ગુજરાત યુનિવર્સિટીમાં દરેક ભવનમાં જોબ ટ્રેઇની તરીકે કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પર નોકરી કરે છે. ત્યારે જોબ ટ્રેઇનીની ભરતીમાં જે તે વિભાગના વડા જ ભલામણ કરીને ભરતી કરાવે છે તેવો NSUI અને યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ મામલે કુલપતિને રજૂઆત કરવા ગયેલા કાર્યકરોને અંદર ના જવા દેતા કાર્યકરોએ જાળી તોડી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. રજૂઆત કરવા આવેલા કાર્યકરોને અટકાવતા વિરોધ
ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનમાં જોબ ટ્રેઇની તરીકે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે અને દર મહિને 18000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. આ જોબ ટ્રેઇનીની ભરતીમાં જે તે વિભાગના વડા કુલપતિને ભલામણ કરે તે કર્મચારીની ભરતી કરવામાં આવે છે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેને લઈને NSUI અને યુથ કોંગ્રેસે કૌભાંડના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. NSUIએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેઇનીની ભરતી પારદર્શક રીતે થતી નથી. વિભાગના વડા જ પોતાના મળતિયાઓને નોકરી રખાવી કૌભાંડ કરે છે. કેટલાક કર્મચારીઓના પરિવાર અને સંબંધીઓ પણ આ જ રીતે યુનિવર્સિટીમાં નોકરી કરી રહ્યા છે. NSUIની આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
આ અંગે યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, જોબ ટ્રેઇની માટે ગુજરાત યુનિવર્સીટીએ પારદર્શક ભરતી કરવી જોઈએ. ખરેખર જે લાયક ઉમેદવારો છે તે ભલામણના કારણે રહી જાય છે જેથી યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયા કરીને જોબ ટ્રેઇનીની નિમણૂક કરવી જોઈએ. કુલપતિએ પોતાના હસ્તક ભરતી પ્રક્રિયા કરવી જોઈએ. આ અંગે નિર્ણય કરવામાં નહિ આવે તો આગામી દિવસમાં NSUI ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.