નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડેના પ્રસંગે ભારતની સૌથી ઝડપથી વિકસતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પૈકીની એક કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડે ‘Un-Ironed Clothes’ (ઇસ્ત્રી કર્યા વિનાના વસ્ત્રો પહેરવાની) ની અનોખી પહેલ દ્વારા સસ્ટેનેબિલિટી માટે તેની કટીબદ્ધતા દર્શાવી છે. 5 જૂન, 2024ના રોજ વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ કર્મચારીઓને કોઇ એક નિશ્ચિત દિવસે ઇસ્ત્રી કર્યા વિનાના કપડાં પહેરીને કામના સ્થળે આવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે દર્શાવે છે કે નાના ફેરફારો પણ ઊર્જાના વપરાશમાં કેટલો નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. 14 ડિસેમ્બરે આ પહેલ પૂરી કરવાની યોજના હતી, પરંતુ તેને મળેલી અભૂતપૂર્વ સફળતા અને પોઝિટિવ રિસ્પોન્સના કારણે કોરોના રેમેડીઝે આ પ્રયાસને આગળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી કંપનીના 4,500થી વધુ કર્મચારીઓએ તેમાં ભાગ લીધો છે અને આ કેમ્પેઇને લગભગ 5,208 kWh જેટલી વીજળી બચાવી છે તેમજ સાત ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું છે, જે 2,10,000 મોબાઇલ ફોનના ચાર્જિંગ અથવા 91,000 કિલોમીટર સુધી ઇલેક્ટ્રિક કાર ચલાવવા બરાબર છે. કોરોના રેમેડીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નિરવ મહેતાએ જણાવ્યું હતું કે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે એ યાદ અપાવે છે કે આપણા પર્યારણની જાળવણી આપણી સહિયારી જવાબદારી છે. ‘Un-Ironed Clothes’ પહેલે આપણને બતાવ્યું છે કે સરળ અને અર્થપૂર્ણ પગલાંથી નોંધપાત્ર માત્રામાં ઊર્જાની બચત થઈ શકે છે. અમારા કર્મચારીઓએ જે પ્રકારે ઉત્સાહભેર તેમાં ભાગ લીધો અને તેની મજબૂત અસર હાંસલ થઈ તેનાથી અમને આ પહેલને આગળ વધારવા માટે પ્રોત્સાહન મળ્યું છે અને અમે ટકાઉપણા માટે અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.
‘Un-Ironed Clothes’ પહેલને ચાલુ રાખીને કોરોના રેમેડીઝ ન કેવળ ઊર્જા સંરક્ષણ માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે પરંતુ અન્ય સંસ્થાનો અને લોકોને પણ ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપે તેવી આવી સરળ, અસરકારક પ્રથાઓ અપનાવવા માટે પ્રેરવાનો ઉદ્દેશ પણ ધરાવે છે. આ પહેલ કોરોના રેમેડીઝની વ્યાપક ઈએસજી (એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ) સ્ટ્રેટેજીનો ભાગ છે જેમાં તેના ઉત્પાદન એકમો ખાતે શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા, સૌર ઊર્જા ક્ષમતા વિસ્તારવા અને આધુનિક જળ સંરક્ષણ તથા વેસ્ટ મેનેજમેન્ટ પ્રથાઓના અમલનો સમાવેશ થાય છે.