OpenAI માટે કામ કરી ચૂકેલા અને પછી આ જ કંપનીની વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વ્હિસલબ્લોઅર ભારતીય-અમેરિકન AI રિસર્ચર સુચિર બાલાજીનું મૃત્યું થયું છે. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યા પ્રમાણે સુચિરનો મૃતદેહ 26 નવેમ્બરે સાન ફ્રાન્સિસ્કોના એક એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. પોલીસનું કહેવું છે કે સુચિરે આત્મહત્યા કરી છે. સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગના પ્રવક્તા રોબર્ટ રુએકાએ ફોર્બ્સને જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં સુચિરના મૃત્યુમાં ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી.” ધ મર્ક્યુરી ન્યૂઝ અનુસાર, બાલાજી 26 નવેમ્બરના રોજ તેના બુકાનન સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુચિરની LinkedIn પ્રોફાઇલ મુજબ, તેણે નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2024 સુધી OpenAI માટે કામ કર્યું. મસ્કે સુચિરના આપઘાત પર મામલાને શંકાસ્પદ ગણાવ્યો
OpenAIની સ્થાપના 2015માં ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેને સંયુક્ત રીતે કરી હતી. ત્રણ વર્ષ પછી, મસ્કએ OpenAI છોડી દીધું અને એક હરીફ સ્ટાર્ટ-અપ, xAIની સ્થાપના કરી. ગયા મહિને, મસ્કે આરોપ લગાવ્યો હતો કે OpenAI તેની પોતાની મોનોપોલી ચલાવે છે. અબજોપતિ ઈલોન મસ્કનો OpenAI CEO સેમ ઓલ્ટમેન સાથે લાંબા સમયથી ઝઘડો છે. મસ્કએ X પર સુચિરના કેસ પર “હમ્મ” લખીને મામલાને શંકાસ્પદ ગણાવ્યો છે. સુચિર બાલાજીએ OpenAI માટે કામ કર્યું, પછી ગંભીર આરોપો લગાવ્યા
OpenAI માટે ચાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અને ChatGPTના વિકાસમાં મોટી ભૂમિકા ભજવનાર બાલાજી જ્યારે OpenAI પર અનેક આરોપો લગાવ્યા ત્યારે વિશ્વની નજરમાં આવ્યો હતો. ઑક્ટોબરમાં, સુચિર બાલાજીએ આરોપ મૂક્યો હતો કે OpenAI કૉપિરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તેણે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ChatGPT જેવી ટેક્નૉલોજી ઈન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે. ઓક્ટોબરમાં X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, બાલાજીએ AI અને જનરેટિવના યોગ્ય ઉપયોગ વિશે પણ લખ્યું હતું. સુચિરે જણાવ્યું હતું કે ChatGPT બનાવવા માટે પત્રકારો, લેખકો, પ્રોગ્રામરો વગેરેની કોપીરાઈટ કરેલી સામગ્રીનો ઉપયોગ પરવાનગી વિના કર્યો છે, જેની સીધી અસર ઘણા વ્યવસાયો અને વેપારો પર પડશે. તેમનું નોલેજ અને જુબાની OpenAI સામે ચાલી રહેલા કાયદાકીય કેસોમાં મોટી અસર કરી શકે છે.