ભારતને વર્ષ 2030 સુધીમાં $7 ટ્રિલિયનના અર્થતંત્રનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ.2.2 લાખ કરોડના રોકાણની જરૂર પડશે અને સાથે જ આ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે આમૂલ પગલાં લેવાની જરૂરિયાત પર પણ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષ 2030 સુધીમાં $7 ટ્રિલિયનના અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરવા માટે, ભારતીય અર્થતંત્રએ વર્ષ 2024-2030 વચ્ચે 10.1%ના CAGR દરે વૃદ્ધિ નોંધાવવી જરૂરી છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના સીએમડી શિશિર બાયજલે જણાવ્યું હતું કે, માળખાકીય વિકાસ માટે મજબૂત પ્રોત્સાહન અને સરકાર દ્વારા બજેટમાં વધુ રકમની ફાળવણીથી દેશનું લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં રેન્કિંગ વર્ષ 2014ના 54 થી સુધરીને વર્ષ 2023માં 38 નોંધાયું છે. છેલ્લા કેટલાક વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે સરકાર સતત પ્રયાસરત છે. જો કે કેટલાક પડકારો તેને રોકી રહ્યા છે. તેથી જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે તેમજ દેશમાં સમાવેશી અને લાંબા ગાળાનાી ટકાઉ આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આમૂલ પગલાં લેવા જરૂરી હોવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ પરની વધુ નિર્ભરતા રાજકોષીય ખાધના લક્ષ્યાંક પર પ્રતિકૂળ અસર કરી શકે છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ખાનગી ભાગીદારી વર્ષ 2009-13ના $160 અબજ (કુલ રોકાણના 46.4%)થી ઘટીને વર્ષ 2019-23 દરમિયાન $39.2 અબજ (7.2%) નોંધાઇ છે. જેને કારણે મુખ્યત્વે સરકાર દ્વારા વધુ રોકાણની ફરજ પડવાને કારણે રાજકોષીય ખાધનું અંતર પણ વધ્યું હતું. 2025માં રાજકોષીય ખાધને 4.5%થી નીચે લાવવાનું લક્ષ્યાંક
સરકાર વર્ષ 2025 સુધીમાં રાજકોષીય ખાધને 4.5%થી નીચલા સ્તરે લાવવાનું લક્ષ્યાંક ધરાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાથી રાજકોષીય ખાધના લક્ષ્યાંકને સંતુલિત કરવામાં મદદ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ભાગીદારી વધારીને, સરકાર જાહેર આરોગ્યસંભાળ, દેવાની ચૂકવણી વગેરે જેવા આર્થિક વૃદ્ધિદરના મુખ્ય સેગમેન્ટમાં ખર્ચ વધારી શકે છે.