અમદાવાદની સૌથી જૂની સરકારી હોસ્પિટલ એવી વાડીલાલ સારાભાઈ (VS) હોસ્પિટલને ફરીથી શરૂ કરવાને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે ટાઉનહોલ બહાર આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગુલાબના ફુલ અને પ્લેકાર્ડ સાથે GET WELL SOON તેમજ SAVE VS હોસ્પિટલના બેનર સાથે હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશીયાલીટીની સગવડ સાથે શરૂ કરવા માગ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલ રીનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી SVP હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલ રીનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રીનોવેશન કરાવવામાં આવ્યું નથી. રિનોવેશ કરી હોસ્પિટલ પુનઃ શરૂ કરવા માગ
90 વર્ષથી વધારે જૂની અને સરદાર વલ્લભભાઈ પટેલના નામે શરૂ કરવામાં આવેલી VS હોસ્પિટલને રિનોવેશન કરી ફરીથી શરૂ કરવાની માંગણી સાથે આજે AMCના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા એલિસબ્રિજ પાસે આવેલા ટાઉનહોલ બહાર મહોબ્બત કી દુકાનના નામે આંદોલન કર્યું હતું. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, એક સમયે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે જાણીતી અને સેવા માટે શરૂ કરવામાં આવેલી વીએસ હોસ્પિટલને ભાજપના ગરીબ વિરોધી નીતિના કારણે બંધ કરવામાં આવી છે. 1200 બેડની હોસ્પિટલમાંથી માત્ર 200 જેટલા બેડ અને કેટલાક વિભાગો જ ચાલુ રાખવામાં આવ્યા છે. બજેટની ફાળવણી બાદ પણ કામ ન થતુ ંહોવાનો આક્ષેપ
નવી SVP હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. જેને ભાજપ દ્વારા ખાનગી હોસ્પિટલ જેવી કરવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે બનાવેલી વીએસ હોસ્પિટલને બંધ કરવામાં આવી રહી છે. દર વર્ષે વીએસ હોસ્પિટલના રીનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં 720 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં પણ 281 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી રીનોવેશનના નામે એક પણ ઈંટ મૂકવામાં આવી નથી. જો વીએસ હોસ્પિટલ ફરી શરૂ થઈ જશે તો તેમણે બનાવેલી SVP હોસ્પિટલ જે ખાનગી બની રહી છે અને અન્ય હોસ્પિટલો પણ બંધ થઈ જશે. વીએસ હોસ્પિટલને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના શાસકો બીમાર છે જેના કારણે તેઓને GET WELL SOONના બેનરો સાથે આજે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મહોબ્બતની દુકાનના નામે હવે ગુજરાતમાં ગુલાબનું ફૂલ લઈને આંદોલન કરવામાં આવ્યું છે. આજે પણ ચાર લાખથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે. જેથી હવે વીએસ હોસ્પિટલ ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.