શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે જ પાંચ માળના ગેરકાયદેસર બાંધકામમાં બે માળને આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સલમાન એવન્યુ બિલ્ડીંગના ચાર માળમાં લોકો રહે છે જ્યારે એક માળ હાલ ખાલી છે. ત્યારે AIMIMના બે કોર્પોરેટરો દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરી અને આ બાંધકામને રોકવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે SP, 2 PI અને 100થી વધુ પોલીસ જવાનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ ડિમોલિશન કાર્ય ચાલી રહ્યું છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો
AIMIMના બે કોર્પોરેટરો દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરી અને આ બાંધકામને રોકવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ ઉપર હાજર છે અને તેઓ દ્વારા આ દબાણ હાલ પૂરતું રોકવામાં આવશે નહીં, આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે તેઓએ કહ્યું હતું. કોર્ટમાં કોઈ હજી સુધી નિર્ણય આવ્યો નથી તેથી હાલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ઘેરીને બાંધકામ રોકવાની માગ કરવામાં આવી રહી છે. 100થી વધારે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે
પુરાતત્વ વિભાગની ખોટી NOC મેળવીને છ વર્ષ પહેલા સલમાન એવન્યુ બિલ્ડીંગના બે માળ ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. છ વખત બિલ્ડીંગને ગેરકાયદેસર બાંધકામ બાબતે સીલ કરી હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા આજે સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 100થી વધારે પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક મહિલાની તબિયત ખરાબ થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખોટી NOC માટે કેસ દાખલ કરાયો હતો
આજે સવારથી જ સલમાન એવન્યુ નામની બિલ્ડીંગમાં ગેરકાયદે બનાવેલા પાંચમા અને છઠ્ઠા માળને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવાની સાથે જ જમાલપુર વોર્ડના AIMIMના કોર્પોરેટર મુસ્તાક ખાદી વાલા અને જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગેરકાયદેસર બાંધકામને આજે સવારથી ડિમોલેશનની શરૂઆત કરતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં ડિમોલિશનની પ્રક્રિયા રોકવા માટે અરજી કરવામાં આવી હતી અને તાત્કાલિક હિયરિંગની માગ કરી છે. આ બિલ્ડિંગના પહેલા ત્રણ માળમાં સ્થાનિક લોકો રહે છે. બિલ્ડર મોઈન ખાન દ્વારા 18 માળની બિલ્ડીંગ બનાવવાની પરમિશન લેવામાં આવી હતી. જે બાદ 22 માળની રિવાઇઝ પરમિશન લેવામાં ખોટી NOC હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે કેસ દાખલ થયો હતો. ખોટી NOC બદલ બિલ્ડીંગના એન્જિનિયરનું લાસસન્સ રદ કરાયું હતું
દાણાપીઠ વિસ્તારમાં આવેલા સલામન એવન્યુ 2015માં 9.21 મીટરની ઉંચાઇની મંજૂરી મળી હતી. જે બાદ 2017માં 20.57 મીટરની ઉંચાઇને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ 29મી જુન 2018ના રોજ તથા 14મી ઓગષ્ટ 2018ના રોજ પુરાતત્વ વિભાગના NOCની સ્પષ્ટતાં મંગાવતાં નવી દિલ્હી ખાતેથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. 2જી જાન્યુઆરી 2017ના રોજ જે NOCનો પત્ર રજૂ કરાયો છે તે બોગસ છે. જે તે સમયના બિલ્ડીંગના એન્જિનિયર કેતન વડોદરીયાનું લાયસન્સ તે સમયે તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 30 યુનિટ પૈકી 22 યુનીટને સીલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, માત્ર તે સમયે આ બિલ્ડીંગના 22 યુનિટ સીલ કર્યા બાદ તંત્ર દ્વારા તેમની કામગીરી પૂર્ણ થયાનો સંતોષ માન્યો હતો. કલાકનો AMC પાસે સમય માંગ્યો
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારમાં સલમાન એવન્યુ નામની બિલ્ડીંગના બે માળ જે ગેરકાયદેસર છે તેને આજે સવારથી તોડવા માટે એસ્ટેટ વિભાગની ટીમ આવી છે, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. ત્યારે એક જ જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવી છે અને એક કલાકનો સમય મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માંગવામાં આવ્યો છે. સ્થાનિક રહીશો અને અમારી માગ છે કે, એક કલાક સુધી કોર્ટમાં હીયરીંગ થઈ અને નિર્ણય ન આવે ત્યાં સુધી બાંધકામને રોકવામાં આવે. એક જગ્યાએ કાયદેસર બાંધકામો થયા છે, પરંતુ કેટલીક જગ્યાને ટાર્ગેટ કરીને બાંધકામ કરવામાં આવતું હોય છે જેના કારણે તંગદીલી પણ ઊભી થઈ શકે છે. કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી હાલ પૂરતું બાંધકામને રોકવા માટે માગ કરવામાં આવી છે