વડોદરા શહેર ભાજપ કાર્યાલયના વાસ્તુપૂજન કાર્યક્રમમાં જૂજ નેતાઓની હાજરીને લઈ જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજે વિવાદાસ્પદ નિવેદન કરી ભાજપ હાઇકમાન્ડને વણમાગી સલાહ આપી છે. સૂર્યસાગર મહારાજે વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા નજરે પડે છે. અહીં તો કોઈ નજર જ નથી આવતા. આ બાબતે તેમણે કહ્યું હતું કે ભાજપ હાઇકમાન્ડ આના પર ધ્યાન આપે. આ ભાજપને નીચે પાડનારા લોકો છે. આના પર એક્શન લેવી જોઈએ. આચાર્ય સૂર્યસાગર મહારાજે કરેલા આ નિવેદન બાબતે કોંગ્રેસે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો. વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગમાં ભવ્ય કાર્યાલય કમલમ બનાવવામાં આવી રહ્યું છે. આ અધૂરા બાંધકામવાળા કાર્યાલયનું પુનઃઉદ્ઘાટન કરવાની હિલચાલ શરૂ કરાતાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. ત્યાં ઉદ્ઘાટન પૂર્વે અધૂરા બાંધકામવાળા કાર્યાલયમાં ગઈકાલે (શુક્રવારે) વાસ્તુપૂજન કરવામાં આવતાં શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં તેઓ ભાજપ હાઈકમાન્ડને વણમાગી સલાહ આપતા જોવા મળી રહ્યા છે. ‘કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા જોવા મળે છે, અહીં તો કોઈ જોવા નથી મળતું’
જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજ વીડિયોમાં જણાવે છે કે વડોદરા શહેર ભાજપ કાર્યાલયમાં આ શું થઈ રહ્યું છે. કેટલાક લોકો જોવા નથી મળતા. કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા નજરે પડે છે, પરંતુ અહીં કોઈ જોવા નથી મળ્યું. અહીં 20થી 25 વર્ષના કોઈ યુવાન જોવા નથી મળ્યા. 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે, પરંતુ પૂજામાં કોઈ જોવા નથી મળ્યું. આચાર્ય સૂર્યસાગરજીએ કહ્યું- ‘મોદીજી… આના પર ધ્યાન આપો’
તેમણે વધુમાં કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની મજાક છે. આવી મજાક આચાર્ય સૂર્યસાગરજી મહારાજને જરા પણ સહન થશે નહીં. અહીં જેટલા બેઠા છે એટલા તો હું કમંડલ લઈને જાઉં છું ત્યારે મારી સાથે હોય છે. હાઇકમાન્ડ તેના પર ધ્યાન આપે. આ ખૂબ જ અતિશય થઈ રહ્યું છે. આ ભાજપને નીચે પાડનારા લોકો છે. આ કોણ છે તેમને હું નથી જાણતો, પરંતુ આ ખોટું છે. આ લોકો પર એક્શન લેવાવી જોઈએ. મોદીજી… આના ઉપર ધ્યાન દો. મહત્ત્વની બાબત છે કે અગાઉ પણ આ કાર્યાલય વિવાદમાં આવ્યું છે અને ફરી એકવાર આ કાર્યાલય પર કામગીરી ચાલતી હોવા છતાં પૂજા-અર્ચના થઈ જાય છે, જેમાં ભાજપ કાર્યાલયનું વાસ્તુ ઘર-ઘરનાએ કર્યું અને સગાવાલાને ઉદ્ઘાટનમાં નોતરું આપ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ શકે એવી સંભાવનાઓ પ્રમુખે વ્યક્ત કરી છે. ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શહેર પ્રમુખ ફરી રિપીટ ન થવાના હોવાથી આ કાર્યાલયની પૂજા-અર્ચના અને ઉદ્ઘાટન થઈ જાય એવાં એંધાણ હાલમાં જોવા મળી રહ્યાં છે. ‘આ વીડિયો મારો જ છે, હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું’
આ અંગે જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વીડિયો મારો જ છે અને હું વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલો છું. આ યોગ્ય નથી, જેથી આ બાબતે મારો વિરોધ છે, લોકહિત માટે કામ કરવું જોઈએ, ના કે અંદર અંદર સમાધાન કરવું જોઈએ, આ યોગ્ય નથી, હું આનો વિરોધ કરું છું. કોંગ્રેસે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો
આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે આ બાબતે હું કંઈ કહી ન શકું. તમે આ બાબતે પ્રવક્તા સાથે વાત કરો એવું તેમણે કહ્યું હતું. પ્રવક્તા નિશાંત રાવલ સાથે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમારે કોઈ પ્રતિક્રિયા આપવી નથી. આ અંગે ભાજપ શહેર અધ્યક્ષ ડો વિજય શાહનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. ત્રણ મહિના પહેલાં કહ્યું હતું- ‘ભાજપના લોકો જ ભાજપનું પતન કરશે’
ત્રણ મહિના પહેલાં ચોમાસા દરમિયાન વડોદરામાં માત્ર 12 ઈંચ વરસાદમાં આવેલા પૂરને કારણે શહેરની જે દશા થઈ હતી એને લઈને તમામ શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ માનવસર્જિત પૂરને લઈ જૈન મુનિએ પણ બળાપો ઠાલવ્યો હતો. હાલોલમાં ચાતુર્માસમાં બિરાજમાન જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમણે ભાજપના રાજનેતાઓ અને બિલ્ડરોની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે શહેર પ્રમુખ વિજય શાહ જેવા લોકો જ ભાજપનું પતન કરશે, વડોદરામાં આવેલાં 35 તળાવો, જેમાં વરસાદી પાણી વહી જતું હતું, એ વડોદરાના રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધા છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય મનીષા વકીલ, પૂર્વ મેયર ભરત ડાંગર અને વિધાનસભાના દંડક બાળુ શુક્લાની પણ આકરી ઝાટકણી કાઢી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)