રાજકોટ મનપા કચેરી ખાતે આજે ઇતિહાસની સૌથી ઓછી માત્ર 9 દરખાસ્તો સાથેની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી હતી. આ બેઠક અગાઉ પૂર્વ મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈ લાંબી રજા ઉપર હતા. દરમિયાન તેમની બદલી થતા નવા કમિશ્નર તુષાર સુમેરાએ ચાર્જ સાંભળ્યાને 3 દિવસ થયા અને વિકાસ કામોની કોઈ દરખાસ્તો ન હોવાથી આજે માત્ર કર્મચારીઓને આરોગ્ય સહાય અને મેયર એવોર્ડ ચુકવણું જેવી 9 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જોકે આગામી 8-10 દિવસમાં વધુમાં વધુ વિકાસ કામોની દરખાસ્ત સાથે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવામાં આવનાર હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. આરોગ્ય સહાય અને એવોર્ડ ચુકવણુંની દરખાસ્તો આવી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ ગુજરાત મ્યુનિસિપલ પ્રીવેંશન એક્ટ મુજબ એક મહિનામાં એકવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી ફરજિયાત છે. અગાઉની બેઠકને એક મહિનો પૂર્ણ થયો હોવાથી આજે બેઠક યોજવામાં આવી હતી. આ પહેલા પૂર્વ કમિશ્નર દેસાઈ રજા ઉપર હતા અને ચાર્જ કલેક્ટર પાસે હતો. જ્યારે નવનિયુક્ત કમિશ્નરે પરમ દિવસે ચાર્જ લીધો છે. જેને લઈ વિકાસ કામોની ખાસ કોઈ દરખાસ્ત મળી નહોતી. ત્યારે આજની બેઠકમાં રૂ. 7.97 લાખનાં ખર્ચની 9 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. આગામી 8-10 દિવસમાં મોટી સંખ્યામાં વિકાસકામોની દરખાસ્તો સાથે વધુ એક બેઠક યોજવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી બેઠક ઔપચારીક બની રહી
આજની સ્ટેન્ડિંગ બેઠક અગાઉ પૂર્વ કમિશ્નર દેવાંગ દેસાઈ લાંબી રજા પર હોવાથી કોઇ દરખાસ્તો આવી ન હતી. ઇન્ચાર્જ રહેલા કલેક્ટરે માત્ર નવ જેટલી સામાન્ય દરખાસ્તો મોકલી હતી. જોકે પૂર્વ કમિશ્નર દેવાંગ દેસાઇ રજા પર હતા ત્યારે જ તેમની બદલી થઇ હતી. પણ નવા કમિશ્નર તુષાર સુમેરાએ હજુ સોમવારે જ ચાર્જ સંભાળ્યો હોવાથી વિકાસની કોઈ દરખાસ્તો આવી નહોતી. જેને કારણે આ બેઠક ઔપચારિક બની રહી હતી. જોકે નવા કમિશ્નર તુષાર સુમેરાએ પોતાનો ચાર્જ સંભાળ્યો હોવાથી હવે ફરી વિકાસકામો આગળ વધે તેવી શક્યતા છે. કમિશ્નર વિકાસ કામો અને બજેટની યોજનાઓ હાથ પર લેશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેંશન એકટ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમીટી બોલાવવી અનિવાર્ય હોય છે. જેને કારણે આજે આ બેઠક યોજાઇ હતી. જેમાં ફાયર બ્રિગેડ અને વોર્ડ કમીટીની કામગીરી, કર્મચારીઓને મેડીકલ સહાય, સેક્રેટરીની 12 દિવસની રજાની દરખાસ્ત સહિતની રૂ.7.97 લાખના ખર્ચની 9 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. હવે નવા કમિશ્નર વિકાસ કામો અને બજેટની યોજનાઓ હાથ પર લેશે. એટલે આગામી સ્ટેન્ડીંગથી રાબેતા મુજબની દરખાસ્તો શરૂ થશે.