એક કલ્પના કરશો? આપણા પર બસ્સો વર્ષ સુધી રાજ કરનારા યુનાઈટેડ કિંગડમ (ઇંગ્લેન્ડ)ની રાષ્ટ્રીય ડીશ કઈ હશે? કલ્પનાના ઘોડાને સાવ છૂટા મૂકીને વિચારીએ તો પણ ધારણા નહી બાંધી શકીએ. જવાબ જાણીને આશ્ચર્ય થશે તેની ગેરંટી. શાકાહારીઓ કે ગુજરાતીઓનું નાકનું ટેરવું ચડી શકે પણ હકીકત એ છે કે ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ડીશ ભારતીય કૂળની ચિકન ટિક્કા મસાલા છે! જી હા, આપણે વિશ્વમાં ફક્ત ગાંધીજી અને એમના વિચારોની જ નિકાસ નથી કરી પણ આપણી ખાણીપીણીને પણ ભારત બહાર લોકપ્રિય બનાવી છે! ભારતીય રેસ્ટોરન્ટ્સ બહાર લોકોની લાઇન હોય છે
હમણાં થોડા દિવસ પહેલા આપણે કેલિફોર્નિયાના શહેર સાન ફ્રાન્સિસ્કો અને ત્યાંના કલ્ચર વિશે વાત કરી. એ સાન ફ્રાન્સિસ્કો શહેર વિશ્વ વિખ્યાત સિલિકોન વેલીનો ભાગ છે અને અમેરિકાની સંસ્કૃતિનું પણ પ્રતિનિધિત્વ કરે છે. એ સિલિકોન વેલીમાં કયા દેશ અને પ્રાંતની રેસ્ટોરન્ટ બહાર સૌથી વધુ લોકો અને એમાં પણ ખાસ કરીને સ્થાનિક અમેરિકન્સ ઉપરાંત ચાઇનીઝ અને બીજા દેશોના લોકોની લાઇન જોવા મળતી હશે? ભારતીય રેસ્ટોરન્ટ્સ! સમોસા અને વડાપાંવ લોકોના ફેવરિટ
આપણાં ગુજરાતીઓને બારે મહિના ઊંધિયું પુરી અને શ્રીખંડની લહેર કરાવનાર રેસ્ટોરન્ટ ‘કોકિલા’સ કિચન’ થી લઇને વિવિધ પ્રાંતની થાળીનો પરિચય સિલિકોનવાસીઓને કરાવનારા’દીદી’સ કિચન’ હોય કે અન્ય કોઈ પ્રતિષ્ઠિત ભારતીય રેસ્ટોરાં, એ બધાની વાત જરા માંડીને કરીએ એટલે ખ્યાલ આવે કે આપણે ભારતીયો ફક્ત સિલિકોન વેલીની કંપનીઝ પર જ રાજ નથી કરતા પણ સમોસા અને વડપાંવ દ્વારા લોકોના પેટ પર પણ રાજ કરીએ છીએ. અહીંના ફ્રીમોન્ટ શહેરની રેસ્ટોરન્ટ ‘ક્રિશ્ના’ ની લીલવાની કચોરી અને ‘દુલ્હન’ ના રસોડાના દાળ વડા અને દહીં વડા આપણા ગુજરાતીઓને ગુજરાત ‘મિસ’ નથી થવા દેતા. અને હા, સાથે બાજરાના રોટલા, રીંગણનો ઓળો અને મસાલેદાર છાશ તો ખરી જ! ટેક કંપનીઝમાં સાઉથ ઇન્ડિયન ફૂડની બોલબાલા
તો ગૂગલ અને માઈક્રોસોફ્ટ અને અન્ય ટેક કંપનીઝમાં જેની બોલબાલા છે એવા આપણા દક્ષિણ ભારતીય મિત્રોને પણ ‘સ્વર્ણ ભવન’, ‘કોમલા વીલા’, ‘માયલાપોર’ અને ગરમા ગરમ ઈડલી અને સંભાર પીરસતી ‘ઈડલી એક્સપ્રેસ’ દક્ષિણ ભારતીય ખાણાંનો સ્વાદ ક્યાં ભૂલવા જ દે છે! ઉત્તર ભારતીય વાનગીઓ પિરસતી રેસ્ટોરાંની ભરમાર
અને ભારતીય સ્વાદની વાત કરવી હોય તો એ, ઉત્તર ભારતીય વ્યંજનની વાત વગર અધૂરી જ રહે! મક્કે દી રોટી, સરસોં દા સાગ, ગોલગપ્પા, શાહી પનીર, મટર પનીર, પાલક પનીર, અમૃતસરી કુલચા, છોલે અને લસ્સી પીરસતી રેસ્ટોરન્ટ્સ જેવી કે, ચાટ ભવન, ચાટ કેફે, મંત્ર, ચાટ પેરેડાઇઝ, અંબર જેવી રેસ્ટોરાંની ભરમાર છે. વિદેશની ધરતી પર આવેલી આ ભારતીય રેસ્ટોરાં આપણી સંસ્કૃતિનો એક ભાગ એવા ખાનપાનનું સંવર્ધન કરે છે. અને હા, રાજસ્થાની દાળબાટી, ગટ્ટાનું શાક, મિર્ચી પકોડા જમવા માટે રાજસ્થાન સુધી ક્યાં લાબું થવું પડે છે? અહીંની ‘ગરમ મિર્ચી’ અને ‘બિકાનેર હાઉસ’ છે જ ને! વડાપાંવ અને ઢોસા માટે લોકોની પડાપડી
ગૂગલ, મેટા જેવી મોટી ટેક કંપનીઝ કે જ્યાંની કેફેટેરિયામાં અલગ અલગ દેશના વ્યંજનો મળે છે અને એ પણ કોમ્પ્લિમેન્ટરી; ત્યાં પણ, બાકાયદા વડાપાંવ સ્ટેશન અને ઢોસા સ્ટેશન હોય છે અને એના માટે પડાપડી થતી હોય છે! વિદેશમાં મિની ભારત ઊભું કર્યું
ફરવા જાય ત્યારે રોમમાં કેરીનો રસ અને પેરિસમાં પાત્રાનું જમણ માંગતા આપણા ગુજરાતીઓ અને ભારતીયો અમેરિકામાં પણ ભૂખ્યા અને તરસ્યા નથી. એમણે એમનો બંદોબસ્ત કરી જ લીધો છે. અહીં મિની ભારત ઊભું કરી ને…!! ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એ વાત જાણે જૂની અને જાણીતી છે પણ, એ આપણાં દેશે આજે ખાણીપીણીની વિવિધતા વિશ્વને આપીને અલગ રસનો પરિચય કરાવ્યો છે.