દાહોદના અભલોડ ગામમાં પતંગ ફસાઇ જતાં વીજ થાંભલે ચઢેલા આઠ વર્ષિય બાળકને કરંટ લાગતાં તે વીજ થાંભલે લટકી ગયો હતો. ઘટના પગલે વીજ લાઇન બંધ કરીને 20 મીનીટ બાદ તેને નીચે ઉતારતા સદભાગ્યે તે જીવીત હોઇ તાત્કાલિક અસરથી દવાખાને ખસેડાયો હતો. કરંટને કારણે બાળક હાથે-પગે અને શરીરે ગંભીર રૂપે દાઝી ગયો હતો. આ ઘટનાથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર અભલોડ ગામના વરજાંગિયા ફળિયામાં રહેતો અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો આઠ વર્ષિય જૈવિસ ભાભોર શાળાએથી ઘરે આવ્યા બાદ પતંગ ઉડાવી રહ્યો હતો.ત્યારે તેની પતંગ વીજ થાંભલાની ટોચ ઉપર ફસાઇ ગયો હતો. પરિણામનો વીચાર કર્યા વગર જૈવિસ વીજ થાંભલા ઉપર ચઢી ગયો હતો. ત્યારે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેના કારણે જૈવિસ વીજ થાંભલા ઉપર જ લટકી ગયો હતો. આ ઘટનાથી ભારે દોડધામ મચી ગઇ હતી. વીજ થાંભલે લટકતાં જૈવિસનું મોત થઇ ગયુ હોવાનું જ સમજતા ગ્રામજનોમાં શોક અને પરિવારના સભ્યો આક્રંદ કરી રહ્યા હતાં. ત્યારે આ ઘટનાની એમજીવીસીએલમાં જાણ કરવામાં આવતાં વીજ લાઇન બંધ કરવામાં આવી હતી. 20 મીનીટના સમય ગાળા બાદ જૈવિસને વીજ થાંભલેથી નીચે ઉતારવામાં આવ્યો હતો. જૈવિસ હાથે-પગે અને શરીરે ગંભીર રૂપે દાઝી ગયો હતો પરંતુ તે સદભાગ્યે જીવીત હોવાને કારણે તાત્કાલિક અસરથી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં જૈવિસને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. વીજ થાંભલે જોરદાર કરંટ લાગ્યા બાદ 20 મીનીટ થાંભલે લટકી રહ્યા છતાં જીવ બચી જતાં પરિવારે હાશ અનુભવી હતી.