જૂનાગઢ શહેરમાં હાલ રોડ બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સર્કલોને શણગારવામાં આવ્યા છે તેમજ સરદારબાગથી લઈ મધુરમ રોડની બંને સાઇડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, વૃક્ષારોપણની આ કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જોકે, શહેરમાં ગટર પર નાખેલા બ્લોક કાઢી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેને લઇ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે શું રેતી અને ચૂનાના મિશ્રણમાં વૃક્ષો ઉગશે? અને કદાચ જો આ વૃક્ષો ઉગશે તો તેના મૂળિયા ગટર અને દીવાલોને નુકસાન નહીં પહોંચાડે? જૂનગઢ શહેરમાં વૃક્ષારોપણની કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 હજારથી વધુ વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે એક વૃક્ષ દીઠ જૂનાગઢ મહાનગરપાલિકા ત્રણ હજારથી વધુનો ખર્ચ વૃક્ષનું જતન કરવા માટે ચૂકવવામાં આવશે. જોકે, એક બાજુ બ્લોક કાઢીને માત્ર એક ફૂટનો ખાડો કરીને વૃક્ષો રોપાય છે. જ્યારે એની એકદમ બીજી બાજુ ત્રણ ફૂટનો ખાડો કરીને વૃક્ષો રોપાય છે. ત્યારે લોકોની બુમરાણ ઉઠતાં દિવ્ય ભાસ્કર ડીજીટલના રિપોર્ટર વનરાજ ચૌહાણે ગ્રાઉન્ડ પર જઇને રિયાલિટિ ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે આગળ વિગતવાર વાંચીએ… ટ્રસ્ટને કામ આપીને ‘પારકી’ બુદ્ધીનું પ્રદર્શન
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે કૃષિ યુનિવર્સિટીની દિવાલ નજીક આવેલી ગટર પર બનાવેલા વોક વે પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે ગટર પર બેઝ બાંધી રેતી ચૂનાનું વિતરણ કરી બ્લોગ નાખવામાં આવ્યા હતા તે બ્લોગ કાઢી સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બરોબર આ જગ્યાની સામે જે ખુલ્લી જગ્યા આવેલી છે ત્યાં ત્રણ ફૂટ ઊંડો ખાડો કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમજ દિલનાથ મંદિરની દિવાલ નજીક જ બ્લોગ કાઢી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેને લઇ જૂનાગઢ મહાનગરપાલિકાની અણઆવડત પર અને સદભાવના ટ્રસ્ટને કામ આપીને ‘પારકી’ બુદ્ધીનું પ્રદર્શન થતું હોવાનો ગણગણાટ જૂનાગઢની જનતામાં છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તો બીજી તરફ સદભાવના ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ શહેરમાં બે હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું જણાવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સદભાવના ટ્રસ્ટને એક વૃક્ષના જતન અને જાળવણી માટે ત્રણ વર્ષ માટે ત્રણ હજાર રૂપિયા ચૂકવવાના એમઓયુ કરવામાં આવ્યા છે. આ કઈ પ્રકારની ટેકનોલોજી? મગજમાં નથી ઉતરતી: કરસનભાઈ રાવલીયા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં દીપાંજલિમાં રહેતા કરસનભાઈ રાવલીયાએ જણાવ્યું હતું કે, અમે દરરોજ વોકિંગ કરવા અહીંથી નીકળીએ છીએ. ત્યારે હાલ જૂનાગઢના રોડ ડેવલોપિંગ નું કામ કરવામાં આવી રહી છે તે સરસ કામગીરી કરવામાં આવે છે અને વૃક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે તે પ્રશંશનીય કામગીરી છે, પરંતુ સ્વામી નારાયણ મંદિરની સામે ગટર પર વૃક્ષો વાવ્યા છે તે કઈ પ્રકારની ટેકનોલોજી છે તે મગજમાં ઉતરતી નથી. કારણ કે અહીં જે ગટર આવેલી છે તેના પર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. આ ગટર ઢાંકણા ટાઈપની છે ત્યારે જે જગ્યા પર બ્લોગ નાખવામાં આવ્યા છે તેના પર એક ફૂટ ખાડો કરી વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્યારે આ વૃક્ષનું અને ગટરનું ભવિષ્ય શું? એ નથી સમજાતું. જ્યારે ગટર પર રોકવે બનાવવામાં આવ્યો ત્યારે તેમાં રેતી અને ચૂનાનું મિશ્રણ કર્યા બાદ આ બ્લોગ નાખવામાં આવ્યા હતા. અત્યારે ચુના અને રેતીના મિશ્રણમાં વૃક્ષ કેવી રીતે ઉગશે? અને કદાચ વૃક્ષ ઊગી પણ જાય તો પણ જે નીચે ગટર આવેલી છે તેમાં વૃક્ષના મૂળિયા વધવાથી તેને પણ નુકસાન થશે. આવી અણઆવડતની કામગીરીથી છેલ્લે તો જનતાના પૈસાનો વેડફાટ જ થવાનો છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વિનંતી છે. આ ભ્રષ્ટાચાર છે કે મહાનગરપાલિકાની આવડત?: લોકેશ પોપટાણી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જાગૃત નાગરિક લોકેશ પોપટાણીએ જણાવ્યું હતું કે, હાલમાં જૂનાગઢના વિકાસ માટે બ્યુટીફિકેશનના નામ પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સામેની બાજુ પર ગટર પર વોક વે બનાવવામાં આવ્યો છે. જે ગટર પર બ્લોક પાથરવામાં આવ્યા છે અને હાલમાં તેના પર વૃક્ષો રોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગટર પર જે બ્લોગ બેસાડવામાં આવ્યા હોય તેના પર ચૂનો અને રેતીનું મિશ્રણ કરવામાં આવ્યું હોય છે. ત્યારે રેતી અને ચુનામાં વૃક્ષો કેવી રીતે ઉગી શકે? તેની સામે ની જગ્યા પર ત્રણ ફૂટ જેટલો ઊંડો ખાડો કરી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બિલનાથ મંદિર નજીક દિવાલની નજીક જ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તે આવનાર સમયમાં વૃક્ષના મૂળિયા આ દિવાલ નુકસાન પહોંચાડશે. ત્યારે આ ભ્રષ્ટાચાર છે કે જુનાગઢ મહાનગરપાલિકાની આવડત તે પણ પ્રશ્ન ઉભો થયો છે. આ વૃક્ષો કઈ રીતે ઉગશે? અને ઉગશે તો મૂળિયા ક્યાં જશે?: ભરત મારવાડી
જાગૃત નાગરિક ભરત મારવાડીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં રોડ રસ્તા અને રોશનીથી શહેરને શણગાર્યું છે તે મનપાની કામગીરી સરાનીય છે. પરંતુ મહાનગરપાલિકા હાલમાં જે ભ્રષ્ટાચારનું કામ કરી રહ્યું છે તે હંમેશા માટે ચર્ચાની બાબત રહી છે. હાલના સમયમાં મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું કામ શરૂ કર્યું છે જેમાં સ્વામી મંદિર ટીંબાવાડી રોડની સામે એક ગટર પર બ્લોગ પાથરવામાં આવ્યા છે જેમાં રેતી અને ચૂનાનું મિશ્રણ હોય છે તેના પર એક ફૂટ ખાડો કરી વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અત્યારે આ વૃક્ષો કઈ રીતે ઉગશે? અને ઉગશે તો મુળિયા ક્યાં જશે? આ જગ્યાની સામે જ જે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તેમાં ત્રણ ફૂટથી વધારાનો ઊંડો ખાડો કરી વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે અને ફરતી બાજુ આ વૃક્ષને પાણી પીવડાવવા માટે જગ્યા પણ કરવામાં આવી છે. તેની સામે ગટર પર આવેલા ફૂટ પારી પર માત્ર એક ફૂટ ખાડો કરીને વૃક્ષો વાવી મહાનગરપાલિકા પોતાની અણ આવડત છતી કરી રહી છે. પ્રજાના પૈસાનો વેડફાટ અને મસમોટો ભ્રષ્ટાચાર: ભરત મારવાડી
ભરત મારવાડી વધુમાં જણાવે છે કે, ઘણી જગ્યાએ બરોબર દિવાલની નજીક વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે સમય જતા આ ઝાડના મૂળિયા દિવાલને પણ નુકસાન પહોંચાડશે. જૂનાગઢ મહાનગરપાલિકા એક વૃક્ષ દીઠ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ બતાવી રહી છે અને જૂનાગઢમાં પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું પણ કહી રહી છે. ત્યારે પાંચ હજાર વૃક્ષના કરોડો રૂપિયા ચૂકવવામાં આવશે ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ થશે અને મસમોટો ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવી રહ્યો છે. વૃક્ષ નાશ પામે તો તેને ફરી ઉછેરવાની જવાબદારી ટ્રસ્ટની: JMCના આસિસ્ટન્ટ કમિશનર
આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેર સુશોભન અને બ્યુટીફિકેશનને લઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રારંભિક ધોરણે હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરદારબાગથી લઇ મધુરમ ગેટ સુધીના રોડની બ્યુટીફિકેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોડ પરના ડીવાઈડર તેમજ રોડની બંને સાઇડ પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રોડની બંને બાજુની દીવાલો પર પણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ લાઇટિંગ કરવામાં આવી છે. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હજારથી વધુ વૃક્ષો વાવવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાંથી હાલ 1200 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા જેમાં મહાનગરપાલિકાને એક વૃક્ષ દીઠ બેથી ત્રણ હજાર રૂપિયા સદભાવના ટ્રસ્ટને ચૂકવવાના આ સદભાવના ટ્રસ્ટ ત્રણ વર્ષ સુધી આ વૃક્ષનું જતન કરવાનું અને આ ઉપરાંત આવનારા સમયમાં વૃક્ષ વાવ્યા બાદ કોઈપણ વૃક્ષ બળી જાય અથવા તો તે વૃક્ષ નાશ પામે તો તેને ફરી ઉછેરવાની જવાબદારી સદભાવના ટ્રસ્ટની છે. વોક વે પર અને દિવાલ નજીક વાવેલા વૃક્ષો અંગે વાત થઇ છે: JMCના આસિસ્ટન્ટ કમિશનર
મનપાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજે વધુમાં જણાવ્યું કે, આ વૃક્ષારોપણની કામગીરી માટે સદભાવના ટ્રસ્ટ સાથે એમઓયુ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિર સામે કૃષિ યુનિવર્સિટીની દિવાલ નજીક બનાવવામાં આવેલી ગટર પર વૃક્ષારોપણ મામલે અધિકારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે ખરેખર આ મામલે અમે પણ તપાસ કરી છે. પણ અત્યારે જાણવા એવું મળ્યું છે કે જ્યાં વોક વે છે ત્યાં ગટર નથી તેનાથી દૂર ગટર છે અને દિવાલની બાજુમાં જે વૃક્ષો વાવવામાં આવ્યા છે તે દીવાલને નુકસાન ન થાય તે માટે સદભાવના ટ્રસ્ટ સાથે પણ વાત થઈ છે. સદભાવના ટ્રસ્ટ દ્વારા એવા વૃક્ષો વાવવામાં આવ્યા છે કે જેનાથી દીવાલને નુકસાન ન થાય. બ્લોગ કાઢી જે વૃક્ષો વાવ્યા એની તપાસ કરાવીશું: સદભાવના ટ્રસ્ટ
આ અંગે સદભાવના ટ્રસ્ટના યાજ્ઞિક ડોબરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં બે હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું છે. એક વૃક્ષ દીઠ ત્રણ હજાર રુપિયાની રકમ જતન અને પ્લાન્ટેશન કરવાનીની માટે મનપા દ્વારા આપવામાં આવશે. આ ઝાડનું જતન ત્રણ વર્ષ સુધી કરવાની જવાબદારી સદભાવના ટ્રસ્ટની છે. આ વૃક્ષને વાવ્યાબાદ તેને પાણી પીવડાવવું, ખાતર નાખવું અને જો વૃક્ષ બળી જાય કે પડી જાય તો ફરી તેને વાવવાની જવાબદારી સદભાવના ટ્રસ્ટ રહેશે. ગટરની ઉપર બ્લોગ કાઢી જે વૃક્ષો વાવવામાં આવ્યા છે તેમજ દિવાલ નજીક જે વૃક્ષો વાવવામાં આવ્યા હોય તો તેના માટે તપાસ કરાવી લઈશું. આ અંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, સદભાવના ટ્રસ્ટ દ્વારા સેવાના હેતુથી જૂનાગઢમાં વૃક્ષારોપણ કરી દેવામાં આવશે. જોકે, મામલે યાગ્નિક ડોબરીયાએ એવું કહ્યું હતું કે પહેલા એવું જ નક્કી થયું હતું. પરંતુ કામ મોટું થઈ ગયું અને ફંડના હિસાબે પછી અમને સ્પોન્સર કરવા પડ્યા હતા અને ત્યાં અને પછી આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. શરૂઆતના સમયમાં રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાં ફ્રીમાં જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે સંસ્થા શરૂ થઈ તે સમયે વૃક્ષારોપણ ફ્રીમાં કરી આપવામાં આવતું હતું.