ગાંધીનગરના રાયપુર ગામની સીમ નર્મદા કેનાલ પાછળ ખારી નદીમાં કોઝવે બનાવવા માટેના ખોદકામની કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં ચાર પરપ્રાંતીય મજૂરો દટાઈ ગયા હતા. જે પૈકી એક મજૂરનું માટી નીચે દટાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણનો આબાદ બચાવ થયો છે. સાથી મજૂરોએ બચાવ કામગીરી કરી હતી. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિષ્ણુ તમાકુ લેવા માટે ગયો અને ભેખડ ઘસી
રાયપુર ગામની સીમમાં નર્મદા કેનાલ પાછળ ખારી નદીમાં કોઝવે બનાવવાની કામગીરી કરવામાં આવી છે. અહીં બિહારથી મનુ યાદવ, પીન્ટુ યાદવ, વિરેન્દ્ર યાદવ અને વિષ્ણુ ઉર્ફે સોનુ યાદવ પણ અન્ય મજૂરો સાથે રહી કોઝવે બનાવવાની મજૂરી અર્થે આવેલા છે. આજ રોજ રાબેતા મુજબ બધા મજૂરો કોઝવે માટે ખોદકામની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન વિષ્ણુ ઉર્ફે સોનુ(રહે. બિહાર, મોતીહાર) તેના મિત્રો પાસે તમાકુ ખાવા માટે ગયો હતો અને ચારેય જણા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એજ ઘડીએ અચાનક ભેખડ ધસી પડતાં ચારેય જણા દટાઈ ગયા હતા. વિષ્ણુનું ગૂંગળામણથી મોત
આ ઘટના જોઈને સાથેના અન્ય મજૂરો પાવડા, કોદાળી સહિતના સાધનો લઈને દોડી ગયા હતા. બાદમાં બધા મજૂરોએ ભેગા મળીને ભેખડની માટી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી અને ભારે જહેમત પછી ચારેય મજૂરોને બહાર કાઢી લીધા હતા. જેમાં મનુ યાદવ, પીન્ટુ યાદવ, વિરેન્દ્ર યાદવનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 19 વર્ષીય વિષ્ણુંનું ભેખડ નીચે દટાઈ જવાના કારણે ગૂંગળામણથી કરૂણ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત ત્રણેય મજૂરોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.