સુરતમાં થોડા દિવસ શાંતિ રહ્યા બાદ ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને ચપ્પુના ધડાધડ 10 ઘા ઝીંકી હત્યા નિપજાવતાં ચકચાર મચી છે. હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં આરોપી માત્ર 10 સેકન્ડમાં જ વેપારીને ચપ્પુના 10 ઘા મારતો નજરે પડી રહ્યો છે. લોકોએ હિંમત કરી આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 10 સેકન્ડમાં ચપ્પુના 10 ઘા ઝીંકી દીધા
સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાઈક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ચોરી, મારામારી, લૂંટ સહિત 8 જેટલા ગુના તેની પર નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પોલીસે તેની પર પાસાની કાર્યવાહી પણ કરી છે. તેમ છતાં ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે ચપ્પુ લઈને બેફામ ફરતો હતો. નજીવી બાબતે નીરજે વેપારી સુભાષને એક બાદ એક માત્ર 10 સેકન્ડમાં 10 જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નીરજ પર કોઈ હુમલો ન કરે એ માટે તે પોતાની સાથે હંમેશાં ચપ્પુ રાખતો હતો.. વેપારી સુભાષની હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. પાર્કિંગ જેવી સામાન્ય બાબતે જાહેરમાં હત્યા
સુભાષ ખટિક, મૂળ રાજસ્થાનના અને ડિંડોલી મધુવન સર્કલ પાસે મિલેનિયમ પાર્કમાં રહેતા હતા. સુરતના સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સ દુકાન હતી. તેમના ભાઇ રાકેશની ઉધનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન છે. સોમવારે સાંજે સુભાષભાઇની દુકાને આવ્યા ત્યારે રસ્તા વચ્ચે બાઇક પડેલી જોવા મળી.
સુભાષે બાઇક હટાવવા માટે નીરજ ગંગાસાગર અમરને વિનંતી કરી, પરંતુ નીરજે બાઇક હટાવવાની ના પાડી અને વિવાદ થયો. સુભાષે થોડીવારમાં બાઇક પાર્ક કરીને પરત આવીને ફરી વિવાદ કર્યો, એના પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુથી સુભાષની છાતીમાં ઘા મારી દીધો. સારવાર મળે એ પહેલાં જ વેપારીનું મોત
આકસ્મિક હુમલાના કારણે સુભાષ ગંભીર રીતે લોહીલુહાણ થઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. તેમને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકોએ લોહી નીતરતા ચપ્પુ સાથે આરોપીને દબોચ્યો
જાહેરમાં હત્યાને અંજામ આપ્યા બાદ નીરજ ત્યાંથી ફરાર થાય એ પહેલાં જ સ્થાનિક લોકોએ આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે દબોચી લઈ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નીરજ અગરબત્તી વેચવાનો ધંધો કરતો હતો અને તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના 8 કેસ નોંધાયેલા છે.