અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરુચ જિલ્લામાં આમંત્રણ માટે ભરુચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહા સંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ક્ષત્રિય એકતા મહા સંમેલનનું ગામે ગામ આમંત્રણ
ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરુચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરુચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આગામી સમયમાં ચૂંટણી મેદાનમાં પણ ઉતરશે
ભરુચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે. આવા પ્રહારના ઉત્તરરૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. વધુમાં આગામી સમયમાં પોતાની પાર્ટી પણ બનાવી આવા લોકો સામે ચૂંટણી મેદાનમાં પણ ઉતરશે. આ પ્રસંગે ભરુચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ સીગામના મયુરસિંહ પરમાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.