મેહુલ મેકવાન
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પીએચડીના પ્રવેશમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું આરટીઆઈમાં માંગવામાં આવેલી માહિતીમાં ખૂલ્યું છે. જેમાં યુજીસીની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા પીએચડી પ્રવેશમાં પહેલેથી જ બતાવવાની હોય છે, પરંતુ પ્રોફેસર-ગાઈડ દ્વારા પોતાના માનીતા વિદ્યાર્થીઓને પોતાના હાથ નીચે પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ માગવામાં આવેલી આરટીઆઈમાં થયો છે. 2020-21માં 4 વિદ્યાર્થી બતાવી 5ને પ્રવેશ અપાયો હતો. અે જ રીતે ચાલુ વર્ષે પણ 2નું ફિક્સિંગ કરાયાનું ખૂલ્યુ છે.
યુનિવર્સિટીના જ એક પૂર્વ વિદ્યાર્થીએ પીએચડીમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમાં આપવામાં આવતા પ્રવેશની માહિતી આરટીઆઇ દ્વારા માગી હતી જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે પીએચડીમાં પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રથમ બતાવવાની હોય છે પરંતુ યુનિવર્સિટીના પ્રોફેસર-ગાઈડ દ્વારા આ સંખ્યા ‘ઝીરો’ બતાવીને બાદમાં તેમાં સુધારો કરવામાં આવતો હોવાનું ખૂલ્યું છે. યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં વર્ષ 2020-21ના પીએચડી પ્રવેશના નોટીફિકેશન તેમજ ગાઈડવાઈઝ ઈન ઈચ સબ્જેક્ટમાં માત્ર ચાર જગ્યા દર્શાવવામાં આવી હતી. જોકે, આ જ વર્ષે પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ પ્રક્રિયા પહેલાં એનેક્ષર 1 અને 2 જે વડા તેમજ માર્ગદર્શકે આપવાની થતી હોય છે તે માહિતી હેઠળ માત્ર ચાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તેમ બતાવ્યું હતું. અને એનેક્ષર નિયમ નંબર 2,3 અને 5 મુજબ જે તે ગાઈડને ખાલી જગ્યાની ફાળવણી થતી હોય છે. એટલે એ પ્રમાણે જ જાહેરાતમાં ચાર ખાલી જગ્યા બતાવી હતી. પરંતુ એ વખતે ચારને બદલે પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ, યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણશાસ્ત્ર વિભાગ દ્વારા પ્રથમ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી બતાવીને પાછલા બારણે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાની હકીકત ખૂલી છે. આ વર્ષે 94 વિદ્યાર્થીને અલગ અલગ વિભાગમાંથી પીએચડીમાં પ્રવેશ અપાયો છે. જેમાં ફિક્સિંગ કરાયાનું ખૂલ્યુ છે. યુજીસીના નિયમનો જ ધરાર છેદ ઉડાડી દેવાયો | યુજીસીના નિયમ મુજબ પી.એચ.ડી. પ્રવેશમાં 60 % નેટ પાસવાળા અને 40 % યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષામાં પાસ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિયમ છે. પરતું 2020-21માં ત્રણ વિદ્યાર્થીઓ કે જેમાં પ્રવેશ પરીક્ષાથી પાસ, એક એમફીલ પાસ અને એક જીસેટ પાસ એમ કુલ પાંચ વિધાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરતું એક પણ નેટ પાસ થયેલા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેને પગલે અન્યાયનો સામનો કરી રહેલા અરજદારે શિક્ષણશાસ્ત્ર વિભાગના ડીન અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડો. પરેશ આચાર્ય અને યુનિર્વિસટીને પુરાવા સહિત અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી તેમ કહી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. આરટીઆઇ દ્વારા પી. એચ. ડી. પ્રવેશ પરીક્ષામાં એજ્યુકેશનના પ્રોફેસર ડૉ. નીપાબેન ભરૂચાએ એક વિદ્યાર્થિનીને તેના પિતા સરકાર દ્વારા નિમાયેલા પૂર્વ સેનેટ સભ્ય રહી ગયા હોઈ પીએચડી પ્રવેશ પરીક્ષા સેટિંગથી પાસ કરાવી દેવા અંગે ટીપ આપી હતી. પીએચડી ગાઇડે વર્ષ 2020ના 30મી સપ્ટેમ્બર સુધીમાં પોતાના અંડરમાં કેટલી જગ્યા ખાલી છે એ જણાવવાનું હતું. યુનિર્વિસટીના નિયમ મુજબ એક વખત પીએચડીની જગ્યા જાહેર થઈ ગયા પછી એમાં સુધારો કરી શકાય નહીં. ડો. ભરૂચાએ પોતાના અંડરમાં 1 જગ્યા એચઓડીને બતાવી હતી, પરંતુ ઓન પેપર તેમણે જગ્યા શૂન્ય જ બતાવી હતી. બીજી તરફ શિક્ષણશાસ્ત્ર વિભાગે વર્ષ 2020ના 14મી ડિસેમ્બરના રોજ કાઉન્સિેલિંગ રાખવા માટે જાણ કરી હતી. ત્યારબાદ 16મી ડિસેમ્બરના રોજ ડૉ. ભરૂચાએ એકેડમી વિભાગને પત્ર લખીને પોતાના બે વિધાર્થીઓએ ફી નથી ભરી તેવું કારણ આગળ ધરીને એક વિદ્યાર્થીની ફાળવણીની માંગણી કરી નિયમ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. પિતા સેટીંગ કરી આપશે એવી વિદ્યાર્થીનીની કબુલાત વર્ષ 2020-21માં શિક્ષણશાસ્ત્રમાં 18 થી વધુ જગ્યાઓ ખાલી હતી. પરંતુ ફક્ત 4 જ જગ્યા ખાલી બતાવી હતી અને પાછળથી સેટિંગ કરી 1 સીટ અંદરખાને જાહેર કરાઈ હતી. મહત્વની વાત તો એ છે કે, યુનિવર્સિટીના પત્રકમાં જ 7.4 નિયમ અનુસાર કોઈ પણ વિદ્યાર્થી સિનોપ્સીસ સબમીટ કરે એ પછી જ સીટ ખાલી બતાવવાની હોય છે, આમ છતાં ડો. નીપા ભરૂચાએ સપ્ટેમ્બરમાં આપેલા પત્રકમાં અગાઉથી જ તેના બે વિદ્યાર્થી ઓક્ટોબરમાં સિનોપ્સીસ જમા કરાવશે તેમ કહી યુનિવર્સિટીમાં જગ્યા ખાલી હોવાનું ચિત્ર રજૂ કર્યું હતું