back to top
Homeગુજરાતભાસ્કર એક્સક્લુઝિવ:યુવાનોમાં અચાનક મોતનું સત્ય શું? AIMS પાસે જવાબ નથી, ઓટોપ્સી રિપોર્ટ...

ભાસ્કર એક્સક્લુઝિવ:યુવાનોમાં અચાનક મોતનું સત્ય શું? AIMS પાસે જવાબ નથી, ઓટોપ્સી રિપોર્ટ માગ્યો તો એક જ રટણ : હજુ રિસર્ચ ચાલુ છે

રાજ્યસભામાં મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યુવાનોમાં અચાનક મોતનો સંબંધ કોરોના વેક્સિન સાથે નથી. આ જવાબ ICMRના એક સ્ટડીના હવાલાથી આપ્યો હતો, જે સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યો હતો. આ વાતને 15 મહિના થવા આવ્યા, પરંતુ સરકાર એટલું કહી શકી નથી કે, વેક્સિન કારણ નથી. તો પછી યુવાનોમાં અચાનક હાર્ટએટેક વધવાનું કારણ શું છે? જ્યારે આ રિપોર્ટ આવ્યો હતો ત્યારે એવું પણ કહેવાયું હતું કે, તેમાં એઇમ્સમાં કરાયેલું ઓટોપ્સી (પોસ્ટ મોર્ટમ) રિસર્ચ પણ સામેલ છે, પરંતુ એઇમ્સને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે, આ સ્ટડી હજુ ચાલી રહી છે. એઇમ્સે પહેલો જવાબ 9 ફેબ્રુઆરીએ આપ્યો હતો. ત્યાર બાદ ફરી આ રિસર્ચનું અપડેટ મગાયું તો 10 ઓક્ટોબરે સ્ટડી ચાલુ હોવાનો જ જવાબ મળ્યો હતો. મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે, જે યુવાનોના શરીરમાં શું થયું હતું તેનો કોઈ સાયન્ટિફિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી કશું કહી શકાય નહિ. આ તપાસ ઓટોપ્સી વગર થઈ શકતી નથી. ICMRની સ્ટડીમાં દેશભરની 47 હોસ્પિટલો (ગુજરાતની 3)માં 18થી 45 વર્ષના યુવાનોમાં અચાનક મોતના અધ્યયન વિશે જણાવાયું છે. આવા 777 કેસ હતા, પરંતુ તેનો નિષ્કર્ષ માત્ર વાતચીતને આધારે હતો. ભારતની વસતીની તુલનાએ આ સેમ્પલ સાઇઝ પણ ખૂબ જ નાની હતી. ખાસ વાત એ છે કે, ગુજરાતમાં કાર્ડિયાક એરેસ્ટ, ચેસ્ટ પેઇન કે બ્લડ પ્રેસરનો કોઈ સંયુક્ત રેકોર્ડ રખાતો નથી, પરંતુ 108ને જે રીતે કોલ મળી રહ્યા છે તે જોતાં આ ત્રણ ઇમર્જન્સીના કેસ વર્ષ 2022-23ની સરખામણીએ 2023-24માં 23 ટકા વધી ગયા છે. અચાનક હાર્ટ એટેક, અત્યાર સુધી કયા અભ્યાસ થયા?
આઈસીએમઆર : ઓક્ટોબર 2023- સંસ્થાનો અભ્યાસ આવ્યો જેમાં કોરોના વેક્સિનને ક્લિનચીટ આપવાની સાથે સિવિયર કોરોના ફેમિલી હિસ્ટ્રી અને વધુ પડતા દારૂના સેવનને હાર્ટએટેકનું કારણ ગણાવાયું.
અભ્યાસ પર સવાલ – આ અભ્યાસ વિશ્વાસપાત્ર નથી કારણ કે તે મૌખિક વાતચીત આધારિત હતો. એમાં એવી કોઈ માહિતી નથી જે એટેકના ચોક્કસ કારણ બતાવી શકે. એઈમ્સ દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુવાનોમાં અચાનક એટેકનું કારણ દર્શાવવા એઈમ્સ દિલ્હીમાં થયેલા ઓટોપ્સી રિપોર્ટને આધાર બનાવ્યો. પણ શું તારણ હતું તે ક્યાંય જોવા નથી મળ્યું.
અભ્યાસ સામે સવાલ?- બે વખત વિગત માગવા છતાં એઈમ્સ તરફથી એવો જવાબ આવ્યો હતો કે, હજુ અભ્યાસ ચાલી રહ્યો છે. પરિણામ નથી આવ્યા. શા માટે અભ્યાસ જરૂરી… છાતીમાં દુ:ખાવો, બીપી અને કાર્ડિયાક એરેસ્ટની ફરિયાદ સાથે આવતા દર્દીની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાથી પ્રભાવિત 2021-22ને બાદ કરીએ તો 2022-23માં 61076 કેસ આવ્યા, જે 2023-24માં વધીને 75390 થયા હતા. ગુજરાતમાં આવા કેસ કેમ વધી રહ્યા છે? અભ્યાસ એટલા માટે જરૂરી છે કે, આપણી આહાર શૈલીમાં પરિવર્તન આવ્યું છે. કોરોના પછી હેલ્થ અવેરનેસ વધી પણ સાથે માનસિક તણાવનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. એક્સપર્ટ ઓપિનિયન ઓટોપ્સી માટે જાગૃતિ જરૂરી છે
આપણે જોયું કે, 1980-90ના દશકમાં લોકો રક્તદાન માટે ભાગ્યે જ આગળ આવતા હતા. અત્યારની સ્થિતિ જોઈને લાગે છે કે, ઓટોપ્સી માટે પણ મોટી જાગૃતિ લાવવાની જરૂર છે. મૃત્યુ થાય તો કોઈને કોઈ કારણ જરૂર હોય છે. જો ઓટોપ્સી થાય તો પરિવારના સભ્યોને કોઈ રિસ્ક છેકે નહીં તેનો અંદાજ માંડી શકાય છે. – પદ્મભૂષણ ડો. તેજસ પટેલ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ યુવાનોનું બીપી પણ ચેક કરો
અમે એવી પ્રણાલી શરૂ કરી છે કે, કોઈ યુવક અન્ય બીમારીની ફરિયાદ સાથે આવે તો સૌથી પહેલા તેનું બીપી ચેક કરીએ છીએ. આનાથી એલર્ટ મળી જાય છે કે, કોઈ રિસ્ક ફેક્ટર છે કે નહીં, ખાસ કરીને અત્યારે માનસિકતાણનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. તે પણ હાર્ટએટેક માટે એક ટ્રિગર પોઈન્ટ હોઈ શકે છે. – ડો. પ્રવીણ ગર્ગ, એમડી ફિઝિશિયન જેટલો વહેલો સ્ટડી થાય તેટલું સારું
ઓટોપ્સી રિપોર્ટ જ કહી શકે કે કોરોનરી આર્ટરીમાં બ્લોક જ હતું કે, અન્ય કોઈ તકલીફ હતી. આ ઉપરાંત બાયોકેમિકલ પેરામીટર, વિટામિન બી-12, લિપિડ પ્રોફાઈલ પણ કહી શકે છે કે, રિસ્ક ફેક્ટર શું હતું. આવા અભ્યાસ વર્ષો સુધી ચાલે છે માટે તરત શરૂ કરવા જોઈએ. – ડો. સાકેત ગોયલ, કાર્ડિયોલોજિસ્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments