આજકાલ મોટા ભાગની હોસ્પિટલો પોતાની હોસ્પિટલમાં જ ઇનહાઉસ મેડિકલ સ્ટોર ચલાવતી હોય છે. દર્દીઓ બ્રાન્ડેડ દવાના બદલે જિનરિક દવા ખરીદવા ઈચ્છતો હોય તોપણ તેને જે-તે હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી દવાની ખરીદી કરવા માટે મજબૂર કરાતો હોય છે. જોકે હવે હોસ્પિટલની અંદર જ ચાલતા મેડિકલ સ્ટોર પરથી દવાની ખરીદી કરવા માટે દર્દીને મજબૂર કરી શકાશે નહીં. રાજ્યમાં જે પણ હોસ્પિટલની અંદર ઈનહાઉસ મેડિકલ સ્ટોર આવેલા છે તેમણે બોર્ડ લગાવવાનું રહેશે કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી. હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી જ દવા ખરીદવા ફરજ પડાતી હતી
ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશનર ડૉ.એચ.જી. કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન પર આવ્યા મુજબ રાજ્યમાં આવેલી હોસ્પિટલો દ્વારા તેમની હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇનહાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓ જિનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે. હોસ્પિટલોના ઇનહાઉસ મેડિકલ સ્ટોરે બોર્ડ લગાવવાનું રહેશે
જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પિટલના દર્દીઓ માટે અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી ” એવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવી છે, જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે. દર્દીઓ જિનરિક દવા ખરીદવી હોય તોપણ ખરીદી શકતા ન હતા
બજારમાં મળતી બ્રાન્ડેડ દવા જેવું જ કન્ટેન્ટ ધરાવતી જિનરિક દવા પણ મળી રહે છે, જે દર્દીઓને સસ્તામાં મળતી હોય છે, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લખવામાં આવતી દવા ત્યાંથી ખરીદવાનો આગ્રહ રખાતો હોવાના કારણે દર્દીઓ જિનરિક દવા ખરીદી શકતા ન હતા. આ ઉપરાંત મોટા ભાગનાં શહેરોમાં અનેક મેડિકલ સ્ટોર એવા હોય છે, જ્યાં દર્દીઓને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, એ પણ દર્દીઓએ જતું કરવું પડતું હતું.