યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો. કાર અને ઘાસ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી. એને લઈને સહેલાણીઓએ બરફની મોજ માણી હતી. તો બીજ તરફ અંબાજીમાં ગ્રામપંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઇ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેમના માટે ઠંડી સજારૂપ બની હતી. આમ થોડા કિલોમીટરના અંદરે જ શિયાળાની ફૂલગુલાબી ઠંડીનાં બે અલગ-અલગ રૂપ જોવા મળ્યાં હતાં. આબુમાં સહેલાણીઓએ બરફની મોજ માણી
હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશનાં મોટાં શહેરોમાં સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પુરજોશમાં જોવા મળી રહી છે. પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ એની અસર જોવા મળી રહી છે. ત્યારે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાતાં સહેલાણીઓએ ભરપૂર મોજ માણી હતી. કાર અને ઘાસ પર બરફની ચાદર છવાઈ
સતત પાંચમા દિવસે માઉન્ટ આબુમાં માઇનસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આજે પણ માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા આબુ પહોંચ્યા હતા. સતત પાંચમા દિવસે પણ ગાડીઓ ઉપર બરફની ચાદર જામી હતી. ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ઉપર પણ બરફની ચાદર જામી ગઈ હતી. તો માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં તો ઘાસ ઉપર પણ બરફની ચાદર જામી હતી. ગાર્ડનમાં મૂકેલા કુંડામાં પણ બરફની ચાદર જોવા મળી હતી. કડકડતી ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે, જેથી તાપણી કરીને લોકો ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. અંબાજીમાં રાતે 12 વાગ્યાથી e-KYC માટે લાઇન
બીજી તરફ હાલમાં રેશનકાર્ડને ઇ-કેવાયસી કરવા માટે લોકો દરેક જગ્યાએ લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. મોટા ભાગના લોકો ઇ-કેવાયસીને લઈને પરેશાન પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામપંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસનાં ગામડાંમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે ઈ-કેવાયસીને લઈને લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે. દાંતામાં સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન
ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રેશનકાર્ડના ઇ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામપંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાનાં-નાનાં બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યાં હતાં. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી લઈ મોટા લોકો ભારે પરેશાન જોવા મળ્યા છે.