દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામના 9 વર્ષીય બાળક દર્શન વસૈયાને મોઢાના ઉપરના જડબામાં ગાંઠ થવાથી પરિવારજનો છેલ્લા બે વર્ષથી સ્થાનિક દવાખાનાઓમાં સારવાર કરાવતા કોઈ પરિણામ ન મળતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતાં તબીબે બાળકના મોઢાના ઉપરના જડબાની ગાંઠને સર્જરી કરી બહાર કાઢી હતી. બાળક મોઢુ પણ ખોલી શકતો ન હતો
ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામના મહેશ વસૈયાના 9 વર્ષીય પુત્ર દર્શનને મોઢાના ઉપરના જડબામાં સોજો અને દુઃખાવો થતાં સ્થાનિક દવાખાનાઓમાં છેલ્લા બે વર્ષથી દવા સારવાર કરાવતા હતા, પરંતુ બાળકની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો, ત્યારે આરોગ્ય વિભાગની આર.બી.એસ.કે.ની ટીમ સ્વાસ્થ્ય ચકાસણી માટે ધાવડીયા ગામે ગઈ હતી, તે દરમિયાન આ બાળકની તપાસ કરતા બાળકને મોઢાના ભાગે ખૂબ જ સોજો, પુરતુ મો નહી ખુલવાની સમસ્યા, અસહ્ય દુઃખાવો થતો હોવાથી આ બાળકને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાની સલાહ પરિવારજનોને અપાઈ હતી. દાહોદની ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયો
બાળકના પિતા મહેશભાઈ આરોગ્ય વિભાગની આર.બી.એસ.કે. ના કર્મચારી સાથે બાળકને લઈને 5મી ડિસેમ્બરના રોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ઝાયડસ હોસ્પિટલના તબીબ ડૉ.અઝીજ હુસેનભાઈ પહાડવાલાએ સૌ પ્રથમ બાળકની પ્રાથમિક તપાસ કરી બાળકને મોઢામાં ઉપરના ભાગે ગાંઠ હોવાનું જણાતા બાળકના લોહીના રિપોર્ટ, ઈસીજી, ચેસ્ટ એક્સ-રે, સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમા સીટી સ્કેનના રિપોર્ટમાં બાળકને દાંતોની વચ્ચે ઉપરના જડબામા 3×5 સે.મી. ની સાઈઝની ગાંઠ હોવાનું સામે આવ્યુ હતુ, રિપોર્ટ બાદ સર્જરી કરી ગાંઠ કાઢવાનું નકકી કરાયુ
નાની ઉંમરના 2થી 3 ટકા બાળકોમાં આ પ્રકારની ગાંઠ હોવાના કિસ્સાઓ આવતા હોય છે, અને મોઢાના ઉપરના ભાગે આવેલી ગાંઠનું ઓપરેશન કરવુ ખૂબ રિસ્કી હોય છે, આ પ્રકારની ગાંઠની ઓપરેશન કરતી વખતે લોહી વધુ વહી જાય તો દર્દીનુ મૃત્યુ થવાની સંભાવનાઓ રહેતી હોય છે, ઝાયડસ હોસ્પિટલના અનુભવી તબીબ ડૉ.અઝીજ પહાડવાલાએ આ ગાંઠનુ ઓપરેશન કરીને બહાર કાઢવાનુ નકકી કરીને 13મી ડિસેમ્બરના રોજ સર્જરી કરવાનુ નક્કી કરવામા આવ્યુ હતુ. બાળકને એનેસ્થેસિયા આપવાની ચેલેન્જ હતી
બાળકની સર્જરી કરતા પહેલા ઝાયડસ હોસ્પિટલના તબીબ ડૉ.અઝીજ પહાડવાલાએ બાળકના તમામ જરૂરી મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ 13મી ડિસેમ્બરના રોજ બાળકને ઝાયડસ હોસ્પિટલના આધુનિક સુવિધાઓથી સજજ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન પહેલા બાળકને એનેસ્થેસિયા આપવાની ચેલેન્જ હતી. પરંતુ ઝાયડસ હોસ્પિટલની એનેસ્થેસિયા ટીમના ડૉ. જાનવી એ બાળકને સફળતાપૂર્વક એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો, ઓપરેશન પ્રકિયા દરમિયાન ડૉ.જાનવી ઓપરેશન થિયેટરમાં ઉપસ્થિત રહીને બાળકની સમગ્ર ગતિવિધિ પર નજર રાખવામા આવી હતી. બાળકનું ઓપરેશન કરી ગાંઠ કાઢવામા આવીઝાયડસ હોસ્પિટલના ડૉ.અઝીજ પહાડવાલાએ બાળકની ગાંઠનું સફળ ઓપરેશન કરીને 3×5 સે.મી. ગાંઠ બહાર કાઢી હતી, ગાંઠ કાઢતી વખતે બાળકના ઉપરના જડબાના બેથી ત્રણ દાંતને પણ કાઢવામાં આવ્યા હતા, ઓપરેશન વખતે લોહી વધુ વહી જવાની શક્યતાઓને લઈને ડૉ.અઝીજ પહાડવાલાએ લોહીના બોટલો, ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ રાખી હતી, અને બાળકની ગાંઠનું સફળ ઓપરેશન કરવામા આવ્યુ હતુ. અને બાળક એક સપ્તાહમાં સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલ માંથી રજા આપવામા આવશે. ગાંઠને પેથોલોજી પરિક્ષણ માટે મોકલવામાં આવી
બાળકના મોઢાના ઉપરના જડબામાંથી સર્જરી કરી કાઢવામા આવેલી ગાંઠને પરિક્ષણ માટે ઝાયડસ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં મોકલવામા આવી હતી, જ્યા ગાંઠનું પરીક્ષણ કરવામાં આવશે અને ગાંઠ શેની હતી, તે પેથોલોજીના રિપોર્ટ બાદ જાણી શકાશે. PMJAY યોજના હેઠળ નિશુલ્ક ઓપરેશન કરાયુબાળકના મોઢાના જડબાના ઉપરના ભાગે આવેલી ગાંઠનું ઓપરેશન કરવાનો ખર્ચ એક લાખની આસપાસ થઈ શકે છે, આ તમામ ખર્ચ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામા આવશે, જેના કારણે બાળકના પરિવારજનોને સારવાર માટે કોઈ ખર્ચ થયો ન હતો. 2થી 3 ટકા બાળકોમાં જ આવી ગાંઠ હોય છે
બાળકની સારવાર કરનાર ઝાયડસ હોસ્પિટલના મેગ્જીયલ ઓફિસીયલ સર્જન તબીબ ડૉ.અઝીજ હુસેનભાઈ પહાડવાલાએ જણાવ્યુ હતુ કે, ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામના દશર્ન વસૈયા છેલ્લા બે વર્ષથી મોઢાના ઉપલા જડબાની ગાંઠથી પરેશાન હતો, આ બાળક ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે આવતા સૌ પ્રથમ સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમા ઉપરના જડબામાં ગાંઠ હોવાનુ જણાયુ હતુ. આવા પ્રકારની ગાંઠ 2થી 3 ટકા બાળકોમાં જોવા મળતી હોય છે. અમે બાળકની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરીને ગાંઠને બહાર કાઢી છે અને હાલમાં બાળક સ્વસ્થ છે. એક સપ્તાહમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, ત્યાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. દીકરો પીડામાંથી મુક્ત થતાં પિતા ખુશબાળકના પિતા મહેશ વસૈયાએ જણાવ્યુ હતુ કે, મારુ બાળક છેલ્લા બે વર્ષથી મોઢાની તકલીફથી પીડાતુ હતુ, સારવાર કરાવી પરંતુ આરામ થતો ન હતો, ઝાયડસ હોસ્પિટલમા મારા બાળકનું ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી છે, હવે મારુ બાળક સ્વસ્થ થઈ જશે તેવુ લાગી રહ્યું છે, બાળકની પીડા જોઈને હુ ખૂબ પરેશાન રહેતો હતો, પરંતુ ઓપરેશન થયા બાદ હવે મને શાંતિ થઈ છે તેમ જણાવ્યુ હતુ.