આકાંક્ષા રાણા
મોટી દુર્ઘટના બને ત્યારે જ કુંભકર્ણની નિદ્રામાંથી સરકારી તંત્ર જાગતું હોવાની અનુભૂતિ છાશવારે લોકોને થાય છે. પૂર્વ કોર્પોરેટરની હત્યા બાદ પાલિકાએ દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. તે રીતે જ ભારદારી વાહનની અડફેટે નાગરિકના મોત બાદ ટ્રાફિક પોલીસ વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કરે છે. એ રીતે જ ગત જાન્યુઆરીમાં હરણી બોટકાંડ બાદ જાગેલા આરટીઓએ ઓવરસ્પીડ, પરમિટ, વધુ મુસાફરો બેસાડવા મુદ્દે વાહનચાલકોને દંડ ફટકારવાનું અને વાહનો ડિટેઇન કરવાનું ચાલુ કર્યું હતું. આરટીઓની આ કામગીરી 2-3 મહિનાથી સુસ્ત થઈ ગઈ છે. ઇકોમાં વધુ મુસાફરોને બેસાડવા બદલ કાર્યવાહી કરનાર આરટીઓએ વર્ષની શરૂઆતનાં 3 મહિનામાં 100થી વધુ વાહનો ડિટેઇન કર્યાં હતાં, જ્યારે 7 મહિનામાં માંડ 30 વાહનો ડિટેઇન કર્યાંં છે. આરટીઓ વિભાગની છેલ્લા કેટલાક સમયથી ધીમી થઈ ગઈ હોવાનું જોવા મળ્યું છે. આરટીઓએ જાન્યુઆરીથી જૂન સુધીમાં વધુ મુસાફર બેસાડનાર 44 વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો, જ્યારે સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી આવાં માત્ર 2 વાહન પકડાયાં હતાં. એવી રીતે ઓગસ્ટમાં ઓવરસ્પીડ, વધુ મુસાફરો બેસાડવા, પરમિટ સહિતના 1617 મેમો અપાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 1047 અને ઓક્ટોબરમાં 1 હજાર જેટલાં વાહનચાલકોને મેમો અપાયા હતા. ટ્રાફિક પોલીસે 7 દિવસમાં 85 વાહનોને ડિટેઇન કર્યાં, 406 વાહનને મેમો આપ્યો સ્કૂલ વેન-રિક્ષામાં મર્યાદાથી વધુ બાળકો બેસાડવા સામે વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ડ્રાઇવ હાથ ધરી હતી. 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીની આ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને 85 વાહન ડિટેઇન કર્યાં હતાં. જ્યારે 406 વાહનને ચલણ આપી વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, પછી જેસે થે
સ્કૂલો શરૂ થતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે જોખમી રીતે સ્કૂલવાન હંકારતાં કે વધુ બાળકોને બેસાડતાં વાહનોને ડિટેઇન કરી દંડ કર્યો હતો. જોકે ઝૂંબેશ પૂર્ણ થતાં સ્થિતિ ફરી તેની તે જ થઇ ગઈ છે. વાલી મંડળના ઉપપ્રમુખ દીપક ઠકરારે કહ્યું હતું કે, ટ્રાફિક વિભાગ, આરટીઓ સહિત તંત્રે વાહનોમાં વધુ મુસાફરો અને સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસાડવા સામે કાર્યવાહી કરવી જોઇએ. રાજકોટ દુર્ઘટના પછી ડ્રાઇવ કરીને પછી સ્થિતિ જૈસે થે થઇ ગઈ છે. આરટીઓ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવીને કાર્યવાહી કરાતી હોય છે
આરટીઓ દ્વારા અલગ-અલગ ડ્રાઇવ ચાલતી જ હોય છે. સરકારી રેવન્યુની વસૂલાત માટે જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિનામાં ટેક્સ વસૂલાત માટે ડ્રાઇવ યોજવામાં આવે છે. જેમાં ભારદારી વાહનો પાસેથી અને બસો પાસેથી બાકી ટેક્સની વસૂલાત કરાય છે. ટેક્સ ન ભરનાર વાહનોને ડિટેઇન કરવામાં આવે છે. > જે.કે.પટેલ, આરટીઓ, વડોદરા