અમદાવાદની વટવા GIDC ફેઝ 1માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ કાબૂમાં કરાઈ હતી. અને ત્યાર બાદ આગ લાગેલી જગ્યાએ ઠંડું કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ફાયર વિભાગને આગનો કોલ મળ્યો હતો
9 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને 14:30 કલાકે કોલ મળ્યો હતો. વટવા GIDC ફેઝ-1માં 118/119 પ્લોટ નંબરમાં અલકેશ એન્ટરપ્રાઈઝ અને રોયલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતાં 18 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ ઘટનાસ્થળ પર મોકલી આગને સંપૂર્ણપણે કાબૂમાં કરવામાં આવી. ટોટલ 65 ફાયરના જવાનો દ્વારા ફાયર ફાઈટિંગ કરીને આગ કાબૂમાં કરવામાં આવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ઉપેન્દ્ર શુક્લા (ઉં.વ. 50) નામના શખસને હાથના ભાગે માઈનર ફ્લેશ ફાયરથી ઇન્જરી થઈ હતી, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા હતા. ફાયર પોલીસ, 108 અને GPCB, DISH જેવી સંસ્થાઓ ઘટનાસ્થળ પર હાજર હતી.