ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે રશિયાની રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારતીય રક્ષામંત્રીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારીની અપાર સંભાવનાઓ છે. બેઠક દરમિયાન રાજનાથ સિંહે કહ્યું- ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સૌથી ઉંચા પર્વતથી ઉંચી અને સૌથી ઊંડા સમુદ્રથી ઊંડી છે. ભારત હંમેશાં તેના રશિયન મિત્રોની પડખે ઊભું રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. પુતિન સાથે મુલાકાત પહેલા રાજનાથ સિંહે રશિયાના રક્ષામંત્રી એન્ડ્રે બેલોસોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજનાથ સિંહે S-400 સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમના બાકીના બે યુનિટની વહેલા ડિલિવરી પર ભાર મૂક્યો હતો. S-400 એર ડિફેન્સ સિસ્ટમને લઈને 2018માં ભારત અને રશિયા વચ્ચે એક ડીલ થઈ હતી. આ ડીલ હેઠળ રશિયાએ અત્યાર સુધીમાં S-400ના 3 યુનિટ ભારતને આપ્યા છે. તેઓ ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત છે. S-400 એ રશિયાની લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ છે. તે 400 કિલોમીટરની રેન્જ સુધીના એરક્રાફ્ટ, ડ્રોન અને મિસાઇલોને શોધવા, ટ્રેક કરવા અને નાશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. રશિયાની મુલાકાતે ગયેલા રક્ષામંત્રી સાથે જોડાયેલી 5 તસવીરો…