કચ્છના જિલ્લા મથક ભુજ શહેર નજીક આવેલા ભુજોડી ગામના લોકોએ ફરી એક વખત એસટી બસની અસુવિધા મામલે ચક્કાજામનું શસ્ત્ર ઉગામ્યુ હતું. સાડા ત્રણની બસ ચાર વાગ્યે પણ ન દેખાતા વિદ્યાર્થિનીઓ સહિતના મુસાફરો વિફર્યા હતા. તેમણે ધોરડોથી અમદાવાદ એરપોર્ટ જતી વોલ્વો બસ સહિતની બસોને રોકી દીધી હતી અને ચક્કાજામ કર્યો હતો. વિરોધને પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું. બપોરે 3.30 વાગ્યે ઉપડતી ભુજ ડેપોથી ભુજોડી રૂટની એસટી બસ 4 વાગ્યા સુધીના ઉપડતા બસની રાહ જોતા પ્રવાસીઓ અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ રોષે ભરાયા હતા અને બસ અંગે પૂછપરછ વિભાગમાં તપાસ કરી હતી. જોકે, બસ બ્રેક ડાઉન થઈ હોવાની માહિતી મળતાં ગ્રામજનોએ બસની માગ સાથે અન્ય બસોને અટકાવી દીધી હતી. અચાનક વિફરેલા પ્રવાસીઓએ ચક્કાજામ કરી મુક્તા લોકલ અને એક્સપ્રેસ રૂટની બસો ડેપોમાં જમા થઈ જવા પામી હતી. દરમિયાન મામલાની જાણ થતાં ડેપો મેનેજર દોડી આવી હતી અને નવી બસ ફાળવીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે ભુજોડી ગામના લોકોએ જણાવ્યું હતું કે, હાલ પ્રવાસનની સિઝનને લઈ ભુજોડી રૂટની બસ અવારનવાર રદ્દ કરી દેવામાં આવે છે. એક્સપ્રેસ બસોવાળા બેસાડતા નથી. જેને લઈ નાછૂટકે ખાનગી વાહનનો અસરો લેવો પડ્યો છે, આ માટે બસ ડેપોથી જ્યુબિલિ સર્કલ સુધી જાઉં પડે છે. આજે પણ આજ સ્થિતિ નિર્માણ પામતા બસ મળવાની માગ સાથે એસટી તંત્રની નીતિ સામે ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો અને અડધો કલાક સુધી બસોને રોકી રાખી હતી. દરમિયાન ભુજ એસટી ડેપો મેનેજર સાથે વાત કરતા તેમણે કહ્યું કે એક બસ બ્રેકડાઉન થઈ ગઈ છે અને બીજી વધારાની બસ ભીરન્ડિયારા વર્ધીમાં ગઈ હોવાથી ભુજોડી ગામના લોકો નારાજ થયા હતા. અલબત્ત મામલાને ગંભીરતાંથી લઈ અન્ય રૂટની બસ ભુજોડી માટે ફાળવી દેવામાં આવતા મામલો થાળે પડી ગયો હતો. પોલિસે કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવી હતી.