફિલ્ડ અમ્પાયરે અપીલને ફગાવી દીધી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રિવ્યુ લીધો હતો. પૂરતા પુરાવાના અભાવે થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ DRSને લઈને વિવાદ ઊભો થયો હતો. 7. હેડે સિક્સર ફટકારી, સિરાજે બીજા જ બોલ પર બોલ્ડ કર્યો ઓસ્ટ્રેલિયાએ 82મી ઓવરમાં 7મી વિકેટ ગુમાવી હતી. અહીં ટ્રેવિસ હેડ 140 રન બનાવીને આઉટ થયો હતો. તેણે સિરાજની ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી, પછીના જ બોલ પર સિરાજે તેને બોલ્ડ કર્યો. આ ઓવરમાં સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. 8. પંતે કેચ પકડવાનો પ્રયાસ ન કર્યો ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 69મી ઓવરમાં હેડે કવર શોટ રમ્યો હતો. ઓવરના ચોથા બોલ પર, બોલ હેડના બેટની બહારની કિનારીને અડીને વિકેટકીપર અને સ્લિપની વચ્ચેથી નીકળી ગયો. અહીં રિષભ પંતે કેચ પકડવાનો પ્રયાસ કર્યો નહીં. જો પંતે ડાઇવ કર્યું હોત તો તે કેચ બની શક્યો હોત. હેડ ત્યારે 78 રન પર બેટિંગ કરી રહ્યો હતો. 9. બુમરાહ ઘાયલ થયો બુમરાહ તેના સ્પેલની 20મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઓવરનો ત્રીજો બોલ ફેંક્યા બાદ બુમરાહના પગમાં ખેંચ આવી ગઈ હતી. આ પછી તે જમીન પર બેસી ગયો, ફિઝિયોએ આવીને બુમરાહની તપાસ કરી. જોકે બુમરાહે પોતાની ઓવર પૂરી કરી હતી.