શાયર રાવલ
રાજ્ય સરકાર શાળા આરોગ્ય કાર્યક્રમના ખોટા આંકડા રજૂ કરી ભ્રામકતા ફેલાવતી હોવાના પુરાવા સામે આવ્યા છે. વર્ષ 2013થી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ગુજરાતમાં શાળા આરોગ્ય કાર્યક્રમ કાર્યરત છે. કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઈ 18 વર્ષ સુધીનાં બાળકોનું સ્ક્રિનિંગ થાય છે. ગુજરાત સરકારના દાવા મુજબ દર વર્ષે બે કરોડ જેટલાં બાળકોનું સ્ક્રિનિંગ કરાય છે. જોકે વાસ્તવિકતા છે કે, સરકારી બાબુઓ ફિલ્ડમાં ગયા વગર ઓફિસમાં બેઠાબેઠા ભ્રામક આંકડા તૈયાર કરી રહ્યાં છે. 2024ના શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમના જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યના 33 જિલ્લામાં હૃદય સંબંધિત 1015, કિડની સંબંધિત 272, કેન્સર સંબંધિત 262 અને થેલેસેમિયાના 22 દર્દીની ઓળખ થઈ હતી અને તેમની સારવાર શરૂ કરાઈ હતી.
ભાસ્કરે પાછલા વર્ષોના સ્ક્રિનિંગ રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું કે, 2021-22માં થેલેસેમિયાના રાજ્યમાં 22 દર્દીની ઓળખ થઈ હતી અને 2022-23માં 23 દર્દીની ઓળખ થઈ હતી. ચોંકાવનારો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં 33 પૈકી એક સરખા 12 જિલ્લામાં એક સરખી સંખ્યામાં થેલેસેમિયાના દર્દીની ઓળખ થયેલી જોવા મળી હતી. એટલે કે, છેલ્લા ત્રણે વર્ષમાં અમદાવાદ 7-8, સુરેન્દ્રનગર-1, બનાસકાંઠા-1, ભરૂચ-1, ભાવનગર-2, અમરેલી-2, ગીર સોમનાથ-1, સુરત-1, રાજકોટ-3, જામનગર-1, કચ્છ-1 અને મોરબી-1 નો એક સરખો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. 98% ટાર્ગેટ પુરો કર્યો હોવાનો સરકારનો દાવો
સરકારના દાવા મુજબ વર્ષ 2023-24માં 1.99 કરોડ બાળકોનું સ્ક્રિનિંગ કરવાનું હતું જેમાંથી 1.91 કરોડ બાળકોનું સ્ક્રિનિંગ થઈ ગયું છે. આ પૈકી 14 લાખ બાળકોને 4D’s (ડિફેક્ટ્સ, ડિસિસ, ડેફિશિયન્સી અને ડેવલપમેન્ટ ડીલે) હોવાનું સામે આવ્યું હતું. આ આંકડા દ્વારા સરકારે 98% ટાર્ગેટ પુરો કર્યાના દાવા છે. સરખા આંકડા છે એટલે ખોટું છે એમ કહી શકાય નહીં: આરોગ્ય કમિશનર | આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે, ડેટાને જુદીજુદી રીતે વેરિફાય કર્યા પછી ખ્યાલ આવશે. સરખા આંકડા છે એટલે ખોટું છે એમ કહી શકાય નહીં. બીમાર બાળકો શોધવા માટે ટાર્ગેટ સોંપેલો નથી. થેલેસેમિયાનું પ્રમાણ અમુક જિલ્લા અને કોમ્યુનિટિમાં વધારે પડતું જોવા મળે છે.