રાજકોટ શહેરમાં 17 બોગસ દસ્તાવેજો બનાવવાનું કારસ્તાન બુધવારે પ્રકાશમાં આવ્યા બાદ તેમાં કૌભાંડી ત્રિપુટીનું નામ ખુલ્યું હતું. આ કૌભાંડી ત્રિપુટીઓએ પોતાનું કારસ્તાન છતું ન થાય તે માટે રાજકોટ શહેર આસપાસની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બનાવવા 52 વર્ષ જૂના મિલકતોના માલિકોને શિકાર બનાવ્યા હતા. કૌભાંડીઓએ રૈયા સર્વે નંબરમાં આવેલી 3663.70 ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.15 કરોડ થાય છે તેના 9 જેટલા દસ્તાવેજો બનાવી લીધા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.66ની રૂ.335 કરોડની કિંમતની 22 એકર 17 ગુંઠા ખેતીની જમીન, મવડીની રૂ.120 કરોડની અંદાજિત કિંમતની 8 એકર 10 ગુંઠા ખેતીની જમીન, માંડા ડુંગરની રૂ.21 કરોડની 3 એકર 15 ગુંઠા ખેતીની જમીન, રૈયાની રૂ.65 કરોડની 4 એકર 15 ગુંઠા ખેતીની જમીનના પણ આરોપીઓએ બોગસ દસ્તાવેજો બના્વ્યા હતા. તેમજ રાજકોટ શહેરમાં આવેલી બે કિંમતી મિલકત કે જેની કિંમત અંદાજે રૂ.4 કરોડ થાય છે તેવા બે મકાનોના દસ્તાવેજો પણ બનાવી નાખ્યા હતા. કૌભાંડી ત્રિપુટીએ મોટાભાગે રાજકોટ શહેરની બહાર રહેતા લોકોની કરોડો રૂપિયાની મિલકતના બોગસ દસ્તાવેજો બનાવ્યાની શંકા સેવાઇ રહી છે. આમ કૌભાંડી ત્રિપુટીએ રૂ.560 કરોડથી વધુ મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી નાખ્યાની હકીકત પ્રકાશમાં આવી છે. મહિને 11 હજાર રૂપિયાનો પગાર લેતા રોજમદારના હાથમાં અબજોની મિલકતના દસ્તાવેજો અસુરક્ષિત આઉટ સોર્સિંગથી સરકારી કામ આપવું કેટલું જોખમી અને ખતરનાક છે તેની વિગતો પણ હવે સ્પષ્ટ થઇ ગઇ છે. સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં અગાઉ કામ કરતો હર્ષ સોની અને જયદીપ ઝાલા માત્ર 11 હજાર રૂપિયામાં નોકરી કરતા હતા અને તેઓની પાસે વિશાળ સત્તા હતી. એટલે કે તેઓ 40-50 વર્ષ જૂના દસ્તાવેજો પણ જોઇ શકતા હતા, ગમે ત્યાંથી લઇ આવતા હતા, ગમે તે દસ્તાવેજનું સ્કેનિંગ કરી નાખતા હતા, ગમે તે વ્યક્તિના નામની એન્ટ્રી કરાવી નાખતા હતા, કરોડો રૂપિયાનો દસ્તાવેજ સ્કેન કરી તેમાં ગમે તેના નામ ચડાવી દઇ તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. આ બધું આ બન્ને લોકો માત્ર પોતાના માટે કરતા ન હતા. પરંતુ તેની પાછળ આખી એક ગેંગ કામ કરતી હતી અને આ ગેંગના પાગિયા તરીકે મામૂલી રકમ મેળવીને ગમે તેની લાખો-કરોડો રૂપિયાની મિલકતની ઘડીના છઠ્ઠા ભાગમાં કોડીની કરી નાખતા હતા ત્યારે આ મુદ્દો અતિ ગંભીર એટલા માટે છે કે આઉટ સોર્સિંગના કર્મચારીઓને આવી ગંભીર જવાબદારી સોંપી શકાય? આ માટે રાજકોટના કલેક્ટરે અને ઉચ્ચ અધિકારીઓએ વિચારવું જોઇએ. અહીંયા ભૂલ કરાઇ ને કારસ્તાન બહાર આવ્યું સરોજબેન રુદ્રદત્તભાઇ રાવલનો રૈયા સર્વે નં.277/1માં 42 નંબરનો 344.45 ચોરસ મીટરનો 1970ની સાલથી પ્લોટ આવેલો હતો. આ પ્લોટના દસ્તાવેજમાં ચેડાં કરવામાં આવ્યા પરંતુ ચેડાં કરનારે એક ભૂલ કરી. દસ્તાવેજના તમામ કાગળો સ્કેન કરીને યથાવત રાખવામાં આવ્યા, મુખ્ય પેજ કે જે રૂ.100ના સ્ટેમ્પ પેપર પર લખવાનું હોય તેમાં સરોજબેનને વેચનાર તરીકે જ્યારે મનહરલાલ નૌતમલાલ કોટેચાને ખરીદનાર તરીકે બતાવ્યા. પણ છેલ્લા પાનામાં જે સહીઓ કરવાની હોય તે કરવાનું ભૂલી ગયો અને આ ભૂલના કારણે આખું કારસ્તાન બહાર આવ્યું ત્યારબાદ તપાસ થઇ તે પછી એકમાત્ર દસ્તાવેજ નહીં પરંતુ 17માં ચેડાં થયાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. નકલી દસ્તાવેજમાં જમીન વેચનાર અને ખરીદનારને પોલીસનું તેડું જમીનના મૂળ દસ્તાવેજમાં ચેડાં કરી નકલી દસ્તાવેજ બનાવવાના મામલામાં ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, તપાસ ચલાવી રહેલા પીઆઇ પીયૂષ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં 17 દસ્તાવેજ સાથે ચેડાં થયાનું દર્શાવાયું છે, આ તમામ દસ્તાવેજોમાં જેના નામ ઉમેરવામાં આવ્યા છે, જેના નામે જમીનની માલિકી બતાવવામાં આવી છે અને જેને જમીન વેચવામાં આવી છે તે તમામ લોકો શંકાના દાયરામાં છે અને આ તમામની આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં અાવશે. આ કૌભાંડનો સૂત્રધાર ગણાતો હર્ષ સાહોલિયા હાથ આવ્યા બાદ વધુ સનસનીખેજ હકીકત બહાર આવવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. જે 17 દસ્તાવેજમાં ચેડાં થયા તે જમીનની હાલની બજાર કિંમત રૂપિયા 560 કરોડ રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં એક અરજી થયા બાદ 17 દસ્તાવેજમાં ચેડાં થયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ દિવ્ય ભાસ્કરે કરેલી તપાસમાં આ આખું કારસ્તાન વર્ષ 2018થી 2024 દરમિયાન આચરવામાં આવ્યું હોય તેવી વિગતો સ્પષ્ટ થઇ છે. તપાસનીશ પોલીસ અધિકારીએ 1972 થી 1998 દરમિયાન થયેલા દસ્તાવેજોની ચકાસણી કરવાનું જાહેર કર્યું છે ત્યારે તપાસ પૂર્ણ થયે બે-પાંચ નહીં પરંતુ હજારોની સંખ્યામાં દસ્તાવેજમાં ચેડાં કરાયાનું બહાર આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. આ કૌભાંડની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે અને તેમાં જે વિગતો બહાર આવી છે તે પાશેરામાં પૂણી સમાન હોય તેવું પણ જણાઇ રહ્યું છે. સાથોસાથ રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સુરક્ષિત રીતે રખાયેલા લોકોની લાખો-કરોડોની કિંમતની મિલકતના દસ્તાવેજ પણ સુરક્ષિત નથી તે પણ સ્પષ્ટ થઇ ગયું છે. હવે પોલીસ કમિશનરે આ પ્રકરણમાં સીટની રચના કરી છે અને આ કાૈભાંડમાં ત્રણ જેટલી ગેંગ કાર્યરત હોવાનું પણ મનાય રહ્યું છે. ઉપરોક્ત કૌભાંડ છેલ્લા છ વર્ષના સમયગાળામાં થયું હોય તેવી સંભાવના એટલા માટે છે કે, મૂળ ફરિયાદી કૃષ્ણદત્ત રાવલે 2012 અને 2018માં તેમના માતાના નામે નોંધાયેલી રૈયા સર્વે નં.277/1ના પ્લોટ નં.42ની સ્થિતિ શું છે તેની ચકાસણી કરવા માટે ઓનલાઇન પ્રયાસ કર્યા હતા અને આ બન્ને વખત આ મિલકત તેમના માતાના નામે જ નમૂના નં.8 અને આખા સર્વે નંબર 277માં જેટલા દસ્તાવેજો થયા હતા તે તમામ મિલકત મૂળ માલિકના નામે જ હતી. આથી એટલું તો ચોક્કસ સ્પષ્ટ થાય છે કે, 2018થી 2024ના સમયગાળા દરમિયાન જ આ કૌભાંડ થયું હશે. આરોપીઓેએ રૈયાના 9 કિંમતી પ્લોટ ઉપરાંત મવડી, માંડાડુંગર, રાજકોટ શહેર અને રૈયાના ખેતીની જમીનના દસ્તાવેજો બનાવી લીધા