જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી મધુરમ વિસ્તારની સોસાયટીઓમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. મોડી રાત્રિના કે વહેલી સવારે સિંહો સોસાયટીઓમાં આવી ધામા નાખી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોમવારે વહેલી સવારે સિંહ ત્રિપુટીએ ગાયનું મરણ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઇ વન વિભાગે તપાસ હાથ ધરી છે. સોસાયટીના ચોકમાં ગાયનું મારણ કર્યું
જૂનાગઢના ગિરનાર વિસ્તારમાંથી સિંહો ક્યારેક રેવન્યૂ વિસ્તાર તો ક્યારેય રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થયા છે. ત્યારે હવે સિંહો માત્ર રેવન્યૂ વિસ્તાર જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સોસાયટીના સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા છે. થોડા દિવસો પહેલા જ ત્રણ સિંહો રાધિકા રેસીડેન્સીયલ વિસ્તારમાં આવી ચડ્યા હતા. જેમાં સિંહો એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગાયનો શિકાર કરવા જતા જઈએ તેનો સામનો કરતા ત્રણેય સિંહ નાશી ગયા હતા. તો સોમવારે વહેલીં સવારે ત્રણ સિંહોએ સોસાયટીના ચોકમાં ગાયનું મારણ કરી શિકારની મિજબાની માણી હતી. ત્યારે આ વિસ્તારના સ્થાનિકોએ વન વિભાગ દ્વારા વહેલી તકે આ સિંહોને ખસેડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે. બાળકોની ખૂબ જ ચિંતા રહે છે: સ્થાનિક
સોસાયટીમાં રહેતા અજય વાણવીએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે અમારી સોસાયટીમાં ત્રણ સિંહોએ એક ગાયનું મરણ કર્યું હતું. ગામડામાંથી શહેરમાં લોકો પોતાની જરૂરિયાત અને બાળકોના અભ્યાસ માટે રહેવા આવતા હોય છે. જ્યારે સોસાયટીમાં પણ સિંહના આટા ફેરા વધી જતા હોય તો વન વિભાગએ તાત્કાલિક આ મામલે ધ્યાન આપવું જોઈએ. સોસાયટીમાં રહેતા પરિવારના નાના બાળકો સ્કૂલે જતા હોય કે ટ્યુશનમાંથી આવતા હોય તે સમયે બાળકોની પણ ખૂબ જ ચિંતા રહે છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી સિંહના આંટાફેરા સોસાયટીમાં વધ્યા છે. ત્યારે વન વિભાગે આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. વન વિભાગે આ સોસાયટીની મુલાકાત કરી છે: વન વિભાગના અધિકારી
આ મામલે વન વિભાગના અધિકારી અરવિંદ ભાલીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ સિંહો ગિરનાર જંગલ વિસ્તારના છે અને ઘણી વખત રેવન્યૂ વિસ્તારમાં જતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સિંહ ત્રિપુટી સોસાયટીમાં આંટાફેરા મારી રહી છે. જ્યારે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેને લઈ વન વિભાગ દ્વારા આ સોસાયટીની મુલાકાત કરવામાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ મામલે સૂચના આપવામાં આવી છે. ત્યારે સિંહો પોતાની રીતે જ જંગલ વિસ્તાર તરફ પણ વળી જતા હોય છે. હાલ સોસાયટીમાં સિંહો આવી ચડે છે જેને લઇ વન વિભાગ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.