ગતરોજ (7 ડિસેમ્બર) અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 33 વર્ષીય વિરાજબેન વાણિયાએ 7 વર્ષના પુત્ર રીધમ સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. નીચે પટકાતા જોરદાર અવાજ આવતાં લોકો ભેગા થઈ ગયા હતા અને નીચે જોતા માતા-પુત્રની લાશ પડી હતી. મૃતદેહની બાજુમાં લોહીના ખાબોચિયાં ભરાયેલા જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. તપાસ દરમિયાન મૃતકો પોલીસકર્મીના પત્ની અને પુત્ર હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે મૃતક મહિલાના ભાઈએ આક્ષેપો કર્યા હતા કે, તેના બનેવી અને અન્ય સાસરી વાળા તેની બહેન સાથે મારઝુડ કરતા હતાં અને શારીરિક-માનસિક ત્રાસ પણ આપતાં હતાં. આ સાથે જ મહિલાને માર મરાયો હતો તે સમયના ઈજાના વીડિયો પણ આપ્યાં હતાં. બાદમાં મહિલાના સાસરીયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા આજે નરોડા પોલીસે મહિલાના પતિ મિતેશ વાણિયા, સાસરા ધનજી વાણિયા અને સાસુ સવિતાબેન વાણિયાની ધરપકડ કરી છે. પરિવારની પરિયાદ બાદ સાસરીયાની ધરપકડ
ગતરોજ સવારના 7.30 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ત્રિજા માળેથી સાત વર્ષના પુત્રને ફેંકી મહિલાએ પણ મોતની છલાંગ લગાવી લીધી હતી. નીચે પટકાતાની સાથે જ બન્નેના કરુણ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતાં. બાદમાં મૃતક મહિલાના પરિજનોએ દીકરી મોત પાછળ પતિ અને સાસુ-સસરાને જવાબદાર ઠેરવી ફરિયાદ નોંધાવી હતી. જેમાં નરોડા પોલીસે મૃતકના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધમાં મહિલાને આપઘાત માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધ્યો હતો અને આજે ત્રણેયની ધરપકડ કરી છે. મારી બહેન સાથે અનેક વખત મારઝુડ થઈઃ મૃતકનો ભાઈ
આ મામલે ગતરોજ મૃતક વિરાજબેનના મોટા ભાઈ વિકેશ સોલંકીએ જણાવ્યું કે, હું આર્મીમાં નોકરી કરું છું. મારી બહેનના લગ્નના દસ વર્ષ થઈ ગયા છે. આ લગ્નગાળામાં મારી બેનને અનેક વખત મારઝુડ કરવામાં આવતી હતી. તેનો પતિ અને સાસરીયા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. હંમેશા શંકા કરીને તેને રૂમમાં ક્યારેક પૂરી દેવામાં આવતી હતી. ‘બહેને મારી પત્ની સાથે વાત કરી હતી’
વધુમાં ઉમેર્યું કે, ગઈ રક્ષાબંધનને જ્યારે મારી બહેને રાખડી બાંધવા માટેની વાત કરી ત્યારે પણ તેની સાથે મારઝુડ કરવામાં આવી હતી અને મારી બહેનને કેટલા સમયથી અમને મળવા આવવા દેવામાં નથી. આપઘાતની આગલી રાતે મારી બેને મારી પત્ની સાથે વાત કરી હતી અને તે સમયે તે કોઈ ચિંતામાં લાગતી હતી. તેને સતત શારીરિક-માનસિક અને પારિવારિક ત્રાસના કારણે આ પગલું ભર્યું છે. હવે અમે અમારા બહેનના મોતના જવાબદાર લોકો સામે ફરિયાદ કરાવવા માટે છેક સુધી લડી લઈશું. મહિલાનો પતિ પોલીસમાં ફરજ બજાવે છે, જ્યારે સસરા રિટાયર્ડ
ઉલ્લેખનીય છે કે, મરનાર વિરાજબેનનો પતિ મિતેશ વાણિયા હિંમતનગરના ડોગ્સ-સ્ક્વોડમાં ફરજ બજાવે છે. જ્યારે સસરા પણ પોલીસ વિભાગમાંથી જ નિવૃત્ત થયા છે. હાલ પોલીસે મૃતકના પતિ અને સાસુ-સસરાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.