સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઊતરવાની ચીમકી આપી રહ્યા છે. અમદાવાદથી દહેગામ જતા રસ્તામાં આવતા કુંજાડ ગામના ખોડિયાર ફાર્મહાઉસ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. અમદાવાદ ખાતે થશે મહાસંમેલન
ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતાં ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો. આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતાં અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી. એકતા મહાસંમેલનમાં કોણ કોણ જોડાશે
ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનો લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે. પુષ્પા 2 મૂવીના પ્રોડ્યુસર અને ડિરેક્ટરને માર મારવાનો છે
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે પુષ્પા 2 મૂવીમાં એકપાત્રને ભૈરવસિંહ શેખાવત નામ આપવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ક્ષત્રિયોનો અપમાન થઈ રહ્યું છે. પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા પાત્રનું નામ શેખાવત તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેને કારણે કરણી સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મૂવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને દેખાશે ત્યાં મારીશું અને ઘરમાં ઘૂસીને પણ વિરોધ કરીશું. અમને મૂવીનો કોઈ વિરોધ નથી, પરંતુ જે પાત્રનું નામ છે તેને તાત્કાલિક હટાવવામાં આવે પદ્માવત મૂવી વખતે પણ અમે વિરોધ કર્યો હતો, ફરી એક વખત શેખાવત જાતિના પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એનું તાત્કાલિક અસરથી નામ બદલવામાં આવે.