‘મેરી જંગ’,’તાલ’, ‘પરદેસ’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સુભાષ ઘાઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એવા અહેવાલો હતા કે 79 વર્ષીય ફિલ્મ નિર્માતાની હાલત નાજુક છે, જો કે, તેમની ભત્રીજી સુઝાનાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે કોઈ ગંભીર સમસ્યા નથી. હવે ફિલ્મ નિર્માતાની ટીમે પણ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરીને તેમની હેલ્થ અપડેટ આપી છે. સુભાષ ઘાઈના પ્રવક્તાએ સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, અમે તમને જણાવવા માંગીએ છીએ કે સુભાષ ઘાઈ સંપૂર્ણપણે ઠીક છે. તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ઠીક છે. તમારા બધાના પ્રેમ અને ચિંતા બદલ આભાર. જો નજીકના સૂત્રોનું માનીએ તો, ફિલ્મ નિર્માતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ઘાઈના સ્વાસ્થ્યને લઈને બે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ઘાઈની સારવાર કરી રહેલા ડૉક્ટર જલીલ પાલકરે કહ્યું કે ઘાઈએ યાદશક્તિ ગુમાવી દીધી છે. તેમને બોલવામાં પણ તકલીફ પડી રહી છે. સુભાષ ઘાઈનો જન્મ 24 જાન્યુઆરી, 1945 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેઓ બાળપણથી જ અભિનેતા બનવા માંગતા હતા, પરંતુ ભાગ્યએ તેમને સફળ દિગ્દર્શક તરીકે સ્થાપિત કર્યા. રાજ કપૂર પછી તેમને ઈન્ડસ્ટ્રીના બીજા ‘શો મેન’ કહેવામાં આવે છે.
16 ફિલ્મોનું નિર્દેશન કર્યું, 13 બોક્સ ઓફિસ પર હિટ રહી. મુંબઈમાં એક્ટિંગ સ્કૂલ શરૂ કરી
ઘાઈ વ્હિસલિંગ વુડ્સ નામની એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ શાળા વિશ્વની ટોચની 10 ફિલ્મ શાળાઓમાંની એક ગણાય છે. આ એક્ટિંગ સ્કૂલમાં તેઓ નવા કલાકારોને એક્ટિંગ અને ફિલ્મ મેકિંગની ટ્રેનિંગ આપી રહ્યા છે. સુભાષ ઘાઈ બોલિવૂડના પહેલા નિર્માતા છે જેમણે તેમની ફિલ્મ તાલ દ્વારા ફિલ્મ વીમા પોલિસી શરૂ કરી હતી. ફિલ્મોને બેંકો પાસેથી ધિરાણ મેળવવાનો કોન્સેપ્ટ શરૂ કરવાનો શ્રેય પણ તેમને જાય છે.