back to top
Homeગુજરાતઘરે જવાની લાયમાં 'ભૂલકાં ભુલાયાં':ખેડાના નવાગામમાં વિદ્યાર્થિનીઓ શાળામાં હતી અને શિક્ષકોએ ગેટને...

ઘરે જવાની લાયમાં ‘ભૂલકાં ભુલાયાં’:ખેડાના નવાગામમાં વિદ્યાર્થિનીઓ શાળામાં હતી અને શિક્ષકોએ ગેટને તાળું મારી દીધું, વાલીઓમાં રોષ

ખેડા તાલુકાના નવાગામ ખાતે આવેલી પ્રાથમિક કન્યા શાળામાં ગત 10મી ડિસેમ્બરે શિક્ષિકાઓની​​​​​ બેદરકારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓ શાળાના વર્ગખંડમાં બેસી રહી હતી અને શિક્ષિકાઓ ઘરે જવાની ઉતાવળમાં જોયા વગર જ વિદ્યાર્થિનીઓને શાળામાં મૂકી ગેટને તાળું મારી જતા રહ્યા હતા. બાદમાં બૂમાબૂમ થતાં ગણતરીની મિનિટોમાં જ આ બાળકોને શાળાનું તાળું ખોલી બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ગંભીર બેદરકારી મામલો ઉજાગર થતાં વાલી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકો શાળામાં તપાસ કર્યા વગર જ તાળું મારીને નીકળી ગયા
ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ખેડા તાલુકાના નવાગામ ખાતે પ્રાથમિક કન્યા શાળા આવેલી છે. આ શાળામાં ધોરણ 1થી 8ના વર્ગો આવેલા છે, જેમાં કુલ 5 શિક્ષિકા ફરજ બજાવે છે. ગત 10મી ડિસેમ્બરના રોજ આ 5 શિક્ષિકા પૈકી શાળાનાં આચાર્ય ઓડિટમાં ગયાં હતા, જ્યારે બીજાં બે શિક્ષિકા તાલીમમાં ગયાં હતાં તેમજ અન્ય બે શિક્ષિકા શાળામાં હાજર હતાં. શાળાના નિત્યક્રમ પ્રમાણે ચાલતી હતી. ધોરણ 7નો વર્ગ બીજા માળે બેસાડવામાં આવે છે‌, જેમાં 17 વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. 10મી ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યા બાદ શાળા બંધ થઈ હતી. જોકે શાળાની શિક્ષિકાઓ તમામ વિદ્યાર્થિનીઓ શાળામાંથી બહાર નીકળી કે નથી નીકળી એ તપાસ્યા વગર શાળાના ગેટને તાળું મારી જતાં રહ્યાં હતાં. વિદ્યાર્થિનીઓએ બૂમાબૂમ કરતાં ટોળુ ભેગું થયું
ધોરણ સાતની બાર વર્ષની કિશોરીઓ 5:00 વાગ્યા બાદ પણ હજી શાળા કેમ છૂટી નથી એ જોવા વર્ગમાંથી બહાર આવીને નીચે આવી તો શાળાને તાળું મારેલું હતું, જે જોઈ વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી. બાદમાં બૂમાબૂમ કરી મૂકતાં આજુબાજુના લોકો આવી ગયા અને મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. એ બાદ ગણતરીના સમયમાં જ ચાવી મગાવીને ગેટનું તાળું ખોલી વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવી હતી. આવી ગંભીર પ્રકારની ભૂલના કારણે વાલીઓના જીવ પણ અધ્ધર થયા હતા. શિક્ષિકાઓની ઘરે જવાની ઉતાવળ કે અન્ય કોઈ કારણ એ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમે નીચે આવ્યા તો ગેટ પર તાળું હતું: વિદ્યાર્થિની
શાળાની ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે વર્ગખંડમાં અમે દાખલા ગણતા હતા. ઠંડીના કારણે આ વર્ગખડનો દરવાજો સામાન્ય આડો કરેલો હતો. અમારા શિક્ષકે નીચેથી એક અન્ય વિદ્યાર્થિનીને જોવા મોકલી હતી, પરંતુ દરવાજો આડો હોવાથી માલૂમ ન પડ્યું, એ બાદ આ દિવસે રાષ્ટ્રગીત પણ નહોતું ગવાયુ, જેથી અમને ખબર ન પડી અને સમય ઘણો થતાં અમે નીચે આવ્યા તો ગેટ પર તાળું હતું. એ બાદ અમે બાજુના કાકાને બોલાવી તાળું ચાવીથી ખોલાવ્યું હતું. ફરજ પર હાજર બે શિક્ષિકાની બેજવાબદારી: આચાર્ય ભગીરથીબેન પ્રજાપતિ
આ સમગ્ર મામલે શાળાનાં આચાર્ય ભગીરથીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગત 10મી ડિસેમ્બરના રોજ બે શિક્ષિકાએ શાળાનું સંચાલન કર્યું હતું. ઉપરના માળે 6-7-8ના વર્ગો આવેલા છે. શાળા છૂટવાના સમયે ઠંડીના કારણે ધોરણ 7ની વિદ્યાર્થિનીઓ લેસન કરતી હતી, એક વિદ્યાર્થિની અન્ય વિદ્યાર્થિનીઓને લેસન કરાવતી હતી. હાજર શિક્ષિકાઓએ તપાસ કર્યા વગર જ શાળાના ગેટને તાળું મારી દીધું હતું. એ દિવસે રાષ્ટ્રગીતનું ગાન પણ નહોતું કરાયું તેમજ ઈલેક્ટ્રિક બેલ પણ બે શિક્ષિકા હોવાથી ચાલુ કરવામાં આવ્યો નહોતો. ફરજ પર હાજર બે શિક્ષિકા હતાં, તેમની બેજવાબદારી છે. અમે તેમને કડક સૂચના આપી છે અને લેખિતમાં ખુલાસા લેવાયા છે અને ઉપલી કચેરીએ પણ જાણ કરી છે. જવાબદાર સામે પગલાં ભરાશે: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
આ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ વાઘેલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતુ કે આ અંગેની માહિતી અમને મળી છે, જેથી તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રકરણની તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે તેમજ તેમની પાસે રિપોર્ટ મગાવાયો છે, જે આવતાં જ કસૂરવાર શિક્ષકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments