કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ આબુમાં આજે સતત ચોથા દિવસે તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુશિખર પર પણ બરફ જામી ગયો છે. ફરવા ગયેલ સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે. તાપમાનનો પારો ગગડતાં બરફ જામી ગયો
ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે. તાપમાનનો પારો ગગડતાં મેદાની વિસ્તારો, ઘરો-હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટૂ-વ્હીલર પર અને રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયો છે. આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે. ટૂરિસ્ટોએ મનાલી જેવો અનુભવ કર્યો
હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર-મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસકીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ છે. ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.