કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે રાજ્યમાં અને પર્યટનન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો એકદમ ગગડી રહ્યો છે. મંગળવારે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરના હિલ સ્ટેશન પર ઠંડીનો પારો 1.4 ડિગ્રી નોંધાયો. જ્યારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 6.4 પડવાની સાથે ભુજમાં પણ રાત્રિનું તાપમાન ઘટીને 11.4 ડિગ્રીએ પહોંચી ગયું. નલિયા ઉપરાંત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. જો કે બુધવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચે ચડવાની સાથે ઠંડીમાં રાહત થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
અબડાસાની સાથે લખપત તાલુકામાં પણ ઠંડી પકડ જમાવતી જણાઇ હતી. નલિયામાં ન્યૂનતમ ઉષ્ણતામાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું રહેવાની સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. મોડી સાંજથી જ લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં રાત્રે 9 વાગ્યે જ માર્ગો સૂમસામ બન્યા હતા. માઉન્ટ આબુમાં સિઝનનો પ્રથમ બરફ જામ્યો
બીજી બાજુ માઉન્ટ આબુમાં પારો 1.4 ડિગ્રી પહોંચતા સીઝનનો પ્રથમ બરફ જામ્યો હતો. મંગળવારે સવારે ગૌમુખ રોડ પર સ્થિત ઘરના બાગીચાના પાંદડા પર જામેલી ઝાકળ બરફમાં ફેરવાઇ ગઇ હતી.