સતાધારના મહંત વિજયબાપુ પર તેના જ સગા મોટાભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. નીતિન ચાવડાએ સતાધારના મહંત વિજયબાપુને ગીતા નામની મહિલા સાથે પ્રેમસંબંધ છે અને કરોડો રૂપિયાના સતાધારમાં ગોટાળા થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. એ વિવાદમાં હવે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગિરિએ એન્ટ્રી કરી છે. તેઓ સાધુ-સંતો સાથે વિજયબાપુના સમર્થનમાં સતાધાર પહોંચ્યા હતા. મહેશગિરિએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ ટુકડીઓ સનાતનની જગ્યાને ટાર્ગેટ કરે છે, સંતો આગળ આવે, નહીં તો લૂંટારાઓ ફાવી જશે’. અમે સાધુ-સંતો વિજયબાપુની સાથે છીએઃ મહેશગિરિબાપુ
જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગિરિબાપુએ જણાવ્યું હતું કે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ મામલે વિજયબાપુ સાથે મળી બધી વાતચીત કરી છે અને તેમને આજે અમે અહીં ભરોસો આપવા આવ્યાં છીએ કે સૌ સાધુ-સંતો તમારી સાથે છે. આ સતની જગ્યા છે, જ્યાં સતાધારમાં વિજયબાપુ સેવા કરી રહ્યા છે. સનાતનના સૌ સાધુ-સંતો, મહાત્માઓ વિજયબાપુની સાથે છે, અમે અહીં વિજયબાપુને એ વાત કહેવા આવ્યા છીએ કે સૌ સાધુ-સંતો તમારી સાથે છે. વાતો થાય છે કે કોઈ સાધુ-સંતો અહીં આવતા નથી ને વિજયબાપુ સાથે નથી તો, એનો જવાબ આનાથી જ મળે કે આજે અમે સાધુ-સંતો સતાધારમાં છીએ. સંગઠનોના સાધુ-સંતો ચૂપ કેમ છે, સામે કેમ નથી આવતા?: મહેશગિરિ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંત સમાજને એક વાત કહેવી છે કે ગુજરાત અને ભારતમાં અખિલ ભારતીય સંત સમિતિ, અખિલ ભારતીય સાધુ સમાજ અને અખિલ ભારતીય સનાતન સંરક્ષક સમિતિ છે. આ બધી સમિતિઓના સંતો, જેમાં મુક્તાનંદબાપુ ચાપરડા, શેરનાથબાપુ ગૌરક્ષના આશ્રમ જૂનાગઢ, સંત સમિતિમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી અને ભારતના અધ્યક્ષ સતકેવલદાસજી મહારાજ છે, રાજેન્દ્ર દાસજી આ સમિતિમાં અધ્યક્ષસ્થાને છે. ત્યારે આ સંતોને ખાસ કહેવું છે કે સૌથી પહેલા ભારતીય આશ્રમની વાત આવી. ત્યાર બાદ મહેશગિરિબાપુની વાત આવી, હાલ સતાધારની વાત આવી છે. આ કોઈ ચોક્કસ ટુકડીઓ દ્વારા સનાતનની જગ્યાઓને એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આ બધા સંતો જેને ફાઉન્ડેશન બનાવ્યા છે, જેમાં અમે સૌ સાધુ-સંતો પણ મેમ્બર છીએ. ત્યારે આ સંગઠનોના સાધુ-સંતો ચૂપ કેમ છે, સામે કેમ નથી આવતા? એક વાત યાદ રાખવી પડશે કે બધા સાધુ-સંતોએ કે આજે અહીં વારો આવ્યો, કાલે તમારે ત્યાં પણ ટકોરા વાગશે એટલું યાદ રાખજો. સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ લૂંટારાઓ બધા ફાવી જશે. તેના લીધે સનાતનને નુકસાન થશે. વિજયદાસબાપુ, તમે એક ધર્મસભા બોલાવોઃ મહેશગિરિ બાપુ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું એક વાત ચોક્કસ કહીશ કે બધા જ સાધુ-સંતોએ અને વિજયદાસબાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, જેમાં સૌ સાધુ-સંતો આવશે અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધા સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે અને શું નથી. કદાચ ભૂલ હોય કોઈને તો મેં કહ્યું એમ માફ કરવાનું હોય અથવા તો માફી માગવાની, પાપ કર્યું હોય તો પ્રાયશ્ચિત કરવાનું હોય અને ગુનો કર્યો હોય તો તેની સજા હોય. આમાં સત્ય શું છે એ બહાર આવશે તો એનાથી બધાને સત્યની ખબર પડશે અને બધા ઉઘાડા પડશે. ‘ઘણીવાર બીજી જગ્યાએ બેસીને ડિરેક્ટર પિક્ચર ચલાવતો હોય છે’
મહેશગિરિએ જણાવ્યું હતું કે ઘણીવાર એવું હોય કે પિક્ચર જે ચાલી રહ્યું હોય તો એનો ડિરેક્ટર તો બીજી જગ્યાએ બેઠો હોય, તે ત્યાંથી પિક્ચર ચલાવતો હોય, એના લીધે આ સનાતનની જગ્યાઓ બધી ટાર્ગેટ થતી હોય છે. ત્યારે સરકારને ખાસ અપીલ કરું છું કે આ બધી ચંડાલ ચોકડીઓ જામી ગઈ છે સનાતનની જગ્યાને ટાર્ગેટ કરવા માટે, એની તપાસ થવી જોઈએ. સાધુ-સંતોએ ચૂપ ન રહેવુ જોઈએ, બધાએ બોલવું જોઈએઃ મહેશગિરિબાપુ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સૌ સાધુ-સંતો એક જ વાત કરીએ છીએ કે વિજયદાસબાપુ સાચા છે, અમે સૌ સાધુ-સંતો તેમની સાથે છીએ. કદાચ તેમનો દોષ હોય એવું પણ હોય તો અમે પણ કહીશું કે બાપુ આ શું છે ? પરંતુ વિજયબાપુ ધર્મ સભા બોલાવશે તો સાચું ખબર પડશે. આજે સતાધારમાં અમે સૌ સાધુ-સંતો વિજયબાપુની સાથે છીએ એ ભરોસો અપાવવા માટે આજે અહીં આવ્યા છીએ. સંત સમિતિ, અખિલ ભારતીય સંત સમિતિ, ભારત સાધુ સમાજ છે, એ બધા સંતોએ હવે ચૂપ ન રહેવુ જોઈએ, બધાએ આવવુ જોઈએ, બોલવુ જોઈએ. જો નહીં બોલો તો સમાજને ખબર નહીં પડે કે કોણ પાપી છે અને કોણ અધર્મી છે? કેવી રીતે ખબર પજે કે સનાતનમાં સાચા લોકો છે તે જ પીડાઈ રહ્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે હવે સાવરકુંડલા હાથસણી રોડ ઉપર આવેલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામબાપુએ પણ પ્રતિક્રિયા આપી છે અને વિવાદ શાંત પાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. પ્રુફ હોય તો એણે પર્સનલી સમજી લેવુંઃ ભક્તિરામ બાપુ
માનવ મંદિરના મહંત ભક્તિરામબાપુએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ બહુ થઈ રહ્યું છે, તે ખૂબ જ પીડાજનક છે સતાધાર એટલે આપણી શ્રધ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા સિદ્ધ જગ્યા છે. તેના માટે વગર વિચારે પ્રુફ વગર કઈ બોલવું કે કઈ વાતો કરવી વ્યાજબી નથી. સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે મારે એટલું જ બધાને કહેવાનું છે કે, જેની પાસે કોઈને વાંધો હોય કોઈ પ્રુફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ.
ધર્મસ્થાનને આવી રીતે નુકસાન ન કરશોઃ ભક્તિરામ બાપુ
વધુમાં જણાવ્યું કે, સતાધાર વિશે કઈ બોલવું તે આપણા સનાતન ધર્મ માટે વ્યાજબી નથી. જો કોઈને પર્સનલ વાંધો હોય અને પર્સનલ કઈ પ્રુફ હોય તો એણે પર્સનલી રીતે મળી લેવું જોઈએ. આવી રીતે જગ્યાને સરેઆમ બદનામ કરવી તે સનાતન ધર્મને નુકસાન કરે છે, એટલે મહેરબાની કરીને સતાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં મનફાવે તેમ વાતું કરી રહ્યા છો, તે બંધ કરજો. હું આપને બધાને પ્રાર્થના સાથે કવ છું, જો પ્રુફ હોય તો પર્સનલી સમજી લ્યો બાકી ધર્મસ્થાનને આવી રીતે નુકસાન કરશો તો આપડા સનાતન ધર્મને નુકસાન જશે.