ભારતમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. ગાયને દેવીનો દરજ્જો છે અને તેને ‘ગાય માતા’ પણ કહેવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, એ વીડિયો એટલો ક્રૂર છે કે જેને કદાચ તમે જોઈ પણ નહીં શકો. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર યુવકો આવે છે અને સહેજ પણ રહેમ ઢોર માર મારે છે. એક યુવક લોખંડના દંડાથી પેટમાં મારે છે. એક યુવક પાવડાથી પગમાં અને માથામાં મારે છે જ્યારે એક યુવક સતત લાકડીથી માથા પર મારતો રહે છે. જોતજોતામાં ગાય ઢળી પડે છે. આ હચમચાવી નાખતા વીડિયોને શેર કરીને લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો બાંગ્લાદેશના ઈસ્કોન મંદિરનો છે, જેમાં જેહાદીઓએ ઘુસીને ગાય પર હુમલો કર્યો છે. આ વીડિયો ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાઇરલ થઈ રહ્યો છે. ફેસબુક પર રાજ જના નામના યુઝરે આ વીડિયો શેર કરતા કહ્યું, ‘ઈસ્કોનમાં ગાયના તબેલામાં જેહાદીઓએ હુમલો કર્યો છે. આપણા ભવિષ્યને સમજવા માટે આ જોવું જોઈએ!’ ટ્વિટર પર નેશનાલિસ્ટ નામના વેરિફાઈડ યુઝરે લખ્યું, ‘ભગવાનજી, મને ખબર છે કે અમે આને રોકી નહીં શકીએ, કારણ કે અમારા લોકો બિનસાંપ્રદાયિકતાના નશામાં છે. પણ તમે ચોક્કસ રોકી શકો છો. કૃપા કરીને તમારી અદ્રશ્ય લાકડીનો ઉપયોગ કરો અને આ દુષ્ટ સંપ્રદાયના અનુયાયીઓને સજા આપો. ગાયો પર આવી ક્રૂરતા જોઈને મારું દિલ દુખ્યું છે!’ બીજા અન્ય ઘણા યુઝર્સે આ પ્રકારના દાવા સાથે આ વીડિયો શેર કર્યો હતો. વાઇરલ વીડિયોનું સત્ય…
વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે અમે Google પર તેના સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. સર્ચ કરતા જ અમને વિનય કપૂર નામના યુઝરનું ઈન્સ્ટાગ્રામ પેજ મળ્યું, જેમાં આ જ વીડિયો 14 નવેમ્બર 2024એ શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું- જલંધરની જમશેર ડેરીમાં કેટલાક લોકો દ્વારા ગાયને ખૂબ જ ખરાબ રીતે મારવાનો વીડિયો મળતા જ અમે સ્થળ પર પહોંચ્યા અને પોલીસ પ્રશાસનને તેની ફરિયાદ કરી જેથી આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વિનયની પોસ્ટ મળ્યા પછી અમે સંબંધિત કિવર્ડ ગૂગલ પર સર્ચ કર્યા અને અમને ખબરીસ્તાનપંજાબનો 27 નવેમ્બર 2024નો એક ન્યૂઝ રિપોર્ટ મળ્યો. જેનાથી કન્ફર્મ થયું કે આ વીડિયો પંજાબના જલંધરનો છે. સંપૂર્ણ સમાચાર વાંચો… અમને એનિમલ પ્રોટેક્શન ફાઉન્ડેશનના ફેસબુક એકાઉન્ટ પર 18 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી FIRની કોપી પણ મળી. વીડિયો વાઇરલ થયા બાદ PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પેટાએ લખ્યું, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 325 અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (PCA) એક્ટની કલમ 11 હેઠળ સદર પોલીસ સ્ટેશન દ્વારા પહેલાથી જ FIR નોંધવામાં આવી છે. અમે એફઆઈઆરમાં ગૌહત્યા નિષેધ અધિનિયમ, 1955ની જોગવાઈઓને સામેલ કરવા માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સાથે વાત કરી રહ્યા છીએ. આના પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. ગાય સાથેની ક્રૂરતાનો વાઇરલ વીડિયો પંજાબના જલંધરનો છે, બાંગ્લાદેશનો નથી. ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp – 9201776050 પર કરો.