ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં જામનગરના શ્રી સદન હત્યાકાંડના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે ભવાને તેની પ્રેમિકા રંજન અને તેનાં 2 બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. પોલીસે ભવાનની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. હવે આજના એપિસોડમાં વાંચો ભવાનની પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ઘટસ્ફોટ. પ્રાથમિક પૂછપરછમાં ભવાને પોલીસને ગોળ ગોળ ફેરવી. તેણે અલગ અલગ વાર્તા ઊપજાવીને હત્યાનો આરોપ પોતાના દુશ્મન અશોક ચપ્પા પર લગાડવાનો પ્રયાસ કર્યો, જોકે એ સમયે અશોક જેલમાં હતો એટલે પોલીસને ખ્યાલ આવી ગયો કે ભવાન ખોટું બોલી રહ્યો છે. હવે પોલીસે ભવાનના પુત્ર પંકજ અને તેના ભાણેજની પૂછપરછ કરવાનું નક્કી કર્યું, કારણ કે હાઇવે પરથી જે કોથળામાંથી માનવઅંગો મળ્યાં હતાં એ કોથળા પર PPCLનો માર્કો હતો, જેના તાર મેરીટાઇમ બોર્ડ સાથે જોડાયેલા હતા અને ભવાનનો ભાણેજ મેરીટાઇમ બોર્ડમાં નોકરી કરતો હતો. ભવાનના ભાણેજે પોલીસને કહ્યું કે ‘એકાદ મહિના પહેલાં મારા મામાએ ચાર-પાંચ કોથળા મગાવ્યા હતા એટલે હું તેને કોથળા આપી આવ્યો હતો.’ બીજી તરફ ભવાનના પુત્ર પંકજે પોલીસને એવું કંઇક કહ્યું કે જેણે પોલીસને આશંકાને વધુ મજબૂત બનાવી. પંકજે પોલીસને કહ્યું કે મારા પિતાએ તેના દુશ્મન અશોક ચપ્પા પર હુમલો કરવા માટે એસિડ બલ્બ બનાવવા એસિડ મગાવ્યું હતું. ભવાનના સંબંધી રતિલાલ પરમારે પોલીસને કહ્યું કે એકાદ મહિના પહેલાં કચ્છ દર્શને જવા માટે તે મારી મારુતિ ફ્રન્ટી લઇ ગયો હતો. આ તમામ કડીઓ એકબીજાની પૂરક બની અને ભવાને કરેલા જઘન્ય હત્યાકાંડ ચાડી ખાતી હતી એટલે હવે ભવાન પાસે કબૂલાત કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નહોતો. પ્રેમિકા અને તેનાં બે માસૂમ સંતાનોની અતિક્રૂરતાથી હત્યા કરનારા ભવાન સોઢાના ચહેરા પર ત્યારે પણ અપરાધ ભાવ નહોતો. તપાસ ટીમે એસપી સતીષ વર્માની હાજરીમાં ભવાનનું નિવેદન લેવાનું શરૂ કરતાં જ ભવાને પીવા માટે પાણી માગ્યું. એક કોન્સ્ટેબલ તરત જ પાણીનો ગ્લાસ ભરીને લઇ આવ્યો. ભવાને પાણીનો ગ્લાસ એક જ શ્વાસે ગટગટાવીને ખાલી ગ્લાસ પાછો આપ્યો, શર્ટના કોલરથી ભીના હોઠ સાફ કર્યા અને કહ્યું, સાહેબ, મારી સામેના અગાઉના કેસમાં હું વકીલ તરીકે રંજનના પતિ કે.પી.શુકલને રાખતો હતો, જેથી મારે તેના ઘરે અવરજવર થતી રહેતી હતી. આના પછીની હકીકત ઘણી ચોંકાવનારી હતી. વકીલના ઘરે સતત આવતો જતો હોવાથી તેની શિક્ષિકા પત્ની રંજન અને ભવાનને પ્રેમ થઇ ગયો. રંજન પાસે શ્રી સદન નામના મકાન ઉપરાંત મુંગણી ગામે ખેતીની જમીન અને મકાન હતાં, લાખાબાવળમાં પણ એક મકાન હતું. આ બધી સંપત્તિની કિંમત એકાદ કરોડ જેટલી થતી હતી. ભવાનની નજર આ સંપત્તિ પર હતી. વકીલના અવસાન પછી તે મોટા ભાગે રંજનના ઘરે જ રહેતો હતો. તેણે ધીરે ધીરે રંજન પાસેથી હજારો રૂપિયા લેવાનું શરૂ કર્યું. તેણે રંજનના ઘરમાં જ દારૂની ભઠ્ઠી શરૂ કરી દીધી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી રંજનના ભવાન પ્રત્યેના વ્યવહારમાં બદલાવ આવી ગયો હતો. ભવાનને રંજનના બદલાયેલા વ્યવહારની ખબર તો પડી ગઇ હતી, પરંતુ એની પાછળ શું કારણ છે એની ખબર નહોતી પડતી. 12 જૂન,2000ની રાત પડી ગઇ હતી. રાબેતા મુજબ ભવાન તેની પ્રેમિકા રંજનના ઘર શ્રી સદનમાં હાજર હતો. તે અને રંજન મકાનના ચોથા માળની અગાશીમાં સૂતાં હતાં. એકાંત જોઇને ભવાને રંજન પાસે શરીરસુખની માગણી કરી. રંજને તેને ધુતકાર્યો અને કહ્યું કે હવે તારામાં કંઇ રહ્યું નથી. બસ, આ શબ્દોથી ભવાનનું માથું ભમી ગયું. તેને એવું લાગ્યું કે રંજને મારું અપમાન કર્યું છે, હવે તે મને છોડીને બીજા પાસે જતી રહેશે. આ વિચારોને કારણે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અશોક ચપ્પા સાથે દુશ્મની હોવાથી તે કાયમ પોતાની પાસે તલવાર અને છરી રાખીને જ સૂતો હતો. ક્રોધમાં ને ક્રોધમાં તેણે તલવાર ઉપાડીને રંજન પર હુમલો કરી દીધો. પ્રેમી ભવાને અચાનક કરેલા આ હુમલાથી ગભરાયેલી રંજન બચાવો…. બચાવો….ની બૂમ પાડતી પગથિયાં ઊતરીને નીચેના રૂમ તરફ ભાગી. ભવાન પણ તલવાર લઇને તેની પાછળ પડ્યો. બૂમાબૂમથી સફાળા જાગી ગયેલાં રંજનનાં સંતાનો દેવદત્ત અને અવનિ પગથિયાં ચડીને સામા આવ્યાં. રંજનનાં સંતાનોએ ભવાનને પકડવાની કોશિશ કરી. અવનિએ ભવાનના બન્ને પગ પકડી લીધા અને દેવદત્ત માતા રંજનને બચાવવા માટે ભવાનના હાથમાંથી તલવાર આંચકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો આ ત્રણેય બચી જાય તો પોતાને જેલમાં જવાનો વારો આવે એવો વિચાર ભવાનના મગજમાં આવ્યો અને તેણે પગ પકડીને બેસેલી અવનિના વાંસામાં ઊભી તલવારનો જોરદાર ઘા માર્યો. તલવાર અવનિનો વાંસો ચીરતી પેટ સોંસરવી નીકળી ગઇ. અવનિ ત્યાં જ ઢળી પડી. હવે ભવાનના મગજ પર શેતાન સવાર થઇ ગયો હતો. તેણે અવનિના વાંસામાં ખૂંપેલી તલવાર જોરથી ખેંચીને બહાર કાઢી. હજી પણ દેવદત્ત તેના હાથમાંથી તલવાર લઇ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભવાને લોહી નીતરતી તલવાર લઇને દેવદત્તનું ગળું કાપી નાખ્યું. રંજનનાં બન્ને સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે વારો રંજનનો હતો. રંજન નીચે રૂમમાં પહોંચી ગઇ હતી. ભવાન પણ તેની પાછળ પહોંચ્યો. રૂમમાં આછો લાલ રંગનો પ્રકાશ હતો. એ પ્રકાશમાં ભવાને સામે ઊભેલી ગભરાયેલી રંજનને જોઇ. તે વીજળિક ઝડપે રંજન પર ત્રાટક્યો. તલવારના એક જ ઝાટકે તેણે રંજનનું પણ ગળું કાપી નાખીને તેને કાયમ માટે શાંત કરી દીધી. થોડી જ ક્ષણોમાં ખૂની ખેલ ખેલાઇ ગયો. ત્રણ-ત્રણ જિંદગી હતી નહોતી થઇ ગઇ. થોડીવાર માટે ભવાન પોતે પણ શૂન્ય મનસ્ક થઇ ગયો. તેણે ત્રણેય લાશને ભેગી કરી. તે થોડો સમય લાશ પાસે બેઠો રહ્યો. હવે તેનું મગજ આ 3 લાશનો નિકાલ કઇ રીતે કરવો એની યોજના ઘડવામાં લાગ્યું હતું. જેમ જેમ રાત વીતતી ગઇ એમ એમ ભવાન મનોમન યોજના બનાવતો ગયો. સવાર પડતાં જ ભવાને આખો પ્લાન તૈયાર કરી લીધો હતો. તે બજારમાં ગયો અને એક દુકાનથી કરવત લીધી, એક દુકાનથી મીઠું લીધું અને પુત્ર પંકજ પાસે એસિડનો કેરબો અને ભાણેજ પાસે કોથળા મગાવ્યા. આ બધું કરતાં-કરતાં રાત પડી ગઇ. હત્યાકાંડની બીજી રાતે તેણે મકાનના બીજા માળે આવેલી પાણીની ટાંકી પાસે લાકડાંની પાટ ગોઠવી. રંજનની લાશ લાવીને તેના એક-એક અંગના કરવતથી કટકા કર્યા અને પાણીની ટાંકીમાં નાખી દીધા, દુર્ગંધ ન આવે એ માટે એસિડ અને મીઠું નાખીને ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું. ભવાને થોડી નિરાંત અનુભવી. હવે તેનું મિશન દેવદત્ત અને અવનિની લાશને ઠેકાણે પાડવાનું હતું. બીજા દિવસે ભવાને અવનિ અને દેવદત્તનાં માથાં કાપીને ફ્રિજમાં મૂકી દીધાં. બાકીનાં અંગના કટકા કર્યા અને ભાણેજ પાસે મગાવેલા કોથળામાં પેક કર્યા. દર્શન કરવા જવાના બહાને સંબંધી રતિલાલ પરમારની કાર લઇ આવ્યો. ભીમ અગિયારસનો દિવસ હતો એટલે આખા સૌરાષ્ટ્રમાં તહેવાર જેવું વાતાવરણ હતું. આવામાં ભવાને લાશના કટકા ભરેલા કોથળા કારની ડિકીમાં ગોઠવ્યા અને કારને કચ્છ તરફ હંકારી મૂકી. ભવાન પોતે નક્કી કરેલા પ્લાન મુજબ લાશનો નિકાલ કરવા માટે આગળ વધી રહ્યો હતો. કચ્છ તરફ તેની કાર સડસડાટ જઇ રહી હતી, પરંતુ સામખિયાળી નજીક તેણે પોલીસને ચેકિંગ કરતી જોઇ. આ સાથે જ તેના પેટમાં ફાળ પડી. કદાચ પોલીસને આ હત્યાની ખબર પડી ગઇ હશે એવું તેણે માની લીધું અને કારને વધારે આગળ લઇ જવાને બદલે પાછી વાળી લીધી. કચ્છ તરફ આગળ જવાય એમ નહોતું, હવે આ લાશના કટકાનું કરવું શું એની ગડમથલ ભવાનના મનમાં ચાલી રહી હતી. તેણે રસ્તા પર જ કોથળા ફેંકી દેવાનું મન બનાવી લીધું. માળિયા રોડ પર થોડા-થોડા અંતરે તેણે કોથળા ફેંકી દીધા. ત્રણેય લાશને ઠેકાણે પાડ્યા પછી ચિંતામુક્ત થયેલો ભવાન કાર લઇને જામનગર પાછો આવી રહ્યો હતો ત્યારે જોડિયા પોલીસમાં નોકરી કરતા એક પોલીસમેને રસ્તામાં તેની પાસે લિફ્ટ માગી. પોલીસકર્મી પરિચિત હોવાથી ભવાને કાર ઊભી રાખી અને તેને લિફ્ટ આપી. જેવો આ પોલીસકર્મી ભવાન સાથે કારમાં બેઠો કે તેને કોઇ દુર્ગંધ આવી. તેણે ભવાનને પૂછ્યું પણ ખરું કે કારમાંથી આ શેની દુર્ગંધ આવે છે, જેના જવાબમાં ભવાને કહ્યું કે મેં મચ્છીના ટોપલા ભર્યા હતા એટલે આવી વાસ આવે છે, આવું કહીને તેણે વાત વાળી લીધી હતી. પોલીસ સ્ટેશનમાં થઈ રહેલી પૂછપરછ દરમિયાન આટલું કહીને ભવાન અટકી ગયો તેણે ફરી વખત પાણી મગાવ્યું અને પીધું. થોડીવાર પોલીસ મથકના પંખા સામે એકીટશે જોઇ રહ્યો. ‘પછી શું થયું?’ પીઆઇ વાઘેલાએ પૂછેલા આ પ્રશ્નથી ભવાન તંદ્રામાંથી બહાર આવ્યો અને ફરી બોલવાનું શરૂ કર્યું. સાહેબ, હું ચરસ, ગાંજા અને સ્ત્રી સહવાસ વિના રહી શકતો નહોતો. રંજન અને તેનાં સંતાનોની હત્યા કર્યાને પાંચેક દિવસ વીતી ગયા હતા. હવે શરીરમાં વાસના ભડકી ઊઠી હતી. હું રાતે મારા ઘરેથી રંજનના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચરસ-ગાંજાનો બંધાણી એવો એક પરિચિત વ્યંઢળ મળી ગયો. તેણે મને પૂછ્યું કે માલ (ચરસ કે ગાંજો) છે? એટલે મેં તેને મારા ખિસ્સામાંથી ચરસની પડીકી કાઢીને બતાવી અને નશો કરવા માટે તેને શ્રી સદનમાં લઇ આવ્યો હતો. શ્રી સદનમાં આવીને નશો કરીને અમે બન્ને બેઠા હતા ત્યારે વ્યંઢળે મને પૂછ્યું હતું કે મકાનમાં શેની વાસ આવે છે? અને આ લોહીના ડાઘ શેના છે? વ્યંઢળે પૂછેલા આ સવાલનો જવાબ આપવા માટે મેં તેની પાસે શરીરસુખની માગણી કરી હતી. જો તું મને તાબે નહીં થાય તો હું તારા હાલ પણ મારી પ્રેમિકા રંજન અને તેનાં બન્ને સંતાનો જેવા કરી નાખીશ એવી ધમકી આપી હતી. આટલું બોલીને ભવાને પોલીસ સ્ટેશનમાં જ પોતાનું માથું ઢાળી દીધું. ભવાને જેને ધમકી આપી હતી તે વ્યંઢળે એક વ્યક્તિને આ બધી વાત કરી દીધી. આ વ્યક્તિ એટલે પોલીસનો બાતમીદાર. તેણે જ હનુમાન ગેટ પોલીસચોકીમાં જઇને સૌથી પહેલા પીએસઆઇ ગઢવીને બાતમી આપી હતી. આમ, એક વ્યંઢળ પાસે થયેલી શરીરસુખની માગણીએ આખો કેસ ઉકેલી દીધો હતો. જામનગરના તત્કાલીન એસપી સતીષ વર્મા અને રાજકોટના તત્કાલીન એસપી અજય તોમરે પણ એ વખતે સ્વીકાર્યું હતું કે આટલો જઘન્ય હત્યાકાંડ અમે અમારી કારકિર્દીમાં પહેલાં ક્યારેય જોયો નથી. ભવાને 12-13 જૂનની રાતે રંજન અને તેનાં સંતાનોની હત્યા કરીને લાશના જે ટુકડા કર્યા હતા એ અંદાજે એક મહિના પછી એટલે કે 15 જુલાઇએ પોલીસના હાથે લાગ્યા હતા. પોલીસને લાશનાં આ અંગો મળ્યાં તેના 19 દિવસ પછી ભવાનની ધરપકડ થઇ હતી. જોકે એક બીજી થિયરી એવી પણ છે કે જ્યારે પોલીસને હાઇવે પરથી માનવઅંગો ભરેલા કોથળા મળ્યા ત્યારે રંજનની બહેન વર્ષા જામનગર ગઇ હતી. તેણે પોલીસનો સંપર્ક કરીને પોતાની બહેન રંજન અને તેનાં સંતાનો ગુમ થયાં હોવાની જાણ કરી હતી. જે પછી પોલીસ રંજનના ઘરે પહોંચી હતી અને ત્રણેયની હત્યા થઇ હોવાનું ખૂલ્યું હતું. આ બહુચર્ચિત ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે ભવાન સોઢા ઉપરાંત તેના પુત્ર પંકજ અને રફીક નામના શખસની ધરપકડ કરી હતી. હત્યામાં વપરાયેલી તલવાર, કરવત સહિતનાં સાધનો જપ્ત કર્યાં હતાં. ભવાને જ્યાંથી કરવત અને મીઠું ખરીદ્યું હતું તે વેપારી, ભવાનના પુત્ર પંકજે જ્યાંથી એસિડ લીધું હતું તે દુકાનના સંચાલક, ભવાન જેની કાર લઇ ગયો હતો તે કારના માલિક અને ભવાનને કોથળા આપનારા તેના ભાણેજનાં નિવેદનો લીધાં હતાં. માળિયા અને શ્રી સદનમાંથી મળેલાં માનવઅંગો રંજન, અવનિ તેમજ દેવદત્તના હોવાનો એફએસએલ રિપોર્ટ જામનગર સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. એના આધારે કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ ગણાવ્યો હતો અને ભવાન સોઢાને ફાંસીની સજા, તેના પુત્રને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસ ઉકેલવા માટે પોલીસની 7 ટીમ અલગ અલગ કામમાં લાગેલી હતી. જેલવાસ ભોગવી રહેલા ભવાનને કેન્સર થતાં તેણે ફાંસીની સજા રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે તેની આ અપીલ માન્ય રાખીને ફાંસીની સજાને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજામાં ફેરવી નાખી હતી. હાલ 71 વર્ષનો ભવાન રાજકોટ મધ્યસ્થ જેલના સળિયા પાછળ જિંદગી વિતાવી રહ્યો છે. પીએસઆઇ વિષ્ણુદાન ગઢવી ડીવાયએસપીપદેથી નિવૃત્ત થઇ પોતાના વતન બેચરાજીમાં ખેતીકામમાં જોડાઇ ગયા છે. પીઆઇ ડી.જી.વાઘેલા પણ ડીવાયએસપી તરીકે રિટાયર્ડ થયા બાદ પોતાના વતનમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ફ્રિજ ખોલ્યું ને બે બાળકનાં કપાયેલાં માથાં જોયાં: પાર્ટ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો આ પણ વાંચો અમદાવાદનો 16 વર્ષનો છોકરો, 60 કિમી દૂર લાશ મળી: પાર્ટ-1 બિલ્ડરનો દીકરો સમજી બીજાનું જ અપહરણ કરી લીધું: કારમાં લોહીની ગંધ આવી ને ભાંડો ફૂટ્યો, પાર્ટ-2 ઊંધા માથે પડેલી લાશ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ: રાતના અંધારામાં ખેલાયો ખૂની ખેલ: પાર્ટ-1 કાળુજીને ‘સોનાનો ખજાનો’ મળ્યો ને શરૂ થયો ખતરનાક પ્લાન: રાતના અંધારામાં ખેલાયો ખૂની ખેલ: પાર્ટ-2