હવામાન વિભાગની આગાહી અનુસાર નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળવાનો હતો. તે મુજબ જ છેલ્લા બે દિવસમાં ફરી એક વખત રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, તેથી ઠંડીનું જોર વધ્યું છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. કારણ કે, ગત સપ્તા દરમિયાન ગુજરાત પર આવતા પવનોની દિશા જે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી હતી તે બદલાઈને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી થઈ છે. જેથી રાજસ્થાનના સૂકા રણ પ્રદેશમાંથી પવન ગુજરાત સુધી આવી રહ્યા છે, તેથી ઠંડા પવનોને કારણે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં નલિયાનું તાપમાન સૌથી વધુ ઘટ્યું
છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મોડી રાત્રે અને વહેલી સવારે આ ઉપરાંત દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે, જેથી ડિસેમ્બરની ઠંડીનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનો અનુભવ ઓછા પ્રમાણમાં થયો હતો. ત્યારે ડિસેમ્બર મહિનામાં રાજ્યનું આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ગત 24 કલાક દરમિયાન 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે ફક્ત 24 જ કલાકમાં 2.4 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું હતું. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈ
રાજ્યમાં કચ્છના પ્રદેશોમાં ઠંડીનું જોર વધુ રહેતું હોય છે, જ્યારે નલિયામાં સામાન્ય રીતે રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે. આ ઉપરાંત પણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન ચાર મહાનગરો જેવા કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન 13.2 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.