વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામેની 3 મેચની વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. ગુરુવારે રાત્રે રમાયેલી ત્રીજી વન-ડેમાં કેરેબિયન ટીમે 4 વિકેટે જીત મેળવી હતી. બેસેટેરે, સેન્ટ કિટ્સમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 5 વિકેટે 321 રન બનાવ્યા હતા. કેરેબિયન બેટર્સે 45.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 322 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. અમીર જંગુએ 104 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 83 બોલની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો શેરફેન રધરફોર્ડ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. બાંગ્લાદેશની ખરાબ શરૂઆત, 9 રનમાં બે વિકેટ ગુમાવી
ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 9 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર તન્ઝીદ હસન અને લિટન દાસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અલ્ઝારી જોસેફે ઇનિંગની ત્રીજી ઓવરમાં બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સૌમ્ય સરકાર અને મેહદી હસને બાજી સંભાળી, 136 રનની ભાગીદારી કરી
9 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર સૌમ્ય સરકારે મેહદી હસન મિરાજ સાથે મળીને બાંગ્લાદેશી ઇનિંગ્સની કમાન સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 127 બોલમાં 136 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ગુડાકેશ મોતીએ તોડી હતી. તેણે 73 રનના સ્કોર પર સૌમ્ય સરકારને LBW આઉટ કર્યો હતો. સૌમ્ય સરકારના આઉટ થયા બાદ કેપ્ટન મેહદી હસન મિરાજ 73 બોલમાં 77 રન બનાવીને રનઆઉટ થયો હતો. ત્યારપછી શેરફેન રધરફોર્ડે અફીફ હુસૈનને બ્રેન્ડન કિંગના હાથે કેચ કરાવ્યો હતો. મહમુદુલ્લાહ અને ઝાકીરની ફિફ્ટી
171ના સ્કોર પર 5 વિકેટ ગુમાવ્યા બાદ મિડલ ઓર્ડરમાં મહમુદુલ્લાહ અને ઝાકિર અલીએ બાંગ્લાદેશનો સ્કોર 321 સુધી પહોંચાડ્યો હતો. બંને વચ્ચે 150 રનની અણનમ ભાગીદારી થઈ હતી. મહમુદુલ્લાહે 63 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા જ્યારે ઝાકિર અલીએ 57 બોલમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત, 31ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી
322 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે 31 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર બ્રેન્ડન કિંગ 15 રનના સ્કોર પર રનઆઉટ થયો હતો જ્યારે એલેક એથેનાઝ (7 રન) નસુમ અહેમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કેપ્ટન શાઈ હોપને હસન મહેમૂદે સૌમ્ય સરકારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેસી કર્ટીની અડધી સદી, રધરફોર્ડ સાથે 55 રનની ભાગીદારી
31ના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ કેસી કર્ટીએ શેરફેન રધરફોર્ટ સાથે મળીને કેરેબિયન ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 57 બોલમાં 55 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને તસ્કીન અહેમદે તન્ઝીદ હસનના હાથે રધરફોર્ડને આઉટ કરીને તોડી હતી. અમીર જંગુની સદી, ગુડાકેશ મોતી અણનમ પરત ફર્યો
81 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ કેસી કર્ટી અને અમીર જંગુએ સદીની ભાગીદારી કરીને ટીમને જિતાડી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 115 બોલમાં 132 રનની ભાગીદારી કરી હતી. અહીં કેસી કર્ટી 95 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેને રાશિદ હુસૈને આઉટ કર્યો હતો. અહીંથી અમીર જંગુએ ગુડાકેશ મોતી સાથે છઠ્ઠી વિકેટ માટે 53 બોલમાં અણનમ 91 રનની ભાગીદારી કરી અને ટીમને જીત અપાવી હતી.