વર્ષ 2006માં નોઈડાના એક બંગલામાં સંખ્યાબંધ લાશના ટુકડા મળ્યા હતા અને તે આખી ઘટના નિઠારીકાંડ તરીકે આજે પણ લોકોને હચમચાવી નાખે છે, ત્યારે ગુજરાતમાં પણ એક હત્યાકાંડ સામે આવ્યો છે. વર્ષ 2013માં એક તાંત્રિકે તેનાથી મોટા તાંત્રિક પાસે લોકોને મોતને ઘાટ ઉતારી દેવા માટેનો આઇડિયા લીધો હતો. 2013થી 2024 સુધીમાં આઇડિયાના આધારે આ તાંત્રિકે એક બે નહીં પણ 12 જેટલી હત્યા કરી છે. અને તેમાં પણ ખાસ કરીને પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, તાંત્રિકે જ્યારે લોકોની હત્યા કરી તેમાં તે ઘણા લોકો સાથે બદલો લેવા માગતો હતો અને ઘણાને રસ્તામાંથી હટાવવા માગતો હતો જેના કારણે તેણે આ આખો પ્લાન ઘડ્યો અને ઘણી લાશોના ટુકડા કરીને તેને અલગ અલગ જગ્યાએ છૂપાવી દીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી, ત્યારે હવે પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, જે તે સમયે જ્યારે તે પોલીસથી બચવા માગતો હતો, ત્યારે તે સમયે તે ટીવીમાં આવતી ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોતો હતો. પોલીસથી બચવા અને મોતનું કારણ છૂપાવવા માટે શું કરી શકાય તેનો આઇડિયા મેળવતો હતો. આરોપી તાંત્રિક પોલીસથી બચવા ક્રાઈમ પેટ્રોલ જોતો હતો
એક બે નહીં પણ 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર હજી તાંત્રિક સામે તપાસ થાય તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું અને આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં હત્યા પાછળ અલગ અલગ કારણો જાણવા મળી રહ્યા છે, તેમાં વ્યક્તિગતથી લઈને રૂપિયા અને બીજા કારણો પણ જાણવા મળ્યા છે. ખાસ કરીને 13 વર્ષ પહેલાં કોઈ તાંત્રિક પાસેથી તેણે આ પ્રકારનો આઇડિયા લીધો હતો તે તાંત્રિકનું પણ મોત થઈ ચૂક્યું છે, પરંતુ તે પોલીસથી બચવા માટે ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલો પણ જોતો હોવાની વિગતો અમને જાણવા મળી છે. આરોપીએ અમદાવાદના વેપારીનો હત્યાનો પ્લાન ઘડ્યો
3 ડિસેમ્બરના રોજ તાંત્રિક વિધિથી ચાર ગણા રૂપિયા કરી આપવાના નામે મસાણી મેલડીનો મઢ ચલાવનાર તાંત્રિક અને મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી નવલસિંહ ચાવડાએ અમદાવાદના એક વેપારીની સોડિયમ નાઇટ્રેટ આપી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો, જોકે તાંત્રિક સાથે ડ્રાઈવર તરીકે કામ કરતા તેના જ દૂરના સાળાને આ કામ કરવું ન હતું, જેથી તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી અને અમદાવાદની સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીનું એકાએક ઢળી પડ્યા બાદ મોત
જોકે 8 ડિસેમ્બર 2024ની સવારે રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત નીપજ્યું હતું. રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા હતા, જેમાં તેણે અત્યારસુધીમાં કુલ 12 લોકોને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ અમદાવાદના અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 6, રાજકોટના પડધરીમાં 3, અંજારમાં 1, વાંકાનેરમાં 1 લોકોની હત્યાની કબૂલાત કરી હતી. આ 12 હત્યાની ઘટનામાં સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા તેના જ પરિવારના 3 સભ્યો, જેમાં તેની માતા, કાકા અને દાદીની હત્યાનો પણ સમાવેશ છે. આરોપી નવલસિંહ ચાવડાને થોડા વર્ષ અગાઉ ઉજ્જૈનના એક તાંત્રિકે સોડિયમ નાઇટ્રેટથી હત્યા કરવાનું શીખવાડ્યું હતું. જોકે ઉજ્જૈનના તાંત્રિકનું પણ મોત થયું છે. FSL રિપોર્ટ બાદ આરોપીના મોતનું કારણ બહાર આવશે
સરખેજ પોલીસ દ્વારા મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડાના મોત મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પ્રાથમિક પોર્સમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાયું નથી. આરોપીના વિસેરા FSL માટે મોકલવામાં આવશે, ત્યારે બાદ રિપોર્ટ આવતા મોતનું સાચુ કારણ જાણી શકાશે. પરિવારના ત્રણ સભ્યો સહિત 12 લોકોની હત્યા કરી
આરોપીએ કબૂલાત કરેલી 12 હત્યામાંથી 7 હત્યામાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. જ્યારે 1 હત્યામાં ફેટલનો ગુનો નોંધાયો છે. જ્યારે બાકીની 4 હત્યામાંથી 3 હત્યા આરોપીના પરિવારના સભ્યોની અને 1 હત્યા એક યુવતીની કટકા કરીને દાટી દીધી હતી. જે હજુ સુધી પોલીસ ચોપડે નોંધાઈ નથી. જેથી પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. 8 હત્યામાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો
આરોપીએ કરેલી 8 હત્યામાં અમદાવાદના અસલાલીના વિવેક ગોહિલની હત્યા હતી. સુરેન્દ્રનગરમાં દીપેશ પાટડિયા, પ્રફૂલા પાટડિયા અને ઉત્સવી પાટડિયાની હત્યા કરવામાં આવી હતી. જેમની લાશ દુધરેજ ગામ નજીક કેનાલના નાળા નીચેથી મળી હતી. રાજકોટના પડધરીમાં કાદરભાઈ મુકાસમ, તેની પત્ની ફરીદા મુકાસમ અને પુત્ર આસિફ મુકાસમ નામની ત્રણ વ્યક્તિઓની હત્યા કરી હતી. જે ત્રણેયની લાશ રિક્ષામાંથી મળી આવી હતી. આ ઉપરાંત અંજારમાં રાજા બાવજી નામના વ્યક્તિની હત્યા કરી હતી જે મામલે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધાયો હતો. ચાર હત્યાની પોલીસ ચોપડે કોઈ નોંધ જ નહીં
આ ઉપરાંત પોલીસ ચોપડે ચાર હત્યા નોંધાઈ જ નથી. આ ચાર હત્યામાં વઢવાણમાં જ આરોપી નવલસિંહ ચાવડાએ પોતાની માતા સરોજબેન ચાવડા, દાદી મંગુબેન અને કાકા સુરાની હત્યા કરી હતી. જ્યારે નગમા મુકાસમ નામની યુવતીની હત્યા કરી લાશના કટકા કરી વાંકાનેરમાં દાટી દીધા હતા. આ ચારેય મોત મામલે પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. પોલીસ આરોપીની પત્નીનું પણ નિવેદન નોંધશે
જોકે, આ મામલે તાંત્રિક નવલસિંહ ચાવડાની પત્નીની પણ પોલીસ દ્વાર તપાસ કરવામાં આવશે. આરોપીના પત્નીના નિવેદનના આધારે પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત 8 હત્યા મામલે જ ખુલાસો થયો છે તે બાબતે સ્થાનિક પોલીસને જાણ કરી વધુ તપાસ કરવામાં આવશે, જ્યારે યુવકે કરેલી 4 હત્યા જે હજુ પોલીસ ચોપડે નોંધાઈ નથી જેથી ચાર હત્યા મામલે સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરવામાં આવશે.