રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્ર દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય તેમ છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વાંધા-સૂચનો રજૂ કરવા માટે ઓફલાઇનનો વિકલ્પ આપવા પણ માગ કરી હતી
CREDAI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે જે વાંધા-સૂચનો મગાવ્યાં છે એ ઓનલાઇન મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય માણસો ઓનલાઇન પ્રક્રિયા કરવા જાય તોપણ તેમને તકલીફ પડે છે. બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં, એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. ઘણી બધી વિગતો એમાં ભરવી પડે છે. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસમાં સૂચિત જંત્રીદરના વધારા સામે વાંધા-સૂચન માટેની ઓફલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેનાથી સામાન્ય માણસો અને ખેડૂતો પણ સરળતાથી પોતાની વાત રજૂ કરી શકે. દર વર્ષના બદલે 12 વર્ષે અચાનક વધારો કરતાં બિલ્ડર્સ નારાજ
CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે-તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી. 200થી લઈ 2000 ટકા સુધીનો વધારો કરાયો
ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રીદરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાં અને નાનાં શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે. 12 વર્ષ સુધી સરકારે જંત્રીદર વધાર્યો નથી, પરંતુ રાતોરાત આ જંત્રીદર વધારી દેવામાં આવ્યો છે. શહેરના વિકાસ માટે જંત્રીદર વધારવો એ યોગ્ય છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી.