back to top
Homeગુજરાત5 હજારથી વધુ ડિઝાઇનર જ્વેલરીનું એક્ઝિબિશન:એરોસ્પેસમાં વપરાતા ટાઇટેનિયમમાં લેબગ્રોન ડાયમંડ-ગોલ્ડની મદદથી ખાસ...

5 હજારથી વધુ ડિઝાઇનર જ્વેલરીનું એક્ઝિબિશન:એરોસ્પેસમાં વપરાતા ટાઇટેનિયમમાં લેબગ્રોન ડાયમંડ-ગોલ્ડની મદદથી ખાસ જ્વેલરી બનાવાઈ; હેરિટેજ લુકવાળું 28 લાખનો નેકલેસ આકર્ષણનું કેન્દ્ર

સુરત શહેરમાં આયોજિત ત્રણ દિવસીય રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શો 2024માં 5,000થી વધુ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ટાઇટેનિયમથી તૈયાર જ્વેલરી છે. આજદિન સુધી ટાઇટેનિયમ મેટલથી એરોસ્પેસ ક્રાફ્ટ બનાવવામાં આવતું હતું, આ 2000 ડિગ્રી સેલ્સિયસ પર પીગળાવવામાં આવે છે અને જ્વેલરી તૈયાર કરાઈ છે, જેમાં લેબગ્રોન ડાયમંડ અને ગોલ્ડનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સમ્રાટ અશોકના સમયના ઇન્ડિયન હેરિટેજ ડિઝાઇનથી પ્રેરિત 28 લાખ રૂપિયાનો નેકલેસ પણ લોકોનું આકર્ષણ બની રહ્યો છે. 3 દિવસીય રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શો 2024નું આયોજન
હાલમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે અને આ મંદીમાંથી ઉદ્યોગને બહાર લાવવા માટે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસીય રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ B2B પ્રદર્શનમાં સુરતના 150 ઉપરાંત અન્ય શહેરોના મેન્યુફેક્ચરર્સે કુલ 5,000થી વધુ વિશિષ્ટ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું છે. વિશ્વની સૌથી કઠોર મેટલમાંથી જ્વેલરી બનાવાઈ
આ પ્રદર્શનમાં ટાઇટેનિયમની જ્વેલરી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. સામાન્ય રીતે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમની જ્વેલરી બનાવવામાં આવતી હોય છે. પરંતુ સુરતની એક કંપનીએ ટાઇટેનિયમથી જ્વેલરી બનાવી છે. આ જ્વેલરીની ખાસિયત છે કે તે લાઇટ વેઇટ છે અને માનવ શરીર માટે અનુકૂળ હોવાથી બાયોફ્રેન્ડલી છે. ટાઇટેનિયમ, જે વિશ્વના સૌથી કઠોર મેટલમાંની એક છે. સામાન્ય રીતે એરોસ્પેસ ક્રાફ્ટ બનાવવા માટે વપરાય છે, પરંતુ હવે આ મેટલથી સુરતના ઉદ્યોગપતિઓ લાઇટવેઇટ જ્વેલરી બનાવી રહ્યા છે, જેમાં લેબગ્રોન ડાયમંડ અને રિસાયકલ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઇટેનિયમ માનવ શરીર માટે બાયોફ્રેન્ડલીઃ ડિઝાઇનર
જ્વેલરી ડિઝાઇનર અંકુરે જણાવ્યું હતું કે, આ જ્વેલરીમાં અમે એરોસ્પેસ ટાઇટેનિયમ, લેબગ્રોન ડાયમંડ અને રિસાયકલ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. ટાઇટેનિયમ માનવ શરીર માટે બાયોફ્રેન્ડલી અને સ્ટીલ કરતાં પણ કઠોર છે. આ લાઈટ વેઇટ મેટલ ખાસ કરીને ઘૂંટણ અને હાર્ટ સ્ટેન્ડ ઇમ્પ્લાન્ટ્સ માટે વપરાય છે. આ જ્વેલરી માટે અમે પાંચ વર્ષ સુધી રિસર્ચ કર્યું છે અને ત્યારબાદ આ જ્વેલરી લોન્ચ કરી છે. આ ધાતુને 2000 ડિગ્રી સેલ્સિયસ પર પીગળાવવામાં આવે છે. બાદમાં મોલ્ડિંગ અને સોલ્ડરિંગ કરીને આ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે, જેની કિંમત પણ નજીવી હોય છે. હેરિટેજ ઇન્સ્પાયર 28 લાખની જ્વેલરી
જ્વેલરીમાં ટાઇટેનિયમના ઉપયોગ સાથે વિન્ટેજ જ્વેલરી પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે લોકપ્રિય થઈ રહી છે. રાજા-રજવાડાઓની પ્રેરણાથી બનાવવામાં આવેલા 28 લાખ રૂપિયાના નેકલેસે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ અંગે જ્વેલરી ડિઝાઇનર પ્રીતિ ભાટીયાએ જણાવ્યું કે, અમે ઇન્ડિયન હેરિટેજ ઇન્સ્પાયર જ્વેલરી અંતર્ગત સમ્રાટ અશોકના કાળમાં રાજા-રજવાડાઓ પહેરતા હતા, તેનાથી પ્રેરિત નેકલેસ બનાવ્યો છે. આ નેકલેસ 120 ગ્રામ સોનાથી બનેલો છે અને તેમાં 39 કેરેટ ડાયમંડનો ઉપયોગ કર્યો છે. આ નેકલેસમાં રુબી લાઇટ સ્ટોન અને વિક્ટોરિયન સ્ટાઈલ એનામેલિંગ છે, જેનો ભાવ 28 લાખ રૂપિયા છે. ટાઇટેનિયમથી તૈયાર મોમેન્ટોની CMને ભેટ
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન જયંતિ સાવલિયાએ જણાવ્યું કે, ટાઇટેનિયમથી તૈયાર કરાયેલ ભારતની પ્રથમ જ્વેલરી સુરતમાં બનાવવામાં આવી છે. ટાઇટેનિયમ પર એક લોકેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર ગોલ્ડ, ડાયમંડ અને નવગ્રહના રત્નો સમાવેશ કરવામાં આવ્યા છે. આ લોકેટને સેટિન વર્કની વુડન ફ્રેમમાં જડિત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોમેન્ટો રૂપે આપવામાં આવ્યું છે, જેથી ટાઇટેનિયમ ધાતુથી તૈયાર થયેલી જ્વેલરીની વિશિષ્ટતા અને મહત્તા દર્શાવી શકાય. ‘પ્રદર્શનથી વ્યાપારની વિશાળ તકો ઉપલબ્ધ થશે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ રૂટ્ઝ B2B જવેલરી પ્રદર્શન ચોથી વખત આયોજિત કરવામાં આવ્યું છે, જ્યાં સુરતના 150 તેમજ અન્ય શહેરોના મેન્યુફેક્ચરર્સે મળીને 5000થી વધુ વિશિષ્ટ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું છે. મંદી વચ્ચે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ આપવાનો છે. ઉપરાંત, હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી અને અન્ય ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વ્યાપાર માટે કડીરૂપ બનશે. સુરત ડાયમંડ કટિંગ, પોલિશિંગના ઉદ્યોગનું હબ છે, સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ અગ્રેસર બની રહ્યું છે. અહીં જ્વેલરીમાં જડતર માટે હીરા પણ આસાનીથી ઉપલબ્ધ છે, ત્યારે આ પ્રદર્શન જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments