બાંગ્લાદેશના હિંદુઓની સુરક્ષાને લઈને લોકસભામાં ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ત્યાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘણી ઘટનાઓ બની છે. અમે આ ઘટનાઓ પર પણ ધ્યાન આપ્યું છે. તાજેતરમાં જ અમારા વિદેશ સચિવ ઢાકાની મુલાકાત લીધી હતી. ત્યાં બેઠક દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. અમને આશા છે કે બાંગ્લાદેશ લઘુમતીઓના રક્ષણ માટે પૂરતા પગલાં લેશે. હકીકતમાં, લોકસભામાં કાર્યવાહી દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને વિદેશ નીતિ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય મ્યાનમારના મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર મ્યાનમાર સાથે બનેલી ઓપન રેજીમ પોલિસીની સમીક્ષા કરી રહી છે. આ નીતિ હેઠળ લોકોને સરહદ પાર કરવાની છૂટ છે. જો કે ભારતે હાલમાં તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે હસીનાના નિવેદનોથી પોતાને દૂર રાખ્યા હતા
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બુધવારે સંસદીય સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે, ભારત બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરતા શેખ હસીનાના નિવેદનોનું સમર્થન કરતું નથી. હસીનાના આ નિવેદનો બંને દેશોના સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે. વિદેશ સચિવે કહ્યું કે, બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો કોઈ એક પક્ષ પૂરતા મર્યાદિત નથી. આ બંને દેશોના નાગરિકો પર આધારિત છે. મિસરીએ કહ્યું કે, હસીના પોતાનું નિવેદન આપવા માટે વ્યક્તિગત ઉપકરણનો ઉપયોગ કરી રહી હતી. ભારતે તેને કોઈ ઉપકરણ આપ્યું નથી. ભારત સરકાર હસીનાને એવી કોઈ સુવિધા આપી રહી નથી, જેના દ્વારા તે રાજકીય ગતિવિધિઓ કરી શકે. બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન
યુએસ વ્હાઇટ હાઉસના સલાહકાર જોન કિર્બીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડન બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમજ વચગાળાની સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કિર્બીએ કહ્યું કે, હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં સુરક્ષાની સ્થિતિ કથળી છે. આનો સામનો કરવા માટે અમે બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓને મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છીએ.