‘પોલીસકર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય’ આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના. ગુજરાતમાં આરોપીઓને તેમણે કરેલા ગુનાને લઈને જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ગતરોજ (7 ડિસેમ્બર) સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા. બોગસ ડોક્ટરો બનાવનાર, સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરનાર, અપહરણ કરી યુએસડીટીની લૂંટ કરનાર આરોપીઓની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી જ્યારે આખા ગુજરાતની વાત કરતા હોય, ત્યારે તેમના હોમ ટાઉન સુરતમાં તો સૌથી વધુ વરઘોડા નીકળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યાં હતાં. બોગસ ડોક્ટરો બનાવનારાનો વરઘોડો
સુરતમાં બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડો. રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી. બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ ચાર ભોગ બનનારા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા, જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પુરી શક્યતા છે. પાંડેસરા પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા. પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય બોગસ કિલનિકમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીક અને એલોપેથીક દવાઓનો જથ્થો ઉપરાંત ઈન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીઈએમએસના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓની કબૂલાત અનુસાર, ગોપીપુરા રત્નાસાગર સ્કૂલ પાસે ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલમાંથી ઈલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવાતો હતો. જ્યાંથી એ લોકોને બીઈએમએસની ડિગ્રી અપાતી હતી. ધો. 10-12 ભણેલાઓને તબીબી ડિગ્રી આપવામાં આવતી હતી. બોગસ ડિગ્રી આપવામાં શામેલ મુખ્ય સૂત્રધાર ડૉ. ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ બી. કે. રાવત અને તેના મુખ્ય કૌભાંડી ડો. રસેશ ગુજરાતી સહિત કુલ 10ની ધરપકડ કરાઈ હતી. રસેશ ગુજરાતી આણી મંડળીએ અત્યાર સુધી 70 હજાર ખંખેરી 1500 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી, બી. કે. રાવત અને ઈરફાન સેયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રૂપિયા રળિયા હોવાથી પોલીસે ત્રણેય આરોપીના બેંક ખાતા સહિત ફાઈનાન્શિયલ ડિટેઇલ્સ તરફે તપાસ કેન્દ્રિત કરી છે. સાથોસાથ જે 1500 લોકોને બોગસ ડિગ્રી અપાઇ છે, તેઓને શોધવાની કવાયત હાથ ધરાઇ છે. વધુમાં પાંડેસરા પોલીસે શનિવારે સાંજે ડો. રસેશ ગુજરાતી, રાવત અને ઈરફાનને લઈ કૈલાસનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસાર્થે લઇ ગઇ હતી. જનઆરોગ્ય તથા સમાજ સાથે ખિલવાડ કરનારા ત્રણેય કૌભાંડીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો. અપહરણ કરી USDTની લૂંટ કરનારને ખાખીએ પરચો બતાવ્યો
અડાજણના કાપડ દલાલનું ચપ્પુની અણીએ અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં એસઓજીએ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે વિસમ સહિત 3 આરોપીનો રાંદેર, જિલાની બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાખીનો પરચો બતાવ્યો હતો. અડાજણ પાટિયા ખાતે રહેતા અને કાપડ દલાલી ઉપરાંત USDTમાં કોઈન ટ્રેડિંગનું કામ કરતાં મુસ્તકીમ ઝુનઝુનિયાને ગત તા. 27 નવેમ્બરે મિત્ર વસિમ સોલંકીએ એક પાર્ટીને USDT કોઈનની જરૂર છે, તેમ કહી કોઝ-વે રોડ પર આવેલી ઝૈનબ હોસ્પિટલ પર બોલાવ્યા હતા. તે સમયે લાલ કલરની કાર ત્યાં આવી હતી. ચાર શખ્સો મુસ્તકીમનું ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા અને 32071 USDT કોઈન તેમના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે લિંબાયતના માથાભારે અને ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા કૈલાસ ઉર્ફે કૈલીયા, બંટી દયાવાન અને આકાશ ઉર્ફે ભૂરા બાદ કાપડ દલાલને USDT માટે પાર્ટી પાસે લઈ જનાર વિસમ હરૂન સોલંકી જ આ કેસનો ટિપર કહો કે મુખ્ય સૂત્રધાર નીકળતા તેની પણ ધરપકડ કરાઈ હતી. વિસમે જ યુએસડીટી મામલે બંટી દયાવાના, કેલિયાને ટિપ આપી હતી અને બાદમાં અપહરણકાંડ સર્જાયો હતો. આ પ્રકરણમાં એસઓજીએ વધુ બે આરોપી કૈલાસ ઉર્ફે બોચરીયા સંજય પોર્ટ (ઉં.વ. 24, રહે. આરડીનગર, ચિંતાચોક પાસે, નવાગામ- મૂળ નંદુરબાર) અને જયેશ ઉર્ફે કાલીયો રમેશ પટેલ (ઉં.વ. 23, રહે. આરડીનગર, નવાગામ)ની ગોકુલમ ડેરી પાસેથી ધરપકડ કરી હતી. આ બંને દલાલના કિડપેનિંગ સમેય બાઈક પર પાઇલોટિંગ કરતા હતા. બંને રીઢા ગુનેગારો છે. વધુમાં એસઓજીએ વિસમ, જયેશ અને કૈલાસને બરાબરનો પાઠ ભણાવી રાંદેર જિલાની બ્રિજ પાસે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું. ક્રિકેટના ઝઘડામાં હત્યા કરનારનો વરઘોડો
લિંબાયતમાં રાવનગર ખાતે મસ્જિદ પાસે રહેતા સલ્લહુદ્દીન મોહમંદમગરૂ અન્સારી (ઉં.વ.63)નો 20 વર્ષનો પુત્ર અબ્દુલ કરીમ ગત 5મીની રાત્રે ઘર પાસે મારવાડીની દુકાન પાસે બેસેલો હતો. ત્યારે અગાઉ અનવર ઉર્ફે પપ્પુ સાથે છોકરાઓના ક્રિકેટ રમવા બાબતે ઠપકો આપવા ગયો હતો, જે બાબતે તેનો ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી અનવર ઉર્ફે પપ્પુ પિંજારીએ તેના મિત્રો સાથે મળી અબ્દુલ સાથે ઝઘડો કર્યો હતો. એલફેલ બોલી ઢીકા-મુક્કાનો માર માર્યો હતો અને ડંડા વડે પણ બેફામ માર મરાયો હતો. ત્યારબાદ સમીર ઉર્ફે લાલુએ અબ્દુલને પકડી રાખ્યો હતો અને રોશને પેટના ભાગે ચાકુ હુલાવી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા અબ્દુલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થતા લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અનવર ઉર્ફે પપ્પુ પિંજારી, સોયેબ ઉર્ફે ડમા સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારીની ધરપકડ કરી હતી. ચારેય આરોપી રીઢા ગુનેગાર છે, જેથી તેનું સરઘસ કાઢી જે જગ્યા પર હત્યા કરી હતી, તે જગ્યા કરીને લઈ જવામાં આવ્યા હતાં. આ પણ જુઓ…. હર્ષ સંઘવીના નિવેદનના 48 કલાકમાં આરોપીઓના ચાર ‘વરઘોડા’